કચ્છ માં વિકટ બની રહેલ ઘાસચારાની પરિસ્થિતિ બાબતે કચ્છ કોંગ્રેસનું ડેલીગેશન કલેકટરને રજુઆત કરવા આવ્યું હતું. પણ, કોંગ્રેસનું આ ડેલીગેશન રજુઆત કર્યા વગર જ કલેકટર કચેરી માં થી પરત ફર્યું હતું. દરમ્યાન નારાજ થયેલા કોંગ્રેસના આગેવાનો એ જિલ્લા કલેકટર કચેરી માં કલેકટર દ્વારા કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષ ના પ્રજાકીય પ્રતિનિધિઓ સાથે ઔચિત્યપૂર્ણ વ્યવહાર ન કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.
કચ્છ કોંગ્રેસ થઈ કલેકટર ઉપર ધુંવાફુવા- હવે વિરોધ કરશે
કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા ની અધ્યક્ષતા માં કોંગ્રેસનું ડેલીગેશન ઘાસચારાની કપરી પરિસ્થિતિની રજુઆત કરવા માટે કલેકટર રેમ્યા મોહનને મળવા આવ્યું હતું. પરંતુ. ત્યારબાદ કોંગ્રેસનું ડેલીગેશન કલેકટરને મળ્યા વગર જ પરત ફર્યું હતું. આ સંદર્ભે જિલ્લા કલેકટર કચેરી માં મીડીયા સાથે વાત કરતા કચ્છ કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો હતો કે રણોત્સવની મીટીંગ માં વ્યસ્ત કલેકટર પાસે ચા નાસ્તા કરવાનો સમય છે પણ કચ્છનું પશુધન ભૂખે મરી રહ્યું છે તે અંગે ની રજુઆત સાંભળવાનો સમય નથી. કચ્છમા ઘાસડેપો ખોલવાની જાહેરાતો જ થઈ છે પણ ઘાસ ક્યાંય નથી. વહીવટીતંત્ર પાસે કચ્છ ની અછતની પરિસ્થિતિ ને પહોંચી વળવાનું આયોજન નથી. એટલું જ નહિ કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષની કે પ્રજાની રજુઆત સાંભળવાનો સમય નથી. કોંગ્રેસના પ્રદેશ મંત્રી નવલસિંહ જાડેજા એ આકરા તેવર સાથે કલેકટર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. બે દિવસ પહેલા એક દલિત અરજદારે કલેકટર કચેરી માં જ આત્મવિલોપન કરવું પડ્યું તે ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે લોકો સાથેની તંત્રની ઉપેક્ષા કોંગ્રેસ સાંખી નહીં લે. ઉદ્યોગો ના પ્રતિનિધીઓ અને રણોત્સવના તાયફાની મીટીંગો માં વ્યસ્ત કલેકટર ને મળવા કોંગ્રેસે પોણો કલાક રાહ જોઈ. પણ કલેકટર ઘાસચારાની રજુઆત માટે મળ્યા નહીં. હવે કચ્છ કોંગ્રેસ કલેકટર ના વર્તન સામે ઉગ્ર વિરોધ દર્શાવવા પૂતળા દહન જેવા આશ્ચર્યજનક કાર્યક્રમ આપી શકે છે. જોકે, કોંગ્રેસ ના ડેલીગેશન દ્વારા કલેકટરની ચેમ્બર બહાર ઉગ્ર શબ્દો માં નારાજગી વ્યક્ત કરાતાં કલેકટર દ્વારા મળવા માટે જણાવાયું હતું. પણ, નારાજ થયેલ કોંગ્રેસનું ડેલીગેશન કલેકટરને મલ્યા વગર જ બહાર નીકળી ગયું હતું.કચ્છ કોંગ્રેસના ડેલીગેશનમાં જિલ્લા પંચાયતના વિપક્ષીનેતા વી.કે. હુંબલ, આદમ ચાકી, નરેશ મહેશ્વરી, રાજેન્દ્રસિંહ જાડેજા, દિપક ડાંગર, અંજલી ગોર સહિત ના આગેવાનો સામેલ હતા. કચ્છમા અછતની પરિસ્થિતિ ભારે વિકટ છે અને પશુધન ઘાસચારા ના અભાવે મોત તરફ ધકેલાઈ રહ્યું છે. તે સંદર્ભે છેલ્લા ઘણા સમય થી સતત રજૂઆતો થતી રહે છે.