Home Social શું એક વૃદ્ધ ‘મા’ ની અંતિમ ઈચ્છા પુરી થશે ખરી?-દર્દભરી દાસ્તાન

શું એક વૃદ્ધ ‘મા’ ની અંતિમ ઈચ્છા પુરી થશે ખરી?-દર્દભરી દાસ્તાન

4494
SHARE
આમ તો એક જાણીતી કહેવત છે કે “મા તે મા,બાકી વગડા ના વા”. પણ આજે વાત કરવી છે, એક વૃદ્ધ મા ની અને તેની અંતિમ ઈચ્છાની ! આ વૃદ્ધાને અત્યારે તો ‘મા’ કહીને બોલાવે તેવું કોઈ નથી, અને પતિ પણ મૃત્યુ પામ્યા છે, ત્યારે આ વૃદ્ધ ‘મા’ એ પોતાની અંતિમ ઈચ્છા કોની સમક્ષ વ્યક્ત કરી છે ? એ વાત અને આ વૃદ્ધ ‘મા’ ની દર્દભરી દાસ્તાન જાણીને આપનું હૃદય દ્રવી ઉઠશે.

ફૂટપાથ ઉપર ઠોકરો ખાનાર એ જૈન વૃદ્ધા બિદડા ગામના

અત્યારે ૮૬ વર્ષની એ વૃદ્ધ મા ને સંતાનમા એક દીકરી હતી પણ તે મૃત્યુ પામી. આ વિધવા મા નું ગુજરાન ચલાવવા માટે કમાનાર પતિ મૃત્યુ પામી ચુક્યા હતા અને સંભાળ લેનાર એક માત્ર પુત્રી પણ મૃત્યુ પામી. હવે આ ‘મા’ નું કોણ ? જીવનમાં અનેક તડકી છાંયડી જોઈ ચૂકેલા આ વૃદ્ધ ‘મા’ પાસે આશરો મેળવી શકે એવી ઝુંપડી પણ ન રહી એટલે મજબુરી થી તેણે ફૂટપાથ પર આશરો લેવો પડ્યો. જાણીતા સામાજિક કાર્યકર દયારામ સુંબડ આ વૃદ્ધ મા ની ઓળખ આપતા કહે છે કે, આ વૃદ્ધા જૈન છે, તેમની ઉમર અત્યારે ૮૬ વર્ષ છે અને તેમનું નામ છે ઝવેરબેન મગનલાલ વોરા અને ગામ બિદડા(માંડવી-કચ્છ) ! અત્યારે આંખે અંધાપો વેઠતા અને શરીરે અશક્ત એવા ૮૬ વર્ષના ઝવેરબેનના જીવનમાં ઈશ્વરે એક માત્ર કરુણતાનો રંગ જ ઉમેર્યો હતો તેમના શબ્દોમા સાંભળીએ તો નિરાશ્રિત હાલતમાં ફૂટપાથ આશરો બની અને ભિક્ષુકો સાથે લાઈનમાં ઉભા રહી પોતાના પેટનો ખાડો પૂર્યો, પણ,તેમની દર્દભરી વેદનામાં ભગવાન જાણે રાહત આપતા હોય તેમ તેઓ અલગ અલગ જગ્યાએ થી ભટકતા ભટકતા ભુજના માનવજ્યોતના રામદેવ આશ્રમ પાલારા પહોંચ્યા. અહીં પાંચ મહીના તેમની સેવા ચાકરી થઈ. પછી તેમનો ભેટો પાગલ પ્રેમી તરીકે નિરાશ્રિત અને માનસિક અસ્વસ્થ લોકોની સંભાળ લેતા દયારામ
સુંબડ (દયારામ મારાજ સામખી યાળી વાળા) સાથે થયો. દયારામ મારાજે તેમને માનસિક અસ્વસ્થ આશ્રમ ભુજ માંથી તેઓ માનસિક સ્વસ્થ હોઈ તેમને વનરાજસિંહ જાડેજાની સહાયતા થી નવચેતન અંધજન મંડળ ભચાઉમા ટ્રાન્સફર કર્યા.

આ છે, આ વૃદ્ધ ‘મા’ની ઈચ્છા!!

જગત ની ઠોકરો ખાઈને દી ટૂંકા કરી રહેલા આ જૈન વૃદ્ધા ઝવેરબેન અત્યારે ૮૬ વરસની ઉંમરે આંખે અંધાપો અને શરીરે લાચાર, અશક્ત હોવા છતાંયે જૈન ધર્મના ચુસ્ત નિયમો પાળે છે. ઝવેરબેનના કહેવા પ્રમાણે ભિખારીઓ ની લાઈનમાં ભીખ માંગીને પણ તેમણે જૈન ધર્મ પાળ્યો છે. સ્તવન, ભજન કરવા, વ્યાખ્યાન સાંભળવા કંદમૂળ ન ખાવા, સુર્યાસ્ત પહેલાં જમી લેવું તેવી ટેક આજ આવી સ્થિતિ માં પણ આ વૃદ્ધ ‘મા’ એ અકબંધ રાખી છે. અમન નો ઓટલો સંસ્થા (અંજાર) ના દયારામ સુંબડ આ વૃદ્ધ ‘મા’ ની અંતિમ ઈચ્છા વિશે વાત કરતા કહે છે કે, માજી ઝવેરબેનની ઈચ્છા કોઈ જૈન ની સંસ્થા હોય તેમાં રહેવા ની ઈચ્છા છે..તો અમારી જૈન ભાઇઓ ને જાહેર વિનંતી છે..કે કોઈ જૈન ભાઈ અથવા કોઈ વૃદ્ધ આશ્રમ આ માજી ને મદદ કરવા આગળ આવે તેવી પ્રાર્થના છે. રખડતા ભટકતા પાગલો હોય કે પછી મેન્ટલ હોસ્પિટલમાં દાખલ પાગલ વ્યક્તિઓ હોય તેમને ગળે લગાડીને તેમના ઘેર પહોંચાડતા દયારામ મારાજ ને આશા છે કે વૃદ્ધ માતા ઝવેરબેનની અંતિમ ઈચ્છા જૈન સમાજ જરૂર પુરી કરશે.