Home Current ગુંદાલા ગામના કેન્સરગ્રસ્ત ઈન્દિરાબેનની અનોખી ‘કૃષ્ણ ભક્તિ’…

ગુંદાલા ગામના કેન્સરગ્રસ્ત ઈન્દિરાબેનની અનોખી ‘કૃષ્ણ ભક્તિ’…

1556
SHARE
જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેના ભક્તિ ભાવ નો મહોત્સવ. જોકે, આમ જોઈએ તો શ્રાવણ મહિના ના પ્રારંભ પૂર્વે જ ‘હિંડોળા મહોત્સવ’ સાથે કૃષ્ણ ભક્તિ નો પ્રારંભ થઇ જાય છે. વાત જ્યારે હિંડોળા ની થઈ રહી હોય ત્યારે સ્વાભાવિકપણે આપણને દેવમંદિરો મા થતા હિંડોળા યાદ આવે જ. પણ, આજે વાત કરવી છે એક અનોખા કૃષ્ણ ભક્ત મહિલાની, અને તેમના દ્વારા જાતે તૈયાર કરાતા હિંડોળાની !!! આ કૃષ્ણ ભક્ત મહિલા નું નામ છે ઈન્દિરાબેન!!આવો જાણીએ આ ઈન્દિરાબેન અને તેમની અનોખી કૃષ્ણ ભક્તિ ની દાસ્તાન, જેને કેન્સર જેવી જીવલેણ બીમારી પણ ડગાવી નથી શકી!!

ગુંદાલાના રહેવાસી છે ઈન્દિરાબેન..

છેલ્લા ૪૦ વર્ષ થી મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામે રહેતા ઈન્દિરાબેન છગનલાલ ઠક્કર ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે જબરદસ્ત આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે. સામાન્ય દિવસોમાં દેવમંદિરો અને ઘેર કૃષ્ણ ભક્તિ કરતા ઈન્દિરાબેન પવિત્ર શ્રાવણ માસ પૂર્વે પોતાને ઘેર જાતે હિંડોળા બનાવે છે. અષાઢ વદ બીજ થી શ્રાવણ વદ બીજ સુધી સતત એક મહિનો ઈન્દિરાબેન પોતાને ઘેર જાતે જ હિંડોળા બનાવીને ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી ને હિંડોળે ઝુલાવે છે. જોકે, તેઓ બે મહિના પહેલા આ હિંડોળા માટે ની તૈયારી કરીને જાતે જ ભગવાન માટે ના વસ્ત્રો, સાફા, મુગુટ , સિંહાસન અને અન્ય અલંકારો સાથેની સામગ્રી જાતે જ તૈયાર કરે છે.
કૃષ્ણ ભક્તિ એ આપી કેન્સરને મ્હાત..
નવાઈ ની વાત તો એ છે કે છેલ્લા થોડા વર્ષો થી ઇન્દિરાબેન ને કેન્સર છે . પણ, આ જીવલેણ દર્દ માં પણ ઈન્દિરાબેનને કૃષ્ણ પ્રત્યેની તેમની અપાર શ્રદ્ધા એ નવું બળ આપ્યું અને કેન્સર ના દર્દ વચ્ચેય તેમની કૃષ્ણ ભકિત અવિરત ચાલુ રહી છે. છ માસ અગાઉ તેઓ ફરી બિમાર પડ્યા હતા પણ જેવા સ્વસ્થ થયા અને ફરી ૨ મહિના પહેલાથી તેમણે હિંડોળા ની તૈયારી શરૂ કરી દીધી હતી.
ઇન્દિરાબેન ને એક પુત્ર પાર્થ અને એક પુત્રી રાધિકા છે . તેમના પતિ છગન ભાઈ ઠક્કર નું થોડા વર્ષો પહેલા દુઃખદ નિધન થઈ ચૂક્યું છે. અત્યારે ૬૫ વર્ષ ની વય ના ઇન્દિરાબેન અગાઉ શિક્ષિકા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. હિંડોળા દરમ્યાન દરરોજ સવાર અને સાંજ તેમના દ્વારા નિયમિત આરતી કરવામાં આવે છે. આ વર્ષે ઇન્દિરાબેને જાતે ગોવર્ધન પર્વત અને હિમાલય પર્વત પર બિરાજમાન શંકર –પાર્વતી નાનમન મોહક હિંડોળા બનાવ્યા છે , તો દ્વારકા જતાં સુદામા ને કૃષ્ણ ભગવાન ગાડા પર લઈ જાય છે અને કૃષ્ણ ભગવાન ની ઝૂંપડી ના હિંડોળા બનાવ્યા છે. વિશેષ આકર્ષક છે, કૃષ્ણ ભગવાન ના વિવિધ પ્રકાર ના પાંચ ઝુલા, રાધાક્રૂષ્ણ ની ઝૂંપડી, નંદ -જશોદામૈયા ના હિંડોળા, મીરાં બાઈ ના વિવિધ પહેરવેશ તેમજ કદંબ ના વૃક્ષ ઉપર કૃષ્ણ ભગવાન સાથેના હિંડોળા મન મોહી જાય છે . ૬૫ વર્ષની વયે કેન્સરની બીમારી વચ્ચે ઇન્દિરા બેન ને આ બધા હિંડોળા જાતે કેમ બનાવી લો છો એવું પૂછતાં તેમણે તમામ શ્રેય ભગવાન શ્રી કૃષ્ણ ને આપતા કહ્યું હતું કે, શામળિયા ની માયા અકળ છે, એ જ વિશ્વનો તારણહાર છે. આ વખતે જન્માષ્ટમી ના તેમના દ્વારા જાતે કારાગૃહ બનાવવામાં આવ્યું છે અને એ કારાગૃહ માં કૃષ્ણ ભગવાન નો જન્મોત્સવ ઉજવવામાં આવશે. ઇન્દિરા બેન કહે છે કે જીવન માં ગમે તેવી વિકટ પરિસ્થતિ આવે. મુશ્કેલીઓ આવે પણ, આત્મવિશ્વાસ અને હિંમત થી પોતાની શ્રદ્ધા ના બળે મનુષ્ય અશક્ય કાર્ય ને શક્ય બનાવી શકે છે. ગુંદાલા ના વતની ઇન્દિરા બેન ના પુત્ર પાર્થ ભાઈ ઠક્કર મુન્દ્રા લોહાણા યુવક મંડળ ના પ્રમુખ છે અને ઇન્દિરાબેન ના વેવાઈ પ્રવીણચંદ્ર ગણાત્રા મુન્દ્રા ના જાણીતાં એડ્વોકેટ છે.પાર્થ ભાઈ મુન્દ્રા ની સેવાભાવી જન સેવા સંસ્થા દ્વારા થતા માનવીય સેવાના કાર્યોમાં સહયોગી રહ્યા છે.