Home Current જિલ્લા પંચાયત સામાન્યસભામાં ભાજપના ૯ સભ્યોની ગેરહાજરીથી રાજકીય ચર્ચા- કોંગ્રેસના હલ્લાબોલ વચ્ચે...

જિલ્લા પંચાયત સામાન્યસભામાં ભાજપના ૯ સભ્યોની ગેરહાજરીથી રાજકીય ચર્ચા- કોંગ્રેસના હલ્લાબોલ વચ્ચે જાણો શું થયું?

2089
SHARE
જિલ્લા પંચાયતના નવા અધ્યક્ષ લક્ષમણસિંહ સોઢા, ઉપાધ્યક્ષ નિયતિબેન પોકાર, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી માટે પ્રશ્નોત્તરીની આ પ્રથમ સામાન્યસભા ગરમાગરમી વાળી અને રાજકીય તર્કવિતર્ક જગાવનારી રહી બોલકા સભ્યોની ગેરહાજરી શાસકપક્ષ ભાજપને નડી. પ્રશ્નોતરી પૂર્વે જિલ્લા પંચાયત દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલજી, કચ્છના પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ વેલજી બીજલ હુંબલ ના નિધન પ્રસંગે બે મિનિટનું મૌન પાળી અંજલી અપાઈ હતી.

અરવિંદ પીંડોરિયા, નરેશ મહેશ્વરી સહિત ૯ સભ્યો ગેરહાજર

જિલ્લા પંચાયત મા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત ના અન્ય સમિતિઓના હોદ્દાઓની વરણી ના કારણે શાસક પક્ષ ભાજપ માં રહેલી નારાજગી આ સામાન્યસભા માં દેખાઈ આવી હતી. ભાજપ ના સભ્યો ની ખાલી બેઠકો ની સંખ્યા વધુ હોઈ શરૂઆત માં જ કોંગ્રેસી સભ્ય સલીમ જતે નિશાન તાકતા પ્રમુખ લક્ષમણસિંહ ને કહ્યું હતું કે રાહ જોવાને બદલે બેઠક ચાલુ કરો. કુલ ૪૦ સભ્યો પૈકી ભાજપના ૨૭ સભ્યો છે જેમાં ૯ સભ્યો ગેરહાજર હતા. કોંગ્રેસના ૧૩ સભ્યો છે જે તમામ હાજર હતા. જિલ્લા પંચાયત ના પ્રમુખ લક્ષમણસિંહ સોઢાના મતવિસ્તાર રાપરના ૪ સભ્યો પૈકી ખુદ પ્રમુખ જ હાજર હતા. બાકીના ૩ સભ્યો કરસનભાઈ મંજેરી, કાનાભાઈ આહીર અને રસીલાબેન બારીયા ગેરહાજર હતા. જોકે, કરસનભાઇ અને કાનાભાઈ એ બન્ને એ તો તેમને હોદ્દા મળ્યા ન હોવાથી અન્યાય ની લાગણી સાથે ભાજપ પ્રમુખને રાજીનામા મોકલી ચુક્યા છે. આ સિવાય દરેક સામાન્ય સભામાં કોંગ્રેસ ને વળતો જવાબ આપનાર ભાજપ ના બોલકા સભ્યો અરવિંદ પીંડોરીયા અને નરેશ મહેશ્વરી ની ગેરહાજરી પણ ચર્ચાનું કારણ બની હતી. અરવિંદભાઈ તો પોતાની નારાજગી જાહેરમાં દર્શાવી ચુક્યા છે. જ્યારે નરેશ મહેશ્વરી એ ભલે જાહેર માં કોઈ નારાજગી વ્યક્ત નથી કરી પણ રાજકીય ચર્ચા પ્રમાણે તેઓ પણ છેક છેલ્લે સુધી વગદાર સમિતિ ઓ ના ચેરમેન પદ માટે પ્રયત્નશીલ હતા. જોકે, ભાજપ ના સભ્યો ની ગેરહાજરી વચ્ચે પૂર્વ પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાએ પૂછેલા માધાપર ગ્રામ પંચાયત ના મકાન ના બાંધકામ ની મંજુરી ના પ્રશ્નો ચર્ચા માં રહ્યા હતા. ભાજપ વતી માત્ર કૌશલ્યાબેને જ પ્રશ્નો પૂછ્યા હતા જ્યારે કોંગ્રેસના ૭ સભ્યોએ પ્રશ્નો પૂછ્યા હતા. પ્રશ્નોતરી કાળ દરમ્યાન પ્રમુખ લક્ષમણસિંહ સોઢાએ સભ્યો ના પ્રશ્નો ના સંતોષકારક જવાબો આપ્યા હતા. તો કોંગ્રેસના અન્ય સભ્યો ને પેટા પ્રશ્નો પૂછવાની છૂટ આપીને તે પ્રશ્નો ના પણ સંતોષકારક જવાબો આપ્યા હતા. જોકે, ઘણા મુદ્દે ગજગ્રાહ, આક્ષેપો અને અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા સભ્યોને ગેરમાર્ગે દોરાતા હોવાની રજૂઆતો પણ થઈ હતી. પણ એકંદરે પ્રમુખે પ્રથમ પ્રશ્નોતરી ની તેમની સામાન્ય સભા સંતોષકારક રીતે ચલાવી હતી.

૧૩ હજારના કેમેરાના ૭૬ હજાર, કામ શરૂ કર્યા વગર બીલ અને સારવાર માટે ઉઘરાવાતા રૂપિયા કોંગ્રેસના આક્ષેપો થી સોપો

કોંગ્રેસે જિલ્લા પંચાયતના શિક્ષણ, આરોગ્ય અને બાંધકામ વિભાગ માં ભ્રષ્ટાચાર ના આક્ષેપોની ઝડી વરસાવતા અનેક સવાલો પૂછ્યા ત્યારે અધિકારીઓ ને જવાબ આપવો ભારે પડી ગયો હતો. જાહેર કામો માં ભ્રષ્ટાચાર ના આક્ષેપો થી ખુદ ડીડીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તો, ભાજપ ની પ્રતિષ્ઠા પણ હોડ માં મુકાઈ હતી. પૂર્વ પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા અને સતત બીજી ટર્મ શિક્ષણસમિતિના ચેરપર્સન છાયાબેન ગઢવીના કાર્યકાળ દરમ્યાન કચ્છની ૨૦૦ સરકારી શાળાઓ માં સીસીટીવી કેમેરા લગાડવામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. ૧૩ હજારના સીસી ટીવી કેમેરા ના ૭૬ હજાર રૂપિયા ખર્ચીને કુલ ૧ કરોડ ૯૦ લાખનો ભ્રષ્ટાચાર ભાજપે કર્યો છે એવું કહેતા હઠુભા સોઢા અને વી કે. હુંબલે આક્ષેપ કર્યો હતો કે એક વર્ષ થયું કેમેરા લગાડ્યા પછી પણ શિક્ષકોની હાજરી ગેરહાજરી ચેક કરાઈ નથી. જિલ્લા બહાર શિક્ષકોને બદલવામાં શિક્ષક મંડળ ની ભૂમિકા સામે સવાલ કરાયો હતો. આરોગ્ય તંત્ર વિરુદ્ધ આક્ષેપ કરતા વી. કે. હુંબલે કહ્યું હતું કે બાલસખા યોજના હેઠળ પ્રસુતિ માટે ખાનગી હોસ્પિટલો ને મફત પ્રસુતિ કારાવવાની સૂચના છતાંયે અંજાર મા વાત્સલ્ય હોસ્પિટલ દ્વારા વાલ્મિકી પરિવાર પાસે પૈસા પડાવાયા આરોગ્યતંત્ર ની સાંઠગાંઠ ના કારણે અનેક હોસ્પિટલો આવી રીતે પૈસા પડાવે છે. જોકે, કોંગ્રેસના આક્ષેપો નો ખુલાસો કરવામાં આરોગ્યતંત્ર ના અધિકારીઓ નિષફળ રહ્યા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે ગત આરોગ્ય સમિતિ ના ચેરપર્સન અને ચાર સભ્યોની ગેરહાજરી વચ્ચે એક સભ્ય ની બેઠક બોલાવીને ઠરાવો મજુંર કરી દેવાયા વી. કે. હુંબલ ના આ આક્ષેપો વચ્ચે અધિકારીઓએ પણ આ વાત સ્વીકારતા પ્રમુખ સહિત સૌને મુંઝાયા હતા. કિશોરસિંહ જાડેજાએ પિંગલેશ્વર રોડ ઉપર ઝાડી કટીંગ કરાયા વગર બીલ મંજુર કરાયા ના મુદ્દે તેમ જ વિંઝાણ ગામે આંગણવાડી નું બાંધકામ શરૂ નથી થયું તે પહેલાં જ બાંધકામ શરૂ કરી દેવાયું હોવાની અપાયેલી માહીતી બાબતે જિલ્લા પંચાયત બાંધકામ વિભાગના અધિકારીઓ ભેરવાયા હતા. તકીશા બાવાએ ઘાસચારાની અછત ના કારણે ગૌશાળા પાંજરાપોળ વાળા ઓને ઉપવાસ કરવા પડે તે ઘટનાને ખેદજનક ગણાવી હતી. વી. કે. હુંબલે ગાયોની વાતો કરનાર ભાજપ સરકારના રાજમાં ઘાસચારાની અછત ને દુઃખદ હોવાનું જણાવી જિલ્લા પંચાયત દ્વારા કલેકટર અને સરકારમાં રજુઆત કરવાનો આગ્રહ સેવ્યો હતો. ભાજપ વતી પ્રશ્નો રજૂ કરનારા એકમાત્ર સભ્ય કૌશલ્યાબેન માધાપરિયાએ માધાપર પંચાયત દ્વારા બાંધકામ ની અપાતી મંજૂરી ને પડકારતો સવાલ કર્યો હતો. જોકે, વિપક્ષી નેતા વી. કે. હુંબલે ભ્રષ્ટાચાર ના મુદ્દે હવે કોંગ્રેસ ઠરાવો ને ટેકો નહીં આપે તેવું કહીને જિલ્લા પંચાયત માં મંજુર કરાતાં તમામ ટેન્ડર , એજન્સીઓ અને ખર્ચની વિગત વિપક્ષ ને અપાય તેવી માંગ કરી હતી.

અંદાજપત્ર માટે વધારાની રકમની જોગવાઈ

પ્રમુખ લક્ષમણસિંહ સોઢાએ બિન ખેતી કેસના કેસ મા નિયમાનુસાર કામ ન થાય તો જિલ્લા પંચાયત દ્વારા લેવાતી ડિપોઝીટ ની રકમ તેમ જ અન્ય રોયલ્ટી ની આવક માંથી અંદાજપત્ર માટે રકમ ફાળવવવાની જોગવાઈ ની દરખાસ્ત કરી હતી. ડીડીઓ પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે આવી જ રીતે મળેલી ૧૦ કરોડ ₹ ની રકમ ફિક્સ ડિપોઝીટ મા મુકાઈ છે અને તેનું આવતું ૭૭ લાખ ₹ વ્યાજ સ્વંભંડોળ દ્વારા ખર્ચવામાં આવશે. આ સિવાય જિલ્લા પંચાયત ની મોબાઈલ એપ બનાવવાની દરખાસ્ત કરાઈ હતી. તો કચ્છ ના દસે દસ તાલુકા માં સ્માર્ટ બાલગૃહ બનાવવાની યોજના વિશેની દરખાસ્ત પણ કરાઈ હતી.