આ વખતે વરસાદ ધાર્યા કરતાંયે વધુ ખેંચાઈ જતા કચ્છમા પાણી અને ઘાસચારાની પરિસ્થિતિ વિકટ બની છે. ત્યારે કચ્છ કોંગ્રેસના આગેવાન અને જિલ્લા પંચાયત સદસ્ય હઠુભા સોઢાએ વર્તમાન અછતની પરિસ્થિતિ ના કારણે કચ્છ ના પશુપાલકોની સ્થિતિ ગંભીર બની હોવાનું જણાવીને ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. મૂળ ભાજપી એવા આ કોંગ્રેસી સદસ્ય હઠુભા સોઢાએ અછતની પરિસ્થિતિ ઉકેલવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને વેદનાભર્યો પત્ર લખ્યો છે.
CM ને શું કર્યું સૂચન?
સરહદી વિસ્તાર પાનધ્રો માંથી જિલ્લા પંચાયત બેઠક ઉપરથી ચૂંટાયેલા કોંગ્રેસી સભ્ય હઠુભા સોઢાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખેલા પત્રમાં પાકિસ્તાનની સરહદે આવેલા અને માત્ર પશુપાલન ઉપર જ આધારિત કચ્છના છેવાડાના ચાર સરહદી વિસ્તારો અબડાસા, લખપત, નખત્રાણા અને બન્ની પચ્છમ માં અત્યારે પશુઓ ઘાસ માટે વલખાં મારી રહ્યા હોવાનું અને પીવાના પાણીની સ્થિતિ ગંભીર હોવાનું જણાવ્યું છે. ઓગસ્ટ મહીનો પૂરો થવામાં છે અને વરસાદ હજીયે ખેંચાઇ ગયો છે એવા સંજોગો માં ઘાસ અને પાણી ની અછતે પશુપાલકોની ચિંતા વધારી દીધી છે. CM ને લખેલા પત્રમાં જિલ્લા પંચાયતના સભ્ય હઠુભા સોઢાએ પશુપાલકોની ચિંતા અને મુશ્કેલીની વાત લખતા લખ્યું છે કે સરકારે માત્ર ઘાસ ડેપો શરૂ કરવાની જાહેરાત કરી છે. કચ્છના ઘાસ ગોડાઉનો માં હજી સુધી પૂરતું ઘાસ પહોંચ્યું નથી એ કડવી વાસ્તવિકતા છે. કચ્છનું વહીવટીતંત્ર માત્ર આંકડાઓ આપે છે પણ ઘાસ નો જથ્થો સરકારી ઘાસ ગોડાઉનો માં પૂરો પહોંચ્યો જ નથી. જિલ્લા કલેકટર રેમ્યા મોહનને અમે કોંગ્રેસના આગેવાનોએ રૂબરૂ રજુઆત કર્યા પછી માત્ર આશ્વાસન જ મળ્યું છે. જિલ્લા કલેકટર રૂબરૂ અછતગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લે તો તેમને અછતની ર્તમાન પરિસ્થિતિનો ખ્યાલ આવે. મૂળ ભાજપી એવા કોંગ્રેસના સભ્ય હઠુભા સોઢાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સૂચન કર્યું છે કે સરકાર હાઇકોર્ટના સીટીંગ જજ ની કમીટી દ્વારા અબડાસા, લખપત, નખત્રાણા અને બન્ની પચ્છમ ના વિસ્તારોની સમસ્યા નો અભ્યાસ કરાવે અને કાયમી ઉકેલ માટેના સૂચનો મેળવે. જેથી અછત ની સમસ્યાનો સાચો ખ્યાલ આવે. આ સમિતિ નો તપાસ રિપોર્ટ વિધાનસભાના ફ્લોર પર રજૂ કરીને તેનો અમલ કરાવડાવે. જેથી, સરહદી વિસ્તાર ના પશુપાલકો ની સમસ્યાનો કાયમી હલ આવે. સરહદી સુરક્ષા માટે પણ સરહદે આવેલા ગામડાઓ માં પશુપાલકોની આજીવિકાનો કાયમી હલ શોધવાની જરૂરત છે.
હમણાં અછતની પરિસ્થિતિમાં પશુઓ માટેના ખાણદાણ ના ભાવમાં ડબલ વધારો થયો છે ત્યારે સરહદ ડેરી કે મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા પશુપાલકોને રાહત દરે દાણખાણ આપવાની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. આ પત્ર સંદર્ભે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતાં હઠુભા સોઢાએ જણાવ્યું હતું કે મેં વ્યથિત હૃદયે પશુપાલકોની વેદના મુખ્યમંત્રી સમક્ષ લખી છે, તેની નકલ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને મોકલી છે.