પોતાના ધંધા ના વિકાસ માટે રૂપિયા વ્યાજે લેવા સમયે ધ્યાન નહિ રાખનારાઓ માટે મુશ્કેલી ઉભી થાય છે ત્યારે તેઓ કાયદાને શરણે જાય છે. આવા કિસ્સાઓ કચ્છમા વધી રહ્યા છે હવે નખત્રાણા અને ભુજ પણ અત્યારે અમદાવાદ રહેતા પરિવારે જિલ્લા કલેકટર રેમ્યા મોહન પાસે વ્યાજખોરો થી બચાવવા મદદ માંગી છે. જેમાં નખત્રાણા ના પરિવારે અનશન ની તો પહેલા ભુજ ના પણ અત્યારે અમદાવાદ રહેતા પરિવારે આત્મવિલોપન ની ચીમકી ઉચ્ચારી છે. આજે કલેકટરને આ અંગે મૌખિક તેમ જ લેખિત માં રજુઆત કરવા પરિવાર સાથે આવેલા વ્યાપારીઓએ નામ જોગ વ્યાજખોરો વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા.
૧૧ મી થી પરિવાર સાથે અનશન..
નખત્રાણા માં સૂર્યા સિડ્સ ના નામે વ્યાપાર ચલાવતા કાનજી અરજણ રૈયાણી એ સુરેશ શંભુદાન ગઢવી, શૈલેષ લખધીર ગઢવી, શંભુદાન જશરાજ ગઢવી વિરુદ્ધ તેમને ૪૧ લાખ ૫૦ હજાર ₹ વ્યાજ ચૂકવ્યું હોવાનું જણાવીને આ શખ્સો એ તેમની ખેતીની જમીન ગીરો રાખીને ₹ આપ્યા હતા. પણ, હવે કબજો કરી લીધો હોવાનું તેમ જ માલ, ઉપરાંત ગોડાઉન નો કબજો લઈ લીધો હોવાનું અને માલ ચોરી વેંચી નાખ્યો હોવાનું, હજી પણ ૨ કરોડ ₹ માગતા હોવાનો આક્ષેપ કર્યો છે. પૈસા વસૂલવા ધાકધમકી કરાતી હોવાની ફરિયાદ નખત્રાણા પોલીસને કર્યા પછી પોતાને ન્યાય ન મળ્યો હોવાનો આક્ષેપ કરીને કાનજી રૈયાણીએ કલેકટર તેમ જ ડીએસપી સમક્ષ પોતાને વ્યાજખોરો થી બચાવી પોતાની મિલકત ના રક્ષણ માટે મદદ માંગી છે. સાથે આવેદન પત્ર મા જણાવ્યું છે કે જો ન્યાય નહી મળે તો તેઓ ૧૧/૯ થી નખત્રાણા ડીસી ઓફિસ સામે પરિવાર સહિત અનશન ઉપર ઉતરશે.
હાલે અમદાવાદ રહેતા ભુજ ના વ્યાપારીએ આપી આત્મવિલોપન ની ચીમકી
ભુજ મા સતનામ ટાયર્સ ના નામે દુકાન ધરાવનારા હાલે અમદાવાદ રહેતા બે પટેલ દંપતીએ તેમને વ્યાજખોરો ના ત્રાસ થી ધંધો મુકવો પડ્યો હોવાનું અને હવે જીવવું મુશ્કેલ હોવાનું જણાવ્યું છે. પટેલ હસમુખ ગાભુભાઈ સરનામું આદર્શ ફ્લોરા એપાર્ટમેન્ટ, ભોજલધામ એપાર્ટમેન્ટ, નિકોલ રોડ અમદાવાદ દ્વારા તેમના પત્ની લક્ષમી બેન, પટેલ ભરત ગાભુભાઈ અને તેમના પત્ની તારાબેન ના નામે કલેકટર રેમ્યા મોહન સમક્ષ રૂબરૂ અને લેખિત મા રજુઆત કરી છે. તે મુજબ ભુજ ના આશિષ ટાયર્સ ના નામે દુકાન ધરાવતા મહેશ ગંગારામ ઠક્કર વિરુદ્ધ આક્ષેપો કર્યા છે. સાથે ફરિયાદ માં તેમના ભાણેજ તરીકે એડવોકેટ અમિત અશ્વિન ઠક્કર નો ઉલ્લેખ પણ કર્યો છે. તેમણે કરેલા આક્ષેપ પ્રમાણે તેમની વિરુદ્ધ ભુજ બી ડીવીઝન પોલીસ માં તેમ જ ભુજ કોર્ટ માં ૧૩૮ હેઠળ એક જ રકમ માટે બે અલગ ફરિયાદ કરાઇ હોવાનું જણાવાયું છે. ૨ લાખ ૭૬ હજાર રૂપિયા ચૂકવવાના આદેશ સામે પોતે તેટલી રકમ ઉપરાંત વ્યાજ ના ૧ લાખ ૨૪ હજાર ચૂકવી દીધા હોવાનો દાવો કર્યો છે. પણ, તેમની મિલકત પચાવી પડાઈ હોવાનું તેમ જ અન્ય વ્યાજખોરો તેમના નામ પોતે હવે આપશે એવું જણાવી તમામ પોતાને પરેશાન કરે છે એવો આક્ષેપ કર્યો છે. તેમણે આ સંબધિત તમામ જગ્યાએ ફરિયાદ કરી છે પણ ન્યાય ન મળતા હવે આત્મવિલોપન કરવું પડશે એવું રજુઆતમાં જણાવ્યું છે.
વ્યાજે રૂપિયા લેતા પહેલા સાવધાની જરુરી..
આવા કિસ્સાઓ એ સૂચવે છે કે વ્યાજે રૂપિયા લેતા પહેલાં સાવધાની જરૂરી છે. જે તે વખતે રૂપિયા લે ત્યારે જે શરતો હોય તે અંગે ધ્યાન આપીને કાયદાકીય સલાહ લેવી જોઈએ. જેથી ભવિષ્યમા આપત્તિ ન સર્જાય. તો લાયસન્સ વગર ધીરધાર કરનારા કે ઊંચા વ્યાજે રૂપિયા આપનારા વ્યાજ ના ધંધાર્થીઓ એ પણ કાયદાનું પાલન કરવું જોઈએ.