મુન્દ્રા તાલુકા પંચાયતમાં આજે હાથ ધરાયેલી કારોબારી ચેરમેન અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી સમયે જિલ્લા ભાજપના મેન્ડેટ અને સુચનાની અવગણના કરવાના બનાવે રાજકીય ખળભળાટ સર્જ્યો છે. આજે સહપ્રભારી ઘનશ્યામ રસિકભાઈ ઠક્કર જિલ્લા ભાજપનું મેન્ડેટ લઈને મુન્દ્રા તાલુકા પંચાયતમાં પહોંચ્યા ત્યારે નિયત સમય ૧૧/૩૦ વાગ્યા પહેલાં જ મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિતિમાં કારોબારી ચેરમેન તરીકે શિવુભા જાડેજાની વરણી કરી લેવાઈ હતી. કુલ ૭ પૈકી પાંચ સભ્યોએ કચ્છ જિલ્લા ભાજપના આદેશપત્રમાં સહી કર્યા વગર તે આદેશની અવગણના કરીને મેન્ડેટની રાહ જોયા વગર જ પોતાની રીતે જ શિવુભા જાડેજાની કારોબારી ચેરમેન તરીકે વરણી કરી લીધી હતી. જોકે, પાર્ટીના આદેશપત્રની અવગણના કરીને પાંચ સભ્યોએ સહી નહોતી કરી. જ્યારે બે સભ્યો ડાહ્યાલાલ આહીર અને મજીદ તુર્કે આદેશપત્રમાં સહી કરી હતી. પણ, સતાવાર રીતે કચ્છ ભાજપના જિલ્લા કાર્યાલયનું મેન્ડેટ ખોલ્યા વગર જ સહપ્રભારી ઘનશ્યામ રસિકભાઈ ઠક્કર પાછું લઈ ગયા હતા. ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે કારોબારી સમિતિ ના ચેરમેનની વરણી પાર્ટીના મેન્ડેટ પ્રમાણે નથી થઈ. જોકે, મેન્ડેટમાં કોનું નામ હતું એ હજી ખબર નથી, પોતે ભુજ ભાજપ કાર્યાલયમાં પ્રમુખ કેશુભાઈ પટેલને મેન્ડેટનું કવર પાછું આપી દેશે. જ્યારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે ચાંપશીભાઈ મહેશ્વરીની વરણી મેન્ડેટ પ્રમાણે અને પાર્ટીના આદેશપત્ર અનુસાર થઈ હોવાનું ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું. તો મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વલજીભાઈ ટાપરિયાએ ન્યૂઝ4કચ્છ સાથેની વાતચીત માં જિલ્લા ભાજપ ના આદેશપત્ર અને મેન્ડેટની અવગણના કરવાના બનાવને ભાજપ ના શિસ્ત વિરુદ્ધ નો ગણાવ્યો હતો. જોકે, મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ ની વરણી સમયે જ ચાલુ થયેલો ભાજપ નો આંતરિક ડખો હમણાં બહાર આવી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો રાજકીય ચર્ચાને માનીએ તો કારોબારી ચેરમેન તરીકે મજીદ તુર્ક પણ પ્રબળ દાવેદાર મનાતા હતા. આમ જિલ્લા ભાજપને મુન્દ્રા તાલુકા પંચાયતના સભ્યોએ દોડતા કરીને પોતાની મનમાની કરી છે ત્યારે હવે, એ જોવું રહ્યું કે પાર્ટી ના આદેશપત્રની અવગણના કરનારા સભ્યો સામે કચ્છ જિલ્લા ભાજપ શું કાર્યવાહી કરે છે.