Home Current ભુજ,અંજાર,આદિપુર,ભચાઉ મા ટ્યુશનિયા શિક્ષકો ઉપર દરોડા-કલેક્ટરના આદેશ પછી થયું શું?

ભુજ,અંજાર,આદિપુર,ભચાઉ મા ટ્યુશનિયા શિક્ષકો ઉપર દરોડા-કલેક્ટરના આદેશ પછી થયું શું?

2514
SHARE
જિલ્લા મા વ્યાપક પ્રમાણમાં સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળા ના શિક્ષકો દ્વારા ચાલી રહેલા ટ્યુશન કલાસીસ ના દૂષણ સામે કચ્છ ના શિક્ષણતંત્રએ પ્રથમ જ વાર એક સાથે વ્યાપકપણે ટીમો બનાવીને કચ્છના ચાર મુખ્ય શહેરો માં દરોડા પાડ્યા હતા. એક તબક્કે શિક્ષણ વિભાગની આ વ્યાપક તપાસે સમગ્ર કચ્છ ના શિક્ષણ જગત માં હલચલ સાથે ખળભળાટ મચાવી દીધો હતો. દરોડાની કાર્યવાહીએ ટયુશન કલાસ માં પણ તર્કવિતર્કો અને ચર્ચા જગાવી હતી.

પોલીસને સાથે રાખીને દરોડા તો પાડ્યા પણ…

જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ હાલે ભોપાલ છે તેમની ગેરહાજરી મા કચ્છ જિલ્લા માધ્યમિક શિક્ષણ કચેરીનો કાર્યભાર એડીઆઈ સ્નેહાબેન રાવલ અને વસંત તેરૈયા સંભાળી રહ્યા છે. દરોડાની આ કામગીરી વિશે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા વસંત તેરૈયા એ જણાવ્યું હતું કે જિલ્લા કલેકટર રેમ્યા મોહને સરકારી શિક્ષકો દ્વારા ચલાવતા ખાનગી ટયુશન કલાસ સામે આવેલી જૂની અને નવી ફરિયાદો સંદર્ભે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો તેને પગલે પોલીસ બંદોબસ્ત સાથે પાંચ જણાની એક ટીમ બનાવીને દરોડા પાડવામાં આવ્યા હતા કુલ પાંચ ટીમોએ અંદાજિત ૨૫ જેટલા ટયુશન કલાસીસ ની તપાસ હાથ ધરી હતી. જે પૈકી બે ટીમોએ ભુજ મા, અને અંજાર, આદિપુર તેમ જ ભચાઉ માં એક એક એમ ત્રણ ટીમો એ ટયુશન કલાસીસ ની તપાસ હાથ ધરી હતી. પણ, આટલી રઝળપાટ અને તપાસ પછી થયું શું? વસંત તેરૈયાએ શિક્ષણતંત્ર વતી સતાવાર ખુલાસો કરતા ન્યૂઝ4કચ્છ ને જણાવ્યું હતું કે એક પણ સ્થળોએ સરકારી શિક્ષકો ટયુશન કરતા ઝડપાયા નથી. હા, કલાસ મા વિધ્યાર્થીઓ હતા, પણ જેમના નામની ફરિયાદ હતી એ કોઈ શિક્ષકો નહોતા. ચાર શહેરોમાં નામ જોગ લેખિત ફરિયાદો હતી અને છતાં શિક્ષણ તંત્રના દરોડા મા કોઈ ઝડપાયું નહીં? વસંત તેરૈયા એ તેનો જવાબ આપતા એ કબૂલ્યું હતું કે ફરિયાદો સરકારી શિક્ષકો ના નામ જોગ હતી,પણ ટયુશન કરતા કોઈ ન ઝડપાયું તેનું કારણ માહીતી લીક થતા શિક્ષકો આડા અવળા થઈ ગયા હોય એ હોઈ શકે તેમ જ માતૃછાયા વિદ્યાલયના શિક્ષક હિમાંશુ બારોટ ભુજ માં થી ઝડપાયા તેને પગલે પણ સરકારી શિક્ષકો ચેતી ગયા એ કારણ પણ હોઈ શકે. જોકે, ટયુશન કલાસની આજુબાજુ રહેતા લોકોની વાત માનીએ તો જે બધાને દેખાય છે તે સરકારી તંત્ર ને દેખાતું નથી. જોકે, હિમાંશુ બારોટ ની તરફેણ માં કરાયેલા વિદ્યાર્થીઓ નો વિરોધ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે તેમની સાથે સંકળાયેલા જ વિદ્યાર્થીઓ વિરોધ માં જોડાયા હતા જોકે, અત્યારે તો શિક્ષણ વિભાગ એવું કહે છે કે સરકારી શિક્ષકો સામે ટયુશન અંગે ની આવતી નામજોગ ફરિયાદો માં તંત્ર કાર્યવાહી કરશે. હવે, આગળ શું કાર્યવાહી થાય છે તે વિશે પણ કચ્છ ના શિક્ષણજગત મા અત્યારથી જ ચર્ચાનો મુદ્દો છે.