રક્ષાબંધન ના આ અહેવાલની શરૂઆત કરીએ રાખડી ના કાચા દોરા માં રહેલ પ્રેમ, સ્નેહ અને સંવેદનાની જબરદસ્ત શક્તિ દર્શાવતા જાણીતા શાયર ઇમામ આઝમ ના એક શેર થી, ” આસ્થા કા રંગ આ જાયે અગર માહોલ મેં, એક રાખી જિંદગી બદલ શક્તી હૈ આજ ‘.
કુદરતે કરેલી આકરી કસોટી ના કારણે પોતાની આંખો માં અંધારા ઉલેચતા પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે રક્ષાબંધન નો આજનો દિવસ યાદગાર બની રહ્યો. ભુજ ની સરકારી અંધશાળા વાત્સલ્યધામ મા હીનાબેન ભદ્રેશ મહેતા અને તેમના સુપુત્રી ભક્તિ ભદ્રેશ મહેતાએ આ પ્રજ્ઞાચક્ષુ બાળકોને રાખડી બાંધી હતી. એટલું જ નહીં એક બહેન તરીકે આ પ્રજ્ઞાચક્ષુ બાળકોને ભાવપૂર્વક ભાવતા ભોજન જમાડયા હતા સાથે તેમને સુંદર ગીફ્ટ પણ આપી હતી. રાખડી ના કાચા સુતર ના તાંતણે નીતરતા પ્રેમે આ પ્રજ્ઞાચક્ષુ બાળકોને એ અહેસાસ કરાવ્યો હતો કે તેઓ એકલા નથી તેમની સાથે પણ સમાજની સંવેદના છે અને લાગણી થી ભીંજાયેલા આ અંધ બાળકોની આખો મા વાત્સલ્યના દીવડા પ્રગટ્યા હતા. આ માનવીય કાર્ય માં યુવા સામાજિક કાર્યકર મિતેશ શાહ, ઓમ મહેતા અને અંધશાળા ના આચાર્ય શ્રી પટેલ સહયોગી બન્યા હતા. તો ભુજ ની પાલારા જેલના કાળમીંઢ પથ્થરો પણ આજે ભાઈ બહેનના સ્નેહ ની સરવાણી થી ભીના થઈ ગયા હતા. પોતાના ગુના માટે જેલ ની સજા ભોગવતા કેદીભાઈઓ ને રાખડી બાંધવા પહોંચેલી બહેનો માટે જેલ ના બંધ દરવાજા ખાસ ખુલ્યા હતા. જોકે, જ્યારે બહેનોએ ભાઈઓને કાંડે રાખડી બાંધી ત્યારે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. કેદીઓએ છુપાવવાની ઘણી કોશિશ કરી પણ તેમની આંખોએ બંધાયેલા આંસુ ઓ ના તોરણ થી બહેનો ની આંખડીયું પણ ભીંજાઈ ગયું હતું. તો જેલ ના સંત્રીઓ ની પાંપણો પણ ભીની થઇ ગઇ હતી. રક્ષાબંધન નો તહેવાર ભુજમાં એકલા અટૂલા રહેતા લોકો માટે પણ ખાસ બની ગયો હતો. સત્યમ સંસ્થાની બહેનો દ્વારા એકલા અટૂલા રહેનારા ભાઈઓ ને રાખડી બાંધીને મીઠાઈ અપાઈ હતી. સાથે સાથે પર્યાવરણ બચાવવાનો સંદેશ વહેતો કરવા વૃક્ષો ને રાખડી સ્વરૂપે ‘રક્ષાકવચ’ બાંધવા માં આવ્યું હતું. અંજાર માં ઓમકાર ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમ માં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ની બાળાઓ એ ઓમકાર સેવાદળ ના ભાઈઓ ને રાખડી બાંધી હતી. રાપર પોલીસ દ્વારા રક્ષાબંધન ની અનોખી ઉજવણી કરાઈ હતી. અહીં ફરજ બજાવતા પુરુષ પોલીસ કર્મચારીઓ ને મહિલા પોલીસે રાખડી બાંધી હતી. સતત ફરજ પર ઘર બહાર રહેતા પોલીસ કર્મચારીઓ માટે રક્ષાબંધનનો તહેવાર યાદગાર રહ્યો હતો. સંસ્થા દ્વારા બાળાઓ ને મેકઅપ કીટ આપવામાં આવી હતી. રક્ષાબંધન નો દિવસ બળેવ અને નાળિયેરી પૂર્ણિમા તરીકે પણ જાણીતો છે. આ પવિત્ર દિવસે જનોઈ બદલવામાં આવે છે. ભુજ ના સોમનાથ મહાદેવ મંદિરે વડનગરા નાગર બ્રાહ્મણ સમાજના વડીલ નરેશભાઈ પાઠકના સાંનિધ્યમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો.