પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી અને કચ્છના અગ્રણી આદમ ચાકીએ પોતાની વિરુદ્ધ રાજકીય કીનાખોરી દર્શાવાતી હોવાનો ભાજપ સરકાર વિરુદ્ધ આક્ષેપ કર્યો હતો. ભુજ મધ્યે પત્રકાર પરિષદનું આયોજન કરીને મીડીયા સમક્ષ સરકારી પત્રોના પુરાવાઓ રજૂ કરતા આદમ ચાકીએ તેમની વિરૂદ્ધ કરાયેલ નનામી અરજી વિશે વિસ્તૃત જાણકારી આપીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, વડાપ્રધાન અને રાજ્ય સરકાર સામે સવાલોની ઝડી વરસાવી હતી.
મને રાજકીય ટાર્ગેટ બનાવાઈ રહ્યો છે..
ભુજ માં પત્રકાર પરિષદ મધ્યે આદમ ચાકીએ રાજ્યના મુખ્યમંત્રી ના કાર્યાલય દ્વારા તા/૧૨/૬/૧૮ ના રોજે પરિમલ શાહની સહી સાથે નો પત્ર રજૂ કર્યો હતો. જેમાં કચ્છ જિલ્લા કલેકટરને પત્ર લખીને આદમ ચાકીની વિરુદ્ધ જમીન કૌભાંડ ની તપાસ કરવાની મુખ્યમંત્રી દ્વારા સૂચના અપાઈ હોવાનું જણાવીને તે સંદર્ભે દિલ્હી થી લખાયેલ પત્ર અને તેની સાથે નનામી અરજી પણ મોકલી હતી. દિલ્હીથી ડો. રાકેશ મિશ્રનો તા/૮ માર્ચ ૨૦૧૮નો લખાયેલ પત્ર અને તેની સાથેની નનામી અરજીની નકલ પણ આદમ ચાકીએ પત્રકારોને આપી હતી. જેમાં ભુજના એક ભાજપ કાર્યકરે નામ આપ્યા વગર તા/૨૨/૨/૧૮ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ને ઉદેશી ને લખેલા પત્રમાં કોંગ્રેસના અગ્રણી આદમ ચાકી દ્વારા ભીડનાકા બહાર, યતિમખાના પાસે ,નાગોર રોડ ઉપર સરકારી જમીન ઉપર દબાણ કરીને તેના પ્લોટીંગ પાડીને બારોબાર વેંચી નાખી હોવાનું, આદમ ચાકી પાસે ૫૦ લાખ ની લાલ કલરની કાર હોવાનું જણાવીને તેમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જણાવાયું છે. આ નનામી અરજીમાં જણાવ્યા પ્રમાણે જો આદમ ચાકી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થાય તો ભાજપ ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી હારી જશે એવી દહેશત પણ વ્યક્ત કરાઈ છે. તેમ જ ભાજપના ગ્રુપીઝમ ના કારણે પોતે અરજીમાં પોતાનું નામ ન લખ્યું હોવાનો અરજીકર્તાએ ખુલાસો કર્યો છે. આ તમામ આધાર પુરાવાઓ સાથે આદમ ચાકીએ આક્ષેપ કર્યો છે કે તેમને માત્ર એક નનામી અરજીના આધારે ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે.
ભાજપની રાજકીય કીનાખોરીનો કોંગ્રેસ એક થઈ જવાબ આપશે..
આ પત્રકાર પરિષદ માં કોંગ્રેસી અગ્રણી આદમ ચાકીની સાથે કોંગ્રેસના પ્રદેશમંત્રી નવલસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રી ઘનશ્યામસિંહ ભાટી, એડવોકેટ હનીફ ચાકી ઉપસ્થિત રહ્યા હતા. પોતાની વિરુદ્ધ નનામી અરજીના આધારે રાજ્યના મુખ્યમંત્રી એ વહીવટીતંત્ર ને કરેલા આદેશ અંગે આદમ ચાકીએ જણાવ્યું હતું કે મેં કોઈ જમીન દબાણ કર્યું નથી, વહીવટીતંત્ર એ પોતાનો તપાસ રિપોર્ટ મોકલી દીધો છે, આક્ષેપ કરાયેલ નાગોરની એ જમીન અન્ય ખાતેદાર ના નામે છે જેનો કેસ ભુજની ડેપ્યુટી કલેકટરની કચેરીમાં ચાલી રહ્યો છે. હવે પોતે રાજ્યના મુખ્યમંત્રી સામે કાયદેસર કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા હોવાનું જણાવીને આદમ ચાકીએ મુખ્યમંત્રીને ૧૫ દિવસમા ખુલાસો ક્રરે તેવો લખેલો પત્ર પણ મીડીયા ને આપ્યો હતો. પોતે પ્રજાકીય પ્રશ્નો રજૂ કરે છે એટલે ભાજપ દ્વારા તેમને ટાર્ગેટ બનાવાઈ રહ્યા હોવાનું અને ભવિષ્યમાં ગમે ત્યારે પોતાનું એન્કાઉન્ટર પણ થઈ જશે એવી દહેશત પણ આદમ ચાકીએ વ્યક્ત કરી હતી. પ્રદેશ કોંગ્રેસના મંત્રી નવલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નનામી અરજીના આધારે કયારેય કોઈ તપાસ નહીં કરવાની ખુદ સરકારની જ સૂચના છે. છતાંયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, વડાપ્રધાન અને મુખ્યમંત્રી આવી નનામી અરજીના આધારે પ્રજાકીય પ્રશ્નો રજૂ કરતા કોંગ્રેસના નેતા આદમ ચાકીને દબાવવા માંગે છે એ કૃત્ય શરમજનક છે. કોંગ્રેસ પોતાના રાજકીય કાર્યકરની પડખે છે અને ભાજપને તેની ભાષામાં એક થઈને કોંગ્રેસ જવાબ આપશે. વ્યકિતગત કાર કે મિલકતોની ની માહિતી આદમ ભાઈ ચાકીએ તેમની વિધાનસભાની ઉમેદવારી નોંધાવતી વખતે સતાવાર આપેલી છે. આવા આક્ષેપો કરવાના બદલે ભાજપે મોંઘવારી ઘટાડીને પ્રજાની સમસ્યા હલ કરવી જોઈએ. પોતે આધારપુરાવાઓ સાથે આપેલા સરકારી અનાજના કાળાબજાર કૌભાંડની તપાસ કરવાને બદલે સરકાર પોતાનો અવાજ બંધ કરાવવા માંગે છે એવો આક્ષેપ કરતા આદમ ચાકીએ પોતાની વિરુદ્ધ કરાયેલ નનામી અરજી અંગે તેમણે સરકારી અનાજના થતા કાળાબજાર સામે અવાજ ઉપાડ્યો હોઈ તેમાં સંડોવાયેલા તત્વોનું આ કૃત્ય હોવાની શંકા વ્યક્ત કરી હતી. પણ, પોતે બે ચાર દિવસ મા જ બોગસ બીપીએલ કાર્ડ અને સરકારી અનાજના કાળાબજાર ના મુદ્દે હાઇકોર્ટ માં કેસ દાખલ કરશે અને તેની કાર્યવાહી થઈ રહી હોવાનો ખુલાસો આદમ ચાકીએ કર્યો હતો. કોંગ્રેસ ના જિલ્લા મહામંત્રી ઘનશ્યામસિંહ ભાટીએ જણાવ્યું હતું કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અન્ય કાર્યક્રમ માં રોકાયેલા હોઈ પત્રકાર પરિષદ શરૂ થયા પહેલા પક્ષ ના આગેવાન આદમ ચાકીને મળીને નીકળી ગયા હતા.