ભારે રાહ જોવડાવ્યા બાદ અંતે કચ્છમા મેઘરાજા એ મહેર કરી છે. શનિવારે અષાઢીબીજ હતી તેના ત્રીજા દિવસે અંતે મંગળવારે સમગ્ર કચ્છમા સાર્વત્રિક વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસ થી ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે વરસાદ પડતાં જ લોકો ને ટાઢક નો અનુભવ થયો છે. તો, ધરતીપુત્રોમાં અને પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે.કચ્છ માં સારો વરસાદ પડે તે માટે સાંસદ વિનોદ ચાવડાએ પર્જન્ય યજ્ઞ કર્યો હતો, તો સ્વામિનારાયણ મંદિર સહિતની અનેક સંસ્થાઓ દ્વારા પણ પ્રાર્થના કરાઈ હતી, ઈદના દિવસે મુસ્લિમ સમાજ દ્વારા પણ વરસાદ માટે દુવા કરાઈ હતી. વરસાદના વાવડ સાથે જ કચ્છ બહાર રહેતા મુંબઈ, નાગપુર, હૈદરાબાદ,દુબઈ,લંડન, આફ્રિકા સહિત દેશ વિદેશમાં રહેતા કચ્છી માડુઓના ફોન અને વોટ્સઅપ મેસેજ સતત ચાલુ રહ્યા હતા.
ધરતી તો જો, લાડો આયો…ક્યાં કેટલો વરસાદ?
પૂર્વ કચ્છના રાપર થી માંડીને પશ્ચિમ કચ્છના નખત્રાણા, લખપત સુધી મેઘરાજાએ હાજરી પુરાવી છે. ચાતક નજરે વરસાદની રાહ જોતા કચ્છી માડુઓએ જાણે લાપસીના આંધણ મુકીને કચ્છી ચોવકને યાદ કરી હતી કે, “મીં આયો માધો આયો, ધરતી તો જો, લાડો આયો”. સત્તાવાર માહીતી પ્રમાણે સૌથી વધુ વરસાદ માંડવીમાં સવા ત્રણ ઇંચ, પૂર્વ કચ્છના વાગડના રાપર, ભચાઉમાં પોણો થી એક ઇંચ, ગાંધીધામમાં સવા ઇંચ, ભુજ દોઢ ઇંચ, ભુજની પટેલ ચોવીસીમાં પણ સારો વરસાદ પડ્યો હતો, અંજાર, નખત્રાણા, દયાપર, નારાયણસરોવરમાં પોણો ઇંચ, નિરોણા, સફેદરણ, ખાવડા પંથકમાં એક ઇંચ, લખપતમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. માંડવી શહેરમાં ધમાકેદાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જોકે, હજીયે વાદળછાયું વાતાવરણ છે અને પવનની ગતિ ઘટી ગઈ છે એટલે વરસાદ પડશે તેવી શકયતા વરતાઈ રહી છે.
ભુજ માં ગટરના ખાડા ભયજનક
માત્ર દોઢ ઇંચ વરસાદ દરમ્યાન ભુજના અનેક નીચાણ વાળા વિસ્તારમા પાણી ભરાયા હતા. જોકે, સૌથી વધુ મુશ્કેલી ગટરના ખાડાઓ ની છે. સ્ટેશનરોડ અને ન્યૂ સ્ટેશનરોડ ઉપર ગટરના ખાડાઓ કોઈ અકસ્માત સર્જશે એવી સતત ભીતિ લોકોમાં રહી હતી.