કચ્છી સાહિત્યકારો અને કચ્છી ભાષાના ચાહકો, તેમ જ કચ્છી બોલી બોલનારા કચ્છી માડુઓ એ ત્રણેય ના ત્રિવેણી સંગમ રૂપ કાર્યક્રમ ભુજ મધ્યે યોજાઈ ગયો. કચ્છ યુનિવર્સિટી ને આંગણે યોજાયેલા આ કાર્યક્રમ મા ખાસ મહેમાન હતા ગુજરાત સાહિત્ય અકાદમી અને કચ્છી સાહિત્ય અકાદમી બન્ને ના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા !! કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તક ‘કચ્છી ભાષા’: સાહિત્ય એવં વિકાસ’ ના વિમોચન કાર્યક્રમ પ્રસંગે અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા એ લગ્ન વિધિ કચ્છી મા કરવાનું શા માટે કહ્યું તે વિશે જાણીએ તે પહેલાં ડો. કાંતિ ગોર ‘કારણ’ દ્વારા કચ્છી ભાષાના સર્જકોને અપાયેલ ચેતવણી, વરિષ્ઠ પત્રકાર કીર્તિ ખત્રીએ કરેલ મંથન અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ કચ્છી ભાષામાં કચ્છી માડુઓ ને કરેલ અપીલ વિશે જાણી લઈએ.
જો આપ કચ્છી છો તો આ અચૂક વાંચજો…
જાણીતા સાહિત્યકાર જ્યંતી જોશી ‘શબાબે’ વિમોચિત થયેલા પુસ્તક ‘કચ્છી ભાષા: સાહિત્ય એવં વિકાસ’ એ પુસ્તકમાં પ્રકાશિત લેખો વિશે પરિચય આપ્યો હતો. ૮ વર્ષ ના લાંબા ગાળા બાદ કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા આ કાર્યક્રમ થઈ રહ્યો હોવાના સમયગાળાને લાંબો ગણાવ્યો હતો. પ્રાસંગિક ઉદબોધન કરતા ડો. કાંતિ ગોર ‘કારણ’ દ્વારા કચ્છી બોલી અને ભાષા સંદર્ભે થતી લિપિ ની ચર્ચા કરનારાઓને આડે હાથ લઈને સવાલો કર્યા હતા કે, જો હિન્દી-મરાઠી બોલી ને ભાષા તરીકે દેવનાગરી મા અને અંગ્રેજી ને રોમન માં લખાતી હોય અને આપણે બધા તેનો સ્વીકાર કરતા હોઈએ તો વર્ષો થી કચ્છી ભાષા ગુજરાતી મા લખાતી હોઈ ગુજરાતી ભાષા જ કચ્છી ની લિપિ છે એવું ભારપૂર્વક જણાવ્યું હતું. પોતે ભાષા વિજ્ઞાન ના વિધાર્થી તરીકે દાવા સાથે ગુજરાતી જ કચ્છી ની લિપિ હોવાનું કહી રહ્યા હોવાનું ડો કાંતિ ગોરે કારણો સાથે જણાવ્યું હતું કે, ઇસ ૧૯૨૨ માં કલ્યાણીદેવી દ્વારા પ્રકાશિત થયેલ ભજન ની પુસ્તિકા હોય કે ત્યાર પછી નું કચ્છી સાહિત્ય સર્જન હોય તમામ મા ગુજરાતી લિપિ મા જ કચ્છી સાહિત્ય લખાયું છે. કચ્છી બોલી છેલ્લા ૪૦૦ થી ૫૦૦ વર્ષ થયાં બોલાય છે. કચ્છના જાણીતા સંતો મામૈદેવ અને મેકણદાદાએ પણ પોતાના પદો કચ્છી ભાષામાં રચ્યા છે. આ ઉપરાંત, જે બોલી નું દોઢસો કરતાંયે વધુ વર્ષ થી જે ભાષામાં સાહિત્ય લખાતું હોય એ ભાષા જ એ બોલીની લિપિ બની જાય છે આ મારો જવાબ કચ્છી બોલી ને લિપિ નથી એવી વાત કરનારાઓને છે એવી સ્પષ્ટ વાત ડો. કાંતિ ગોરે કરી હતી. કચ્છી ભાષા ને ટકાવવા માટે ગુણવત્તાસભર સાહિત્ય લખવા કચ્છી સર્જકોને કહેતા ડો. કાંતિ ગોરે આડેધડ લખાતા કચ્છી ભાષાના પુસ્તકો અંગે કચ્છી સર્જકોને ચેતવણી આપી હતી. તેમણે જૈન મુનિ શ્રી ભુવનચંદ્રજી મહારાજ દ્વારા કવિ તેજ ના કાવ્ય ના કરાયેલા અંગ્રેજી અનુવાદ ને ટાંકીને નવી પેઢી તેમ જ જૂની પેઢી ના કચ્છી સર્જકોને અંગ્રેજી તેમ જ હિન્દી મા કચ્છી સાહિત્ય નું સર્જન કરવા સૂચન કર્યું હતું. તો, કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા ૯ પુસ્તકો અને વીઆરટીઆઈ દ્વારા ૧૯ પુસ્તકો કચ્છી ભાષામાં પ્રકાશિત કરાયા હોવાનું જણાવીને વીઆરટીઆઈ ના ગોરધન પટેલ ‘કવિ’ ના સહયોગ પ્રત્યે આભારની લાગણી દર્શાવી હતી. વરિષ્ઠ પત્રકાર અને કચ્છી સાહિત્ય અકાદમીના પૂર્વ ચેરમેન કીર્તિ ખત્રીએ કચ્છી ભાષાના સૌ સાક્ષરોને સવાલ કર્યો હતો કે અત્યારે આપણે ક્યાં ઉભા છીએ? તેના ઉપર વિચાર કરવાની જરૂરત છે. ૨૦૧૦ ના સંમેલન ને પગલે પ્રથમ જ વાર કચ્છી સાહિત્યની નોંધ રાષ્ટ્રિયસ્તરે લેવાઈ અને માધવ જોશી ‘અશ્ક’ તેમ જ કવિ ‘તેજ’ ને ભાષા ગૌરવ એવોર્ડ મળ્યો હતો. પહેલાંની જેમ જ પ્રાથમિક શિક્ષણ દરમ્યાન કચ્છી ભાષા સાથે કચ્છનો ઇતિહાસ તેમ જ ભૂગોળ ભણાવવાની જરૂરત છે. પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ પોતાના સહયોગની ખાત્રી આપતા ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર ની પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલ સ્થાપના વિશેના સંસ્મરણો તાજા કરીને કચ્છની વ્રજભાષા પાઠશાળા વિશે વાત કરી હતી.
લગ્નવિધિ કચ્છીમાં શા માટે?
સદગત અટલજી એ કચ્છી રામરાંધ જોઈ શું કહ્યું હતું?
ગુજરાતી તેમ જ કચ્છી સાહિત્ય અકાદમી ના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા એક જાણીતા પત્રકાર, વિવેચક પણ છે. તેમણે ૧૯૬૫ના કચ્છ સત્યાગ્રહ નો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તે સમયે સત્યાગ્રહ માટે કચ્છ આવેલા અટલજીએ તેરા(નલિયા) ના રામરાંધ ના કચ્છી કમાગર શૈલીના ચિત્રો નિહાળીને ખુશ થયા હતા જે રીતે ચિત્રોના માધ્યમ થી કચ્છી મા રામાયણ રચાઈ તેના ઉપર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનવી જોઈએ. કોઈ પણ બોલી ક્યારેય નષ્ટ થતી નથી. કચ્છી ભાષા પાસે ભલે લિપિ ન હોય પણ હોઠ તો છે જ. બોલી અને ભાષા ને જીવાડવા માટે અંદરના પ્રાણ ને ઉજાગર કરવા પડે એટલે કચ્છી ભાષા માટે પણ આપણે સહિયારા પ્રયાસો કરવા પડશે. જીવનમાં આવતા ઉત્સવો દ્વારા બોલી જીવંત રહે છે એવું કહેતા તેમણે ટકોર કરી હતી કે કચ્છી માડુઓ લગ્નવિધિ પોતાની માતૃભાષા કચ્છી મા કરે. કારણ? જો લગ્ન કચ્છી બોલી ના ઉચ્ચારો સાથે થયા હશે તો નવી પેઢી પણ કચ્છીને વધુ પ્રાધાન્ય આપતી થશે. આ ટાંકણે કચ્છી સાહિત્યકાર કાનજી મહેશ્વરી એ કહ્યું હતું કે કચ્છના મહેશ્વરી સમાજ મા બાળ જન્મ વિધિ, લગ્નવિધિ તેમ જ મૃત્યુ ની અંતિમ વિધિ પણ કચ્છી ભાષા મા કરાય છે. આ વાત ને ધ્યાને લઈને સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ તમામ કચ્છીઓ જાહેર ઉત્સવો દરમ્યાન તેમ જ પોતાના ઘેર આવતા ઉત્સવો દરમ્યાન કચ્છી ભાષાને પ્રાધાન્ય આપે તેવી ટકોર કરી હતી. કચ્છમા કચ્છી સાહિત્ય અકાદમી નું કેન્દ્ર અને કચ્છી ભાષાના પુસ્તકોનું વેચાણ કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી વિષ્ણુ પંડ્યાએ કચ્છની નવી પેઢીને કચ્છી ભાષામાં સાહિત્ય સર્જન કરવાની તક આપવા અપીલ કરી હતી.
એક કચ્છી તરીકે કચ્છ કોર્નર વિશે જાણો..
કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.બી. જાડેજાએ કચ્છી ભાષામાં જ પ્રવચન કરતા કહ્યું હતું કે ભુજમાં કચ્છ યુનિવર્સિટી ના ભવન મા ‘કચ્છ કોર્નર’ ઉભું કરાયું છે. જેમાં અત્યાર સુધી ચાર આંકડાની સંખ્યા માં કચ્છી પુસ્તકો છે. લોકો તેમની પાસે ના કચ્છી સાહિત્યના પુસ્તકો ની કચ્છ યુનિવર્સિટીને ભેટ આપે તેવી અપીલ તેમણે કરી હતી. કચ્છ કોર્નર કચ્છી ભાષા વિશે સંશોધન કરનારાઓ માટે હંમેશા ખુલ્લું રહેશે. આ અવસરે કાનજી મહેશ્વરીની વાર્તા ‘રિખીયો’ ને દ્વિતીય પારિતોષિક તેમ જ લાલજી મેવાડા ના નિબન્ધ ‘સ્વપ્ન’ ને દ્વિતીય પારિતોષિક અર્પણ કરાયા હતા. તો, રાજયમંત્રી વાસણભાઇ આહીર, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય ની ઉપસ્થિત માં કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા પુસ્તક ‘કચ્છી ભાષા: સાહિત્ય એવં વિકાસ’ નું વિમોચન કરાયું હતું. પ્રારંભ માં સ્વાગત પ્રવચન કરતા અકાદમીના મહામાત્ર અજયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, અકાદમીએ છ માસમાં ૧૦ હજાર થી વધુ પુસ્તકો લોકોની વચ્ચે પહોંચાડ્યા છે. છેવાડાના લોકોને સાહિત્ય સાથે જોડવાનું આયોજન થઈ રહ્યું છે. કાર્યક્રમ માં જાગુબા કેસરિયાનું વિશેષ સન્માન કરાયું હતું. કાર્યક્રમની આભારવિધિ જાણીતા કચ્છી સાહિત્યકાર ગૌતમ જોશીએ કરી હતી. જ્યારે સંચાલન રસિકબા કેસરિયાએ કર્યું હતું. આ પ્રસંગે ખાસ સિંધી અને કચ્છી કવિઓ ના મુશાયરાનું આયોજન કરાયું હતું. સાહિત્યરસિકોએ મનભરીને કવિઓની રચનાઓ ને માણી હતી.