Home Current બીજા દિવસે કચ્છ મુંબઈ વચ્ચેના ટ્રેન વ્યવહારને અસર : ટ્રેનો લેઇટ પ્રવાસીઓ...

બીજા દિવસે કચ્છ મુંબઈ વચ્ચેના ટ્રેન વ્યવહારને અસર : ટ્રેનો લેઇટ પ્રવાસીઓ ચિંતિત

1922
SHARE
મુંબઈમાં પડેલા ભારે વરસાદ પછી સતત બીજા દિવસે પણ કચ્છ અને મુંબઇ વચ્ચેના ટ્રેન વ્યવહાર ને અસર પહોંચી છે. મંગળવારે રાત્રે ભુજ થી ઉપડેલી કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરી એક્સપ્રેસ બન્ને ટ્રેનો આજે બુધવારે મુંબઇ પહોંચવાના નિયત સમય કરતા પહેલા જ ગુજરાતના રેલવે સ્ટેશનો પર રોકાઈ રોકાઈ ને આગળ વધી રહી છે. કચ્છ એક્સપ્રેસ ટ્રેનમા પ્રવાસ કરતા કિરીટભાઈ છેડાના જણાવ્યા પ્રમાણે અમદાવાદના સાબરમતી સ્ટેશને કચ્છ એક્સપ્રેસ ને લગભગ પાંચ કલાક સુધી રોકી દેવાયા બાદ સવારે પોણા નવ વાગ્યે ટ્રેન ધીમી ગતિ એ આગળ વધી રહી છે. ટ્રેન આગળ કેટલે જશે તે અંગે રેલવે દ્વારા કોઈ પણ પ્રકારની જાહેરાત કરાઈ નથી. જોધપુર થી બાંદ્રા મુંબઇ જતી ટ્રેન સુરત સુધી જ જશે એવી જાહેરાત અમદાવાદ સ્ટેશને કરાઈ હતી. તેથી કચ્છ એક્સપ્રેસ માં મુંબઇ જતા પ્રવાસીઓને ચિંતા છે કે કચ્છ એક્સપ્રેસ આગળ ક્યાં સુધી જશે? ગઈ કાલે ઘોલવડ(દહાણું) સુધી જ કચ્છ એક્સપ્રેસ ટ્રેન ગઈ હતી. જ્યારે સયાજીનગરી એક્સપ્રેસ પણ આજે સવારે અમદાવાદ સુધી જ પહોંચી છે, ૯ વાગ્યા સુધી આ ટ્રેન અમદાવાદ રોકી દેવાઈ છે.

મુંબઈ-ગુજરાત વચ્ચેની ૬ ટ્રેનો રદ્દ

વલસાડમાં રહેતા અને કચ્છ સાથે સંકળાયેલા શાંતિલાલ દોશી ના જણાવ્યા પ્રમાણે આજે બુધવારે મુંબઇ થી આજે એક પણ ટ્રેન વલસાડ પહોંચી નથી.પશ્ચિમ રેલવેની સત્તાવાર યાદી અનુસાર આજે બુધવારની મુંબઇ અને અમદાવાદ બન્ને તરફના સ્ટેશનો વચ્ચે દોડતી ૬ ટ્રેનો રદ્દ કરાઈ છે. કચ્છમાં મામલતદાર અને ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવ્યા બાદ નિવૃત થઈ ને હાલ મુંબઇ રહેતા શાંતિલાલ સંગોઈએ ન્યૂઝ4કચ્છને આપેલી માહીતી અનુસાર આજે બુધવારે સવારથી જ મુંબઇ થી ગુજરાત જતી સવારની ટ્રેનો રદ્દ કરાઈ છે. મુંબઈનો લોકલ ટ્રેન વ્યવહાર વિરાર અને વસઈ વચ્ચે હજી બંધ છે. જોકે, વરસાદ રોકાઈ ગયો હોઈ મજૂરો દ્વારા રેલવે ટ્રેક રીપેર કરવાનું કામ ચાલુ છે અને ધીરે ધીરે પ્રાયોગિક ધોરણે લોકલ ટ્રેન ચલાવવાનું શરૂ કરાશે. રેલવે આશાવાદી છે કે આ ટ્રેન વ્યવહાર ફરી ચાલુ થઈ જશે. પરંતુ હજી સુધી આજે બુધવારે સવાર સુધી એક પણ મેઈલ કે એક્સપ્રેસ ટ્રેન ગુજરાત થી મુંબઇ પહોંચી નથી.

શું છે શક્યતા?

કચ્છ પ્રવાસી સંઘના નિલેશ શ્યામ શાહે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા કહ્યું હતું કે આજે સવાર સુધી દહાણું અને વિરાર વચ્ચેનો રેલવે વ્યવહાર શરૂ થઈ શક્યો નથી. વરસાદ બંધ થઈ ગયો છે. છેલ્લી પરિસ્થિતિ રેલવે અધિકારીઓ સાથે વાત કર્યા પછી જ ખબર પડી શકે. જ્યારે મુંબઈના નાલાસોપારામા રહેતા સ્થાનિક કચ્છીઓ ના જણાવ્યા પ્રમાણે વરસાદ ભલે બંધ છે,પણ નાલાસોપારાના રેલવે ટ્રેક ઉપર પાણી છે, આજે સવાર સુધી વિરાર અને બોરીવલી વચ્ચે રેલવે વ્યવહાર શરૂ થઈ શક્યો નથી. રેલવે વ્યવહાર શરૂ થઈ જશે એવી માહીતી અપાય છે. એટલે આજની કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરી એક્સપ્રેસ એ બન્ને ટ્રેનો લેઇટ દોડતી હોવા છતાંયે આજે કદાચ દહાણુ અથવા તો વાપી સુધી તો પહોંચી જશે. પણ ત્યાંથી આગળ મુંબઇ સુધી પહોંચશે કે નહીં એ અત્યારે કહેવું મુશ્કેલ છે. બધી જ સંભાવના વિરાર અને નાલાસોપારા તેમ જ વસઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર શરૂ થાય તેના ઉપર આધાર રાખે છે. આ લખાય છે ત્યારે કચ્છ એક્સપ્રેસ નડિયાદ પહોંચી છે તેવા સમાચાર છે. જોકે, મુંબઈમાં રેલવે ટ્રેક ઉપર પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે.