આજે ઇદુલ અઝહા નિમિતે કચ્છના મુસ્લિમ બિરાદરોએ ઉમંગભેર ઇદે નમાઝ અદા કરી હતી. ગાંધીધામ ની નુરી મસ્જિદ મધ્યે મૌલાના અબ્દુલ શકુર બાવાએ ઇદે નમાઝ અને ખુતબો પઢાવ્યો હતો. કુરબાની ના આ તહેવાર દરમ્યાન ઇન્સાન પોતાની અંદર રહેલી બુરાઈઓ ની કુરબાની આપે તેવો પ્રેરક સંદેશ આપ્યો હતો. જ્યારે તયબાહ મસ્જિદ મધ્યે મૌલાના શૌક્તઅલી બાવાએ ઇદે નમાઝ અને ખુતબો પઢાવ્યો હતો. ઇદે નમાઝ માં હાજી જુમા રાયમા, નાસિરખાન, શાહનવાઝ શેખ, શબીર રાયમા, લતીફ માંજોઠી સહિત ના આગેવાનો અને વિશાળ સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. ભુજ માં પણ મુસ્લિમ બિરાદરોએ ઉમંગભેર ઇદુલ અઝહા ની ઉજવણી કરી હતી. હમીરસર ના કાંઠે ઇદગાહ મધ્યે સમૂહ ઇદે નમાઝ અદા કરાઈ હતી. જેમાં મૌલાના કાસમશા બાવાએ ઇદે નમાઝ અને ખુતબો પઢાવ્યો હતો. ભુજ ના ઇદગાહ મેદાન માં ઉપસ્થિત મુસ્લિમ બિરાદરોને જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ ઈદ ના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ કચ્છના મુસ્લિમ બિરાદરોને ઓરી અને રુબેલા ની રસી બાળકોને અપાવવા અપીલ કરી હતી. ઇદગાહ મધ્યે અલીમામદ જત, જુમા નોડે, ફકીરમામદ કુંભાર, અનવર નોડે સહિત અન્ય આગેવાનો અને મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભુજ સહિત, મુંદરા, માંડવી, અંજાર, ભચાઉ, રાપર ઉપરાંત કચ્છ ના ગ્રામીણ વિસ્તારો માં રહેતા હજારો મુસ્લિમ બિરાદરોએ ઇદુલ અઝહા ની ઉંમગભેર ઉજવણી કરી હતી. એકંદરે કચ્છમા શાંતિ અને ભાઈચારા ના સંદેશ સાથે ઇદુલ અઝહા ની ઉજવણી કરાઈ હતી.