ગુજરાતમાં વરસાદની તોફાની બેટીંગ બાદ કચ્છમાં પણ સારા વરસાદની આશા સાથે પ્રાર્થનાઓનો દોર શરૂ થયો હતો ત્યારે આજે કચ્છમાં પણ ધીમેધીમે વરસાદ રંગ જમાવી રહ્યો છે. આજે સવારથીજ ભુજ,મુન્દ્રા,માંડવી અને નખત્રાણામાં ધીમીધારે શરૂ થયેલા વરસાદે બપોર બાદ તોફાની બેટીંગ શરૂ કરી હતી. સવારે 12 વાગ્યા સુધી 8મીમી વરસાદ નોંધાયા બાદ બપોરના સમયે અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને લઇને શહેરી વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા. શહેરની મુખ્ય બજારોમાં પાણી વહી નિકળ્યા હતા જેની અસર જનજીવન પર પડી હતી. જો કે લાંબા સમયની રાહ બાદ વરસાદ આવતા મુશ્કેલી વચ્ચે પણ લોકોએ વરસાદની મજા માણી હતી તો કચ્છના અન્ય તાલુકાઓમાં પણ વરસાદની પાંખી પરંતુ સચરાચર હાજરી નોંધાઇ હતી. જેને લઇને લોકોમાં ખુશી જોવા મળી હતી તો ખાવડા પાવરપટ્ટી સહિત કચ્છના અનેક ગામડાઓમાં સારો વરસાદ પડ્યો હતો. કચ્છમાં સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી નોંધાયેલ વરસાદ અંજાર 19મી.મી,ભચાઉ 16મીમી,ભુજ,10મીમી,ગાંધીધામ 21મીમી,માંડવી 81મીમી,મુન્દ્રા 02મીમી,નખત્રાણા 17મીમી જેમાં માંડવીમાં માત્ર બે કલાકમાંજ 62મી.મી વરસાદ નોંધાયો હતો.
ગઇકાલે વિજળી પડવાથી આજે વિજશોકે બેના ભોગ લીધા
કચ્છમાં વરસાદની એન્ટ્રી ભલે ધમાકેદાર ન હોય પરંતુ તે પહેલાજ વરસાદ મુશ્કેલી લઇને આવ્યો છે. ગઇકાલે ભુજ તાલુકાના પધ્ધર ગામે વાડીમાં કામ કરી રહેલી મહિલા ઉર્મીલાબેન ડામોર પર વિજળી પડતા તેનુ મોત થયુ હતુ. ત્યારે આજે વિજશોકે એક બાળક સહિત એક યુવાન માટે મોતનુ કારણ બન્યો હતો. તો આજે સુખપરમાં ઘરે શૌચાલયના દરવાજાના અડકવાથી એક બાળકનુ વીજશોક લાગતા મોત થયુ હતુ તો બીજી તરફ માંડવીના મોટી રાયણ ગામે વિજશોક લાગતા ચેતન નામના યુવાનનુ મોત થયુ હતુ.