મોબાઈલ ફોન અને એક સંતના વાયરલ થયેલા ફોટા અને ક્લિપો બાદ ચર્ચામાં આવેલા ભુજ સ્વામિનારાયણ મંદિરને રસિક કેરાઈ નામના યુવાને આક્ષેપો સાથે ચર્ચામાં લાવીને કેટલાય હરિભક્તો અને સત્સંગીઓમાં નારાજગી સાથે આશ્ચર્ય સર્જ્યું હતું. ભુજ મંદિરમાં સાધુ ચંદ્રપ્રકાશ સ્વામી તરીકે રહ્યા બાદ યુવતીઓ સાથે ફોન સહિતની બાબતમાં ચર્ચામાં આવેલા ચંદ્રપ્રકાશ સ્વામીના કિસ્સામાં આક્ષેપ પ્રતિ આક્ષેપ બાદ અંતે તે સ્વામીને મંદિરમાંથી હાંકી કઢાયા બાદ સંસારી બનેલા રસિક કેરાઈએ ભુજ મંદિરના સંતો પર મોબાઈલ ફોન, લેપટોપ જેવા સાધનોનો ઉપયોગ કરાતો હોવાન હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા આ સમગ્ર પ્રકરણમાં મંદિર તરફથી ખુલાસાઓ પણ કરાયા હતા જોકે મંદિરમાં સંતો દ્વારા થઈ રહેલા મોબાઈલના ઉપયોગ સામે વડીલ સંતો થી માંડીને વરિષ્ઠ ટ્રસ્ટીઓ અને હરિભક્તોએ પણ ટકોર કરી હતી આધુનિક યુગમાં સમયની માંગ મુજબ મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ જરૂરી હોવાના મત સાથે કેટલાક સંતોએ વડીલોની વાતને ગણકારી નહોતી પરંતુ હવે વિદેશમાં સ્થાપિત પૂર્વ આફ્રિકા અને સ્ટેનમોર જેવા મંદિરે પણ ભુજ મંદિરને પત્ર લખીને સંતોને મોબાઇલ કે લેપટોપ થી દૂર રહેવા સલાહ આપી છે. ભુજ મંદિરને લખાયેલા આ પત્રો પણ સોશ્યિલ મીડિયામાં વાયરલ થયા છે.
વિદેશના મંદિરોએ શું કર્યા સૂચનો?
પૂર્વ આફ્રિકા સ્થિત મંદિરે લખેલા પત્રમાં ત્યાગીના નિયમ ધર્મ નો ઉલ્લેખ કરીને સ્માર્ટ ફોન જેવા ઉપકરણોથી સંતોને દૂર રહેવા અપીલ કરાઈ છે તો અક્ષરનિવાસી સંતના સૂચનનો ઉલ્લેખ કરીને બાલ યુવક મંડળો દ્વારા મોડી રાત્રી સુધી ચાલતી ધર્મ સભા બંધ કરવા અનુરોધ કરાયો છે તે ઉપરાંત આવક જાવક અને ગૌ ફંડ સહિત ગુરુકુળોમાં લેવાતી ફી વધુ હોવાનો ઉલ્લેખ પણ કરાયો છે. આફ્રિકા સ્થિત પ્રમુખ મનજીભાઇ રાઘવાણી, મનોજભાઈ આસાણી, વિશ્રામભાઇ ભંડેરી, લક્ષમણભાઇ રાઘવાણી, પરબતભાઇ રાજાણી તથા વીરજીભાઈ પિંડોરિયાની સહી સાથેના આ પત્રમાં ભુજ મંદિરને યોગ્ય પ્રત્યુત્તર આપવાની વિનંતી કરાઈ છે જયારે સ્ટેનમોર મંદિરના પ્રમુખ ભીમજીભાઈ ભુડીયા દ્વારા લખાયેલા પત્રમાં પણ સંતોએ મોબાઈલના ઉપયોગ બંધ કરવા સૂચન કરાયું છે.સોશ્યિલ મીડિયામાં ફરતા થયેલા આ પત્રો હરિભક્તો અને સત્સંગીઓમાં ફરી ચર્ચાનો વિષય બન્યા છે. કેટલાક હરિભક્તોએ અગાઉ કરેલા સૂચનોની ચાડી ખાતા હોય તેવા આ પત્રથી અગાઉ વ્યક્ત કરાયેલી ચિંતા અને ભીતિને જાણે સમર્થન મળ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ છે.
પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચે વિદેશમાં પણ સંપ્રદાય અને શિક્ષાપત્રીને અનુસરીને ધર્મની જ્યોત જલતી રાખનારા હરિભક્તો અને ટ્રસ્ટીઓની આ ટકોર થોડામાં ઘણું કહી દે છે ભુજ મંદિર તેના ઇતિહાસ સાથે અનેક ધર્મ અને સમાજ ઉપયોગી કાર્ય સાથે જીવદયા, આરોગ્ય અને સંસ્કારોના સિંચન માટે દેશ સહિત વિદેશમાં પણ અગ્રેસર રહ્યું છે ત્યારે કેટલાક એકાદ બે આધુનિક વિચારધારાના વ્યક્તિઓના ઈશારે સંતોને છૂટછાટ મળી હોય તે યોગ્ય ન ગણી શકાય વૈરાગ્ય અને ધર્મને વરેલા જ્ઞાનીઓને આ પત્ર દ્વારા શીખ સમજીને ભુજ મંદિર ચોક્કસ કોઈ નિર્ણય લેશે એટલો વિશ્વાસ દરેક હરિભક્તોને છે.