આમ તો, ઘણા લાંબા સમયથી ‘બુલેટટ્રેન’ ચર્ચામાં છે. પણ, અહીં વાત કરવી છે, ભુજ માં આકર્ષણરૂપ બનનાર ‘બુલેટટ્રેન’ની !! ભુજના સ્વામિનારાયણ મંદિર મધ્યે ‘બુલેટટ્રેન’ની સવારી પહોંચી તેનું નિમિત્ત બન્યા છે,’હિંડોળા મહોત્સવ’!! ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પૂ. ધર્મનંદનસ્વામીના હસ્તે ‘બુલેટટ્રેન’ના આકર્ષણ સાથેના આ હિંડોળા મહોત્સવને ખુલ્લો મુકાયો હતો. સહેજ વિસ્તૃત જાણકારી સાથે વાત કરીએ તો સંતો અને હરિભક્તોએ સાથે મળીને પોતાની ભક્તિ સ્વરૂપે હિંડોળા મહોત્સવ માટે ‘બુલેટટ્રેન’નું નિર્માણ કર્યું છે. ભુજના સ્વામિનારાયણમંદિર મધ્યે સાત ડબ્બા વાળી આ ‘બુલેટટ્રેન’ને નિહાળવા અત્યારથીજ લોકો ઉમટી રહ્યા છે. સાત ડબ્બાની આ ‘બુલેટટ્રેન’ વિશિષ્ટ છે. જેમાં હિંડોળા માં ઝૂલતા ઘનશ્યામ મહારાજના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. તે ઉપરાંત અલગ અલગ ડબ્બાઓમાં ભગવાન સ્વામિનારાયણના જીવનના વિવિધ પ્રસંગો ના જીવનકવન ની ઝાંખી છે. સાથે સાથે વ્યસન મુક્તિ નો સંદેશ ‘બુલેટટ્રેન’ આપે છે. હિંડોળા મહોત્સવ એ ભક્તો અને ભગવાન ને જોડતો અનોખો ઉત્સવ હોવાનું જણાવતા મંદિરના સ્વામી નારાયણમુનિ દાસજીએ આયોજનની વિગતો આપી હતી.