કચ્છ જિલ્લા પંચાયત ના કારોબારી ચેરમેનની વરણીની ખેંચતાણ બાદ અંતે આજે શાંતિપૂર્ણ માહોલમાં આ પ્રક્રિયા સંપન્ન થઈ હતી. કચ્છ ભાજપના બબ્બે જિલ્લા મહામંત્રીઓ અનિરુદ્ધ દવે અને શૈલેન્દ્રસિંહ જાડેજા ની ઉપસ્થિતિમાં આ વરણી પ્રક્રિયા જિલ્લા પંચાયતના સમિતિ હોલ માં આ પ્રક્રિયા પૂર્ણ કરાઇ હતી. કાર્યકારી અધ્યક્ષ નરેશ મહેશ્વરીએ કારોબારી સમિતિના ચેરમેન તરીકે હરિભાઈ હીરાભાઈ જાટીયા ના નામની દરખાસ્ત કરી હતી જેને ભીમજી જોધણીએ ટેકો આપ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત એ. એમ. વાણિયા ની હાજરીમાં આ વરણી પ્રક્રિયા પૂરી થઈ હતી. ભાજપ ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લે સુધી સમજાવટનો દોર ચાલ્યો હતો અને અંતે સહમતિ સધાઈ હતી. હરિભાઈ ની વરણી સાથે જ રાજ્યમંત્રી વાસણભાઇ આહીરનો હાથ ઉપર રહ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જમીનો ની NA સહિતની પ્રક્રિયાઓની સતા ના કારણે કારોબારી ચેરમેનનું પદ પ્રભાવશાળી મનાય છે.