Home Current મુન્દ્રા પોર્ટ પરથી થતી કરોડોની દાણચોરી હવે બનશે ભુતકાળ: જાણો કેમ?

મુન્દ્રા પોર્ટ પરથી થતી કરોડોની દાણચોરી હવે બનશે ભુતકાળ: જાણો કેમ?

2508
SHARE
દેશના સૌ પ્રથમ ખાનગી બંદર મુન્દ્રા અદાણી પોર્ટ ઉપર છેલ્લા ઘણા સમયથી વિદેશી સિગારેટ, લાલચંદન, સ્ક્રેપ, ઇમિટેશન જવેલરી, ચોખા, ખાતર સહિતની અનેક ચીજ વસ્તુઓની દાણચોરીના કિસ્સા ઓ ચર્ચામાં રહ્યા છે. કસ્ટમ અને ડીઆરઆઇ દ્વારા થતી કામગીરી પછી પણ દાણચોરીના કિસ્સાઓ સતત ચાલુ હોઈ હવે તેને બ્રેક મારવા સરકારે કમર કસીને સ્કેનર લગાડવાનો ઐતિહાસિક નિર્ણય અમલમાં મુક્યો છે. દેશના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત કસ્ટમ વિભાગે જાતે ૬૫ કરોડ રૂપિયા ખર્ચીને એક સાથે બબ્બે સ્કેનર જર્મની થી ખરીદી તેને આજ થી મુન્દ્રા પોર્ટ ઉપર કાર્યરત કર્યા છે. કેન્દ્ર ના સેન્ટ્રલ ટેક્સ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ કમીટીના મેમ્બર શ્રીમતી અમિતા સૂરી, ગુજરાત કસ્ટમના ચીફ કમિશનર પીવીઆર રેડ્ડી, સીબીઆઇસીના ગુજરાતના ચીફ અજય જૈન, મુન્દ્રા કસ્ટમના કમિશનર સંજય અગ્રવાલ અને અન્ય અધિકારીઓ, અદાણી પોર્ટના ઓફિસરો તેમજ આયાત-નિકાસકારો, શીપીંગ વ્યવસાયકારો ની ઉપસ્થિતિમાં બંને સ્કેનરોને કાર્યરત કરાયા હતા.

જાણો સ્કેનર રૂપી ત્રીજી આંખ દેશના ગદ્દારો ઉપર કેવી રીતે રાખશે નજર?

દાણચોરી દ્વારા રાષ્ટ્રને હાનિ પહોંચાડતા દેશના ગદ્દારો ઉપર હવે સ્કેનરરૂપી ત્રીજી આંખ બાજ નજર રાખશે. મુન્દ્રા કસ્ટમના પીઆરઓ અતુલ જૈને ન્યૂઝ4કચ્છને આપેલી માહીતી અનુસાર મુન્દ્રા કસ્ટમે ખરીદેલા બંને સ્કેનરો જર્મની થી મંગાવ્યા છે , ડ્રાઇવ થ્રુ અને મોબાઈલ એમ બે પ્રકારના આ કન્ટેનર સ્કેનર અતિ આધુનિક ટેકનોલોજી ધરાવે છે. જેમાં ડ્રાઇવ થ્રુ સ્કેનર ફિક્સ હોય છે, જે એક કલાકમાં એક સાથે ૩૦૦ થી ૪૦૦ જેટલા કન્ટેનર ચેક કરી શકે છે. મોબાઈલ સ્કેનર કન્ટેરને હરતું ફરતું હોય છે,અને કન્ટેનરને નજીક થી ચેક કરતું હોઈ એક કલાકમાં ૧૦૦ જેટલા કન્ટેનરને ચેક કરી શકે છે. મુન્દ્રા કસ્ટમના કમિશનર સંજય અગ્રવાલે એવી આશા વ્યક્ત કરી હતી કે, સ્કેનરના કારણે હવે દાણચોરીના કિસ્સાઓ ઉપર અંકુશ આવશે, અને કસ્ટમ ડ્યુટીની આવકમાં વધારો થશે. આધુનિક સ્કેનરોને કારણે માત્ર ૩૬ સેકડમાં એક કન્ટેનરનું ચેકીંગ થશે એટલે કસ્ટમ ક્લિયરન્સ ઝડપી થતાં સમય અને ખર્ચની બચતના કારણે પ્રમાણિક આયાત નિકાસકારોનો મુન્દ્રા પોર્ટ ઉપર ટ્રાફિક વધશે.મુન્દ્રા પોર્ટ કન્ટેનર ટ્રાફિકમાં અત્યારે દેશમાં બીજા નંબરે છે, દર વર્ષે મુન્દ્રા બંદરે થી ૪૫ લાખ કન્ટેનરોની હેરફેર થાય છે. એવા સંજોગોમાં જુની કન્ટેનર ખોલીને ચેક કરવાની પદ્ધતિ ને બદલે નવી સિસ્ટમ દરેક માટે ઉપયોગી બનશે. જોકે, મુન્દ્રા કસ્ટમ કમિશનર સંજય અગ્રવાલે એ કબુલ્યું હતું કે સ્કેનર દ્વારા કસ્ટમ અને ડીઆરઆઈએ આઇડેન્ટિફાઈ કરેલા કન્ટેનરો જ ચેક કરવાની પ્રક્રિયા હોઈ દાણચોરી ઉપર મહદઅંશે કાબૂ આવશે.