Home Current કચ્છ કોંગ્રેસના નવા પ્રમુખ યજુવેન્દ્રસિંહ માટે કાંટાળો પથ-અનેક મોટા માથાઓ નારાજ?

કચ્છ કોંગ્રેસના નવા પ્રમુખ યજુવેન્દ્રસિંહ માટે કાંટાળો પથ-અનેક મોટા માથાઓ નારાજ?

1674
SHARE
કચ્છ જિલ્લા કોંગ્રેસના અત્યારસુધીના સૌથી યુવાન પ્રમુખ એવા યજુવેન્દ્રસિંહ જાડેજાએ આજે પદભાર ગ્રહણ કર્યો હતો. જોકે, શક્તિ પ્રદર્શન સાથે તેમનો પદભાર કાર્યક્રમ દબદબાભર્યો રહ્યો હતો. પણ, આ કાર્યક્રમ દરમ્યાન તેમની સામેની નારાજગી પણ વર્તાઈ હતી. જે દર્શાવે છે કે, યજુવેન્દ્રસિંહ માટે પ્રમુખ તરીકેનો આગળનો પથ કાંટાળો રહેશે. જોકે, કાર્યક્રમ દરમ્યાન અને મીડીયા સાથેની વાતચીતમાં પણ યુવા પ્રમુખ યજુવેન્દ્રસિંહ આત્મવિશ્વાસથી સભર જણાયા તેમણે ક્યાંક પીઢ અને યુવા નેતાઓ તેમ જ કાર્યકરોનો સાથ માંગ્યો તો ક્યાંક તેમને મોંઘમમાં ચીમકી પણ આપી. કચ્છ કોંગ્રેસની અંદરની વાત કરીએ તે પહેલાં પદભાર સમારોહ વિશે વાત કરી લઈએ. ઘણા સમયબાદ કચ્છ કોંગ્રેસના પ્રમુખના પદભાર કાર્યક્રમ દરમ્યાન વિશાળ બાઇક રેલી સાથે જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાને આવકાર આપ્યો, એટલુંજ નહીં, પણ પદભાર કાર્યક્રમ ક્યાંય નાના હોલમાં નહીં, પણ ટાઉનહોલ જેવા વિશાળ હોલમાં યોજાયો. સન્માન માટે આગેવાનો અને કાર્યકરો એટલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા કે સમય પણ ટૂંકો પડ્યો, શાલ, ફુલહાર અને બુકેનો ઢગલો થઈ ગયો.કોંગ્રેસના જિલ્લા પ્રભારીઓ રહીમ સોરા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, પ્રદેશ મંત્રીઓ ઉષાબેન ઠક્કર,જુમા રાયમા, તુલસી સુજાન, ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, આદમ ચાકી, વિદાય લેતા પ્રમુખ નરેશ મહેશ્વરી, મહિલા કોંગ્રેસના પ્રમુખ કલ્પનાબેન જોશી, શૈલેન્દ્રસિંહ જાડેજા, શિવજીભાઈ આહીર, શંકરભાઇ સચદે, વી. કે. હુંબલ, રાજેન્દ્રસિંહ જાડેજા, નવલસિંહ જાડેજા સહિતના અનેક આગેવાનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ કાર્યકરોની વચ્ચે યજુવેન્દ્રસિંહ જાડેજાએ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે નો પદભાર સંભાળ્યો હતો. કાર્યક્રમની વ્યવસ્થા દિપક ડાંગર, અંજલી ગોર, રવિ ડાંગરે સંભાળી હતી, સંચાલન શામજી આહીરે કર્યું હતું. જોકે, કાર્યક્રમ દરમ્યાન ગાંધીધામના કોંગ્રેસ અગ્રણી સંજય ગાંધી, જિલ્લાના મહામંત્રી રવિન્દ્ર ત્રવાડી, પ્રવક્તા ગની કુંભાર સહિત ના અનેક આગેવાનો ને સ્ટેજ ઉપર સ્થાન ન અપાતાં તેઓ નીચે હરોળમાં બેઠા હતા. વળી, કાર્યકરોના અતિ ઉત્સાહના કારણે સન્માન કાર્યક્રમ અસ્તવ્યસ્ત થયો હતો અને વધુને વધુ લંબાઈ જતા અનેક આગેવાનો, કાર્યકરો ઉપરાંત મીડીયા પત્રકારો પણ કાર્યક્રમની વચ્ચે થી ઉભા થઈ ગયા હતા.

નારાજ મોટા માથાઓ ગેરહાજર?

કચ્છ કોંગ્રેસના નવા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના દબદબાભર્યા પદભાર ગ્રહણ સમારોહ માં ફરી એકવાર પક્ષનો આંતરિક જૂથવાદ ચર્ચામાં આવ્યો હતો. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોમાં થતા ગણગણાટ અને ગપસપ અનુસાર કચ્છ કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્યો સલીમ જત, તકીશા બાવા, રશીદ સમા, અમૃતલાલ પટેલ, પૂર્વ ધારાસભ્ય ઈબ્રાહીમ મંધરા ઉપરાંત રાપરના ધારાસભ્ય સંતોકબેન પટેલને બદલે તેમના પતિદેવ ભચુભાઈ આરેઠીયા હતા,ગાંધીધામના જ કોંગ્રેસી અગ્રણી પૂર્વ ધારાસભ્ય વાલજી દનીચા, પૂર્વ સાંસદ હરીલાલ પટેલ, ભચાઉના કોંગ્રેસી આગેવાન અશોકસિંહ ઝાલા,જિલ્લાના મહામંત્રી દેવરાજ આહીરની ગેરહાજરી જોવા મળી હતી. જોકે, ગેરહાજરીના અનેક કારણો વચ્ચે મુખ્ય ચર્ચા નારાજગી હોવાનો ગણગણાટ સંભળાતો રહ્યો હતો. તો, પ્રદેશકક્ષાના કોઈ મોટા નેતાઓ પણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેશે એવી ચર્ચા વચ્ચે માત્ર પ્રભારીઓના જુના ચહેરાઓ જ જોવા મળ્યા હતા.

યુવા પ્રમુખે શું આપી ચીમકી?

જિલ્લા કોંગ્રેસના યુવા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ પરિપક્વ નેતાની જેમ જુના અને નવા કોંગ્રેસી આગેવાનોને સાથે લઈ ચાલવાની વાત કરી હતી. ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી જીતવા તેમ જ લોકપ્રશ્નો માટે લોકોની વચ્ચે જવા સૌને આહવાન કર્યું હતું. તો, પક્ષના જિલ્લાના સેનાપતિ તરીકે સ્પષ્ટ શબ્દો માં કહ્યું હતું કે, હવે ગેરશિસ્ત નહીં ચાલે એટલે સૌ કોઈ પક્ષની શિસ્તમાં રહીને કામ કરે. કોંગ્રેસના યુવા પ્રમુખ યજુવેન્દ્રસિંહ ની ચીમકી આમ તો પક્ષના હિત માં છે,પણ હવે એ જોવું રહ્યું કે ભૂતકાળની જેમ જ ગેરશિસ્ત ચાલશે કે પછી શિસ્તનું પાલન થશે? નવા પ્રમુખ સામે આવા તો અનેક પડકારો છે.

કાર્યક્રમ દરમ્યાન આગેવાનોએ પોતાને કોંગ્રેસમાં થયેલા કડવા અનુભવો કહ્યા અને..

કાર્યક્રમ દરમ્યાન પૂર્વ જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરીના કાર્યકાળમાં કચ્છ કોંગ્રેસે કરેલા કાર્યોની યશોગાથા દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રદર્શિત કરાઈ હતી. તો પ્રમુખ તરીકે ના નરેશ મહેશ્વરીના કાર્યકાળ દરમ્યાન તેમના થી નારાજ એવા અનેક આગેવાનોએ નરેશ મહેશ્વરીના મોં ફાટ વખાણ કર્યા ત્યારે અનેક આગેવાનો અને કાર્યકરો વ્યંગભર્યું હસતા જોવા મળ્યા હતા. જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલે વરસાદ ખેંચાતા અછત ની સ્થિતિમાં પાણી અને ઘાસચારા માટે રજુઆત કરવાની વાત કરી હતી. વી. કે. એ ટિપ્પણી કરી હતી કે કચ્છ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો સોશ્યલ મીડીયા માંથી બહાર આવીને ધરતી ઉપર આવી લોકોના કામ કરે. ત્રણ ત્રણ વખત પોતાના અંજાર વિસ્તારની વિધાનસભાની ચૂંટણી હારનારા વી. કે. હુંબલે ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસે એક થવું પડશે એવી સુફીયાણી સલાહ આપી હતી. સેંકડો કાર્યકરોની હાજરી માં વી. કે. હુંબલે જૂથવાદ નો મુદ્દો છેડીને કહ્યું હતું કે દરેકે હવે જૂથવાદ છોડવો પડશે. તો પૂર્વ પ્રદેશ અગ્રણી આદમ ચાકી એ પ્રદેશ આગેવાનોને પોતાની હાર અંગે લેખિત માં ફરિયાદ કરી હતી પણ અહીં તેમણે શરૂઆત નરેશ મહેશ્વરીના વખાણ થી કર્યા બાદ આક્રમક રીતે કોંગ્રેસમાં પક્ષ વિરુદ્ધ પ્રવૃતિ થતી હોવાનું કહીને કચ્છ કોંગ્રેસના આંતરિક રાજકારણને ખુલ્લું કરી દીધું હતું. કોંગ્રેસ ના આગેવાનોએ જ્ઞાતિવાદી રાજકારણની માનસિકતા મૂકીને એક કોંગ્રેસી તરીકે બીજા કોંગ્રેસીને ચૂંટણી માં ટેકો આપવો જોઈએ એવું કહેતા આદમ ચાકીએ મોઘમ મા વિધાનસભાની ચૂંટણી દરમ્યાન પોતાને થયેલા કડવા અનુભવની પીડા વર્ણવી હતી. તો મીડીયા માં નિવેદન કરવાને બદલે કોંગ્રેસી આગેવાનો લોકસમસ્યામાં જોડાશે તો જ લોકો કોંગ્રેસ ને સાથ આપશે એવી ટકોર આદમ ચાકીએ કરી હતી. નવા જિલ્લા પ્રમુખ તાલુકા ના કાર્યકરો સુધી પહોંચે તેમ જ વહીવટીતંત્ર માં કોંગ્રેસની છાપ પડે તેવું આયોજન કરવાનું સૂચન આદમ ચાકીએ કર્યું હતું. કેડીસીસી બેંકના પૂર્વ ડાયરેકટર અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા નવલસિંહ જાડેજાએ ભ્રષ્ટચાર સામે લડવા હાકલ કરી હતી. સાથે સાથે અછતની પરિસ્થિતિમાં કોંગ્રેસે સક્રીય રહી પાણી ઘાસચારાની સમસ્યા વિશે રજુઆત કરવી જોઈએ તેવું સૂચન નવલસિંહ જાડેજાએ કર્યું હતું. જોકે, જિલ્લા ની સમસ્યાઓ અનેક છે, પક્ષ માં પણ ભિન્ન ભિન્ન મતાંતરો છે, અનેક ચોકાઓ છે, ત્યારે સૌને સાથે રાખીને ચાલવું અને વિપક્ષ તરીકે તંત્રમાં કોંગ્રેસનો પ્રભાવ વધારવો નવા યુવા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા માટે મોટો પડકાર છે. આગળનો પથ સહેલો નથી કાંટાળો છે અને ૨૦૧૯ પાસે જ છે ત્યારે હવે એ જોવું રહ્યું કે આ પડકારોને યજુવેન્દ્રસિંહ જાડેજા કેમ પહોંચી વળે છે.