દક્ષિણ નું પ્રગતિશીલ ગણાતું રાજ્ય કેરળ આજે પુરપ્રકોપ થી ઝઝૂમી રહ્યું છે. કેરળ ના ૧૧ જિલ્લાઓ માં ખૂબ જ મોટું નુકસાન થયું છે. સેંકડો માનવ મોત થયા છે, હજારો લોકો બેઘર થયા છે અને માલ મિલકતને પણ ખૂબ જ મોટું નુકસાન થયું છે. આવા સંજોગો માં એક ભારતીય નાગરિક તરીકે કેરળ ને મદદરૂપ થવાની પહેલ કચ્છના પંચાયતી કર્મચારીઓએ કરી છે. માનવતાના ધોરણે કેરળના લોકોને મદદરૂપ કેમ બની શકાય એવા ઉમદા હેતુ સાથે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ પંચાયતી કર્મચારીઓ ના વિવિધ સંગઠનો સાથે આજે એક બેઠક યોજી હતી. જેમાં ખુદ જિલ્લા વિકાસ અધિકારીએ પોતે પોતાનો એક દિવસનો પગાર કેરળ ના પુરગ્રસ્તોની મદદ માટે આપીને પહેલ કરતાં પંચાયતી કર્મચારીઓએ પણ તેમાં મદદ માટેની ટહેલને આવકારી ને પોતાનો હાથ લંબાવ્યો છે. કચ્છના અંદાજિત ૧૦ હજાર જેટલા વર્ગ ૨, વર્ગ ૩ અને વર્ગ ૪ ના અધિકારીઓ અને કર્મચારીઓ જેમાં શિક્ષકો, તલાટીઓ અને આરોગ્ય કર્મચારીઓનો બહોળો સમૂહપણ જોડાશે અને નક્કી કર્યા મુજબ પોતાનો આર્થિક ફાળો આપશે. આથી અગાઉ ભૂતકાળમાં પણ પંચાયતી કર્મચારીઓ મદદ માટે આગળ આવી ચુક્યા છે. અંદાજિત અડધા કરોડ થી એ વધુ રકમ ભેગી થશે એવો અંદાજ છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા પંચાયતી કર્મચારીઓ ના સહકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા કચ્છી માડુઓને પણ કેરળ ના પુરગ્રસ્તો માટે મદદ નો હાથ લંબાવવા અપીલ કરી છે. પંચાયતી કર્મચારીઓએ કચ્છ ના ભૂકંપ સમયે દેશભર ના લોકો દ્વારા કચ્છ ને કરાયેલી મદદ ને યાદ કરીને કેરળ ના પુરગ્રસ્તો માટે પોતાનો યથાયોગ્ય ફાળો આપવાની તૈયારી દર્શાવીને પોતાની માનવીય સંવેદના વ્યક્ત કરી છે. ડીડીઓ પ્રભવ જોશી અને કચ્છના પંચાયતી કર્મચારીઓને અભિનંદન.