ભુજ તાલુકાના નાનકડા એવા વરલી ગામથી લઈને જેમની સુવાસ કચ્છ સહિત દેશ દેશાવર સુધી ફેલાયેલી હતી તેવા જાણીતા કથાકાર અને સંત પૂ પુરુસોત્તમદાસજી મહારાજનું આજે દુઃખદ નિધન થયું છે. ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે જ પોતાના પૂજનીય ગુરુના નિધનના સમાચારથી તેમનો ભક્ત સમુદાય શોકમાં ગરકાવ થઈ ગયો છે. ૮૯ વર્ષના પૂજ્ય પુરુસોત્તમદાસજીના જવાથી કચ્છના આધ્યાત્મિક જગત માં પણ અંધકાર છવાયો છે. કચ્છ સહિત સૌરાષ્ટ્રના સંત સમુદાયમાં આદરપાત્ર સ્થાન ધરાવનાર પૂ. પુરુસોત્તમદાસજીની જાણીતા કથાકાર પૂ. મોરારીબાપુ સાથે પણ નિકટતા હતી. કોટડા ચકારની પાસે આવેલા વરલી ગામમાં આવેલી તેમની સ્મરણ કુટીયાને તેમણે ખરા અર્થમાં સેવાશ્રમ બનાવી હતી. ભગવાન રામના મંદિરના દર્શન કરવા ઉપરાંત તેમના દ્વારા સ્થપાયેલ ગૌશાળાની મુલાકાતે ધર્મપ્રેમીઓની અવરજવર મોટી સંખ્યામાં રહેતી ત્યાં અન્નક્ષેત્ર પણ સત્તત ધમધમધમતું રહેતું હતું. અત્યાર સુધી અંદાજિત ૩૦૦ થી વધુ કથા કરનારા શ્રી પુરુસોત્તમદાસજી મહારાજને કચ્છના રાજકિય,સામાજિક આગેવાનોની સાથે તેમના ભક્ત સમુદાયે ભાવભરી અંજલી અર્પણ કરી હતી. તેમની અંતિમ યાત્રાના દર્શન શનિવાર તા/૨૮/૭ ના સ્મરણ કુટીયા વરલી ગામે થશે.