સમગ્ર રાજ્યની સાથે કચ્છમા પણ વરસાદના બીજા રાઉન્ડે જમાવટ કરી છે. ગઇકાલે કચ્છના રાપર,ભચાઉ,ગાંધીધામ,અંજાર,નખત્રાણા,ભુજ સહિત કચ્છના લગભગ તાલુકામાં ઝાંપટાથી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યા બાદ આજે પણ કચ્છમાં મેઘાએ જમાવટ કરી છે. આજે અંજાર અને ગાંધીધામમાં ભારે વરસાદ પડ્યો હતો અને માત્ર પાંચ કલાકમાંજ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા એક તરફ ખુશી ફેલાઇ હતી. પરંતુ મુખ્ય બઝાર સહિત રેલ્વે સ્ટેશન નજીકના વિસ્તારમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો ગાંધીધામની મુખ્ય બઝારમાં કેટલીક દુકાનોમા પાણી ભરાયુ હતુ તો બીજી તરફ અંજારના સથવારા વાસ સહિત નિચાણવાળા વિસ્તારોમા પણ પાણી ભરાતા લોકો મુશ્કેલીમા મુકાયા હતા આજે સવારથી ભચાઉ,ગાંધીધામ,ભુજ અને અંજારમાં વરસાદ મન મુકીને વરસ્યો હતો જેને લઇને પશુપાલકો,ખેડુતો સહિત તમામ લોકોમાં ખુશી ફેલાઇ હતી.
કચ્છમા સવારના 6 વાગ્યાથી 2 વાગ્યા સુધી પડેલો વરસાદ
અબડાસા-11મી.મી, અંજારમાં 99મી.મી, ભચાઉ-10મી.મી, ભુજમાં 26મી.મી, ગાંધીધામ-96મી.મી, લખપત-01મી.મી, માંડવી-07મી.મી, મુન્દ્રા-10મી.મી, નખત્રાણા-08મી.મી, રાપરમાં -05મી.મી
કચ્છમાં વરસાદને લઇને ક્યાંક સર્જાઇ મુશ્કેલી ક્યાંક ખુશી
કચ્છમાં સવારથી પડેલા ભારે વરસાદને પગલે અંજાર-ગાંધીધામના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા તો ભુજમા થોડા વરસાદ અને પાલિકાની બેદરકારીથી ટ્રાફીક જામ અને વાહનો ફસાવાની સમસ્યા સર્જાઇ હતી.
ભુજની ટ્રાફીક ઓફીસ સામેજ પાલિકાએ ડ્રેનેજ વોટર માટે કરેલા કામમાં ગાડીઓ ફસાઇ જવાની સ્થિતીમા અનેક વાહનો ફસાયા હતા તો ટ્રાફીક જામની સ્થિતી પણ સર્જાઇ હતી.
ગાંધીધામના ચાવલાચોકથી લઇને નિચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને પગલે વાહન વ્યવ્હારને અસર થઇ હતી. તો બઝારમા લોકોની અવરજવર ઘટી હતી.
-ગાંધીધામની મુખ્ય બઝારમા પડેલા ભારે વરસાદને કારણે કેટલીક દુકાનોમા પાણી ભરાવાના દ્રશ્ર્યો પણ સર્જાયા હતા. જો કે વરસાદે વિરામ લેતા પાણી ઓસર્યુ હતુ.
-કચ્છ અને ગુજરાતમા પડેલા સારા વરસાદની અસર કચ્છની ટ્રેન સેવા પર પડી હતી. કચ્છ બ્રાન્દ્રા સુપર ફાસ્ટ ટ્રેન સહિત કચ્છ આવતી ટ્રેનની ગતી પર રેલ્વે ટ્રેક પર પાણી ભરાતા મર્યાદા આવી હતી અને સમય કરતા મોડી ચાલી હતી.
-તો અંજારના સથવારા વાસ વિસ્તાર સહિત બસ સ્ટેશન વિસ્તાર અને નિચાણવાળા અનેક રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા હતા
-સારા વરસાદને લઇને કચ્છના અંજાર અને ગાંધીધામના ડેમો તળાવોમાં નવા પાણીની આવક થઇ હતી.
-સારા વરસાદને પગલે લોકો આજે સવારથીજ વરસાદની મઝા માણતા નઝરે પડ્યા હતા.
-સારો વરસાદ પડતા વરસાદની રાહ જોઇ રહેલા ખેડુતોએ ખેતી માટે તૈયારી શરૂ કરી છે.
હજુ સૌરાષ્ટ્રની સાથે કચ્છમાં પણ 24 કલાક ભારે વરસાદની આગાહી
પહેલા રાઉન્ડમાં બાકાત રહી ગયેલા કચ્છમા બીજા રાઉન્ડમાં સારા વરસાદની આગાહી છે હવામાન વિભાગે આગાહી કરી છે. કે વરસાદ માટે નવી સીસ્ટમ સર્જાઇ છે. તેના પગલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકમા ભારે વરસાદ પડી શકે છે. તો સુરેન્દ્રનગર,ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. તો કચ્છના પડોશી જીલ્લા મોરબીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જેથી કચ્છમાં આગામી 24 કલાકમા સારા વરસાદ સાથે દુષ્કાળના વાદળો હટે તો નવાઇ નહી.