Home Current FY આર્ટ્સમાં છાત્રોના એડમીશન માટે NSUI મેદાને- લાલન કોલેજ ફૂલ

FY આર્ટ્સમાં છાત્રોના એડમીશન માટે NSUI મેદાને- લાલન કોલેજ ફૂલ

1325
SHARE
ધોરણ ૧૨ પછી આર્ટ્સનો સબ્જેક્ટ લેનાર છાત્રો માટે FY BA માં એડમીશન લેવા માટે પડી રહેલી મુશ્કેલી સામે NSUI મેદાને પડી છે. આજે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા લાલન કોલેજના પ્રીન્સીપાલને રૂબરૂ અને લેખિતમાં રજુઆત કરીને FY BA માં અભ્યાસ કરવા માંગતા છાત્રોને એડમીશન આપવા માંગ કરાઈ હતી. આ અંગે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા NSUI ના કચ્છ જિલ્લા પ્રમુખ જયરાજસિંહ જાડેજા એ કહ્યું હતું કે લાલન કોલેજ દ્વારા એડમીશન બંધ કરી દેવાતા FY BA મા પ્રવેશ મેળવવા માંગતા ૭૦ જેટલા છાત્રો રઝળી પડ્યા છે. લાલન કોલેજે આ માટે કચ્છ યુનિવર્સિટી ની મંજુરી મેળવીને એડમીશન આપી દેવા જોઈએ જેથી ભણવા માંગતા છાત્રો નું ભવિષ્ય ન રોળાય.

શું છે લાલન કોલેજની હાલત?

જે કોલેજમાં પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી અને વર્તમાન સાંસદ વિનોદ ચાવડા સહિત કચ્છ ના રાજકીય અને સામાજિક આગેવાનો ભણ્યા છે એ લાલન કોલેજની શૈક્ષણિક ક્ષેત્રે વર્તમાન હાલત વિદ્યાર્થીઓ ભણી શકે તેવી છે ખરી? વાસ્તવિકતા ખૂબ જ ચોંકાવનારી છે. NSUI ની રજુઆત ને મુદ્દે પ્રીન્સીપાલ પરેશ રાવલે ન્યૂઝ4કચ્છને આપેલી આંકડાકીય માહીતી લાલન કોલેજની વર્તમાન સ્થિતિ ને ઉજાગર કરે છે. FY BA મા ૬૦૦ વિદ્યાર્થીઓ ને ભણાવવાની મંજુરી ધરાવતી લાલન કોલેજે એડમીશન મા થયેલા ધસારા પછી ૩૦૦ છાત્રો ની વધુ મંજુરી કચ્છ યુનિવર્સિટી પાસે થી મેળવી લીધી છે. પ્રીન્સીપાલ શ્રી રાવલ કહે છે કે અમે અત્યાર સુધીમાં ૮૭૦ જેટલા છાત્રોને FY BA મા પ્રવેશ આપી ચુક્યા છીએ, જે ૭૦ જેટલા છાત્રો પ્રવેશથી વંચિત રહી જાય છે તેમનો અમે સમાવેશ કરી લેશું. જોકે, મૂળ સવાલ છાત્રો ના અભ્યાસ નો છે. લાલન કોલેજમા ૪૭ પ્રોફેસરો ના મહેકમ સામે માત્ર ૨૧ પ્રોફેસરો જ છે. યુનિવર્સિટીએ ૪ કલાસ મંજુર કર્યા છે, FY ના છાત્રોની સંખ્યા ૯૦૦ ની સામેં ખરેખર એક કલાસ મા ૮૦ થી વધુ છાત્રો બેસી શકે તેમ જ નથી, ત્યારે અમુક સબ્જેક્ટના છાત્રોની સંખ્યા ૧૬૦ થઈ જાય છે, અભ્યાસ કરવા માગતા છાત્રો કલાસરૂમ મા બેસી શકે તેમ નથી અને ભણાવવા માટે પૂરતા પ્રોફેસરો નથી.

શું આપણા સંતાનો આ રીતે ભણશે?

કલાસરૂમ માં જગ્યા નહીં અને ભણાવવા માટે પ્રોફેસરો નહીં, ભુજ ની લાલન કોલેજની વાસ્તવિક પરિસ્થિતિ પછી ન્યૂઝ4કચ્છ નો આપ સૌને એક જ સવાલ છે કે આપણે આપણા સંતાનો નાના હોય છે ત્યારે તેમની સ્કૂલ અને સ્કૂલમાં કરાવાતા અભ્યાસની જેટલી ચિંતા કરીયે છીએ તેટલી ચિંતા કોલેજના અભ્યાસ અંગે શા માટે નથી કરતા? તે જ રીતે, સામાજિક સંસ્થાઓ અને રાજકીય પક્ષોએ પણ સાથે મળીને કચ્છના ઉચ્ચ શિક્ષણ ને સુધારવા સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ. NSUI હોય કે ABVP જેવા વિદ્યાર્થી સંગઠનો એ પણ યુનિવર્સિટી ના રાજકારણ ને બદલે શિક્ષણ કાર્યો માટે રચનાત્મક કામગીરીને પ્રાધાન્ય આપવાની જરૂરત છે.