Home Current અછતના ઓળા વચ્ચે અધિકારીઓ ગેરહાજર રહેતાં કોંગ્રેસ ભાજપના સભ્યોએ મુંદરા તાલુકા પંચાયત...

અછતના ઓળા વચ્ચે અધિકારીઓ ગેરહાજર રહેતાં કોંગ્રેસ ભાજપના સભ્યોએ મુંદરા તાલુકા પંચાયત ની સામાન્યસભા કરી રદ

864
SHARE
સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર ભલેને કચ્છની અછતની પરિસ્થિતિની ચિંતા અને દાવો કરે પણ મુંદરા તાલુકાનો વહીવટ જ જાણે આ બધાથી અલગ છે. કારણકે, આજે ૨૬/૯ ના મુંદરા તાલુકા પંચાયતની સામાન્યસભા ની બેઠક હતી. પંચાયત પ્રમુખ દશરથબા નટુભા જાડેજા સહિત ભાજપ અને કોંગ્રેસના બધા જ સભ્યો મુંદરા તાલુકા પંચાયતની કચેરીએ સમયસર આવી ગયા હતા.સામાન્ય સભાના સચિવ એવા તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના અન્ય સ્ટાફ પણ સામાન્ય સભામાં આવી ગયો હતો. પણ તાલુકામાં અલગ અલગ સરકારી વિભાગનો વહીવટ સંભાળતા રાજ્ય સરકારના વિવિધ કચેરીના તાલુકા કક્ષા ના વડા અધિકારીઓ જ બેઠક માં ન પહોંચ્યા. એટલે મુંદરા તાલુકા પંચાયતના ચૂંટાયેલા શાસકપક્ષ ભાજપના અને વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ સામાન્યસભા રદ કરી હતી.

ગુડ ગવર્ન્સના કર્મયોગી અધિકારીઓ શાસકપક્ષ ભાજપને પણ ગાંઠતા નથી?

મુંદરા બેઠક ઉપરથી ચૂંટાયેલા કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય સલીમ જતે ન્યૂઝ4કચ્છ ને જણાવ્યું હતું કે તેઓ પણ પ્રજાકીય પ્રતિનિધિ તરીકે લોકોના અછતના પ્રશ્નો અંગે રજુઆત કરવા તાલુકા પંચાયતની સામાન્ય સભા મા ગયા હતા. પણ થયું એવું કે મુંદરા તાલુકામાં અછતના કારણે પાણી અને ઘાસચારાને લગતા ખુદ ભાજપના સભ્યોના પ્રશ્નો પણ થોકબંધ હતા તો કોંગ્રેસના સભ્યોના પ્રશ્નો પણ ઘણા હતા. આ સિવાય ગામડા ના સરપંચો પણ પોતાના પ્રશ્નો રજૂ કરવા આવ્યા હતા. પણ, આ બધી સમસ્યાઓ ના જવાબ આપનારા અધિકારીઓ જ હાજર નહોતા. એટલે મુંદરા તાલુકા પંચાયતમાં સતાનું સુકાન સંભાળતા શાસકપક્ષ ભાજપના વર્તમાન પ્રમુખ દશરથબા જાડેજા વતી પૂર્વ પ્રમુખ રણજીતસિંહ જાડેજાએ એલાન કર્યું હતું કે આ સામાન્ય સભા શાસકપક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ બંનેના સયુંકત નિર્ણયથી રદ કરવામાં આવે છે.

કઈ કઈ સરકારી કચેરીના તાલુકાકક્ષાના અધિકારીઓ હાજર રહેવું પડે છે?

તાલુકા પંચાયતની સામાન્યસભા મા તાલુકા મામલતદાર, નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન વિભાગ (પંચાયત), નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) મુંદરા/અંજાર, નાયબ કાર્યપાલક ઈજનેર પાણી-પુરવઠા, સંકલિત બાળવિકાસ અધિકારી આસીસીડીએસ મુંદરા, તાલુકા શિક્ષણ પ્રાથમિક અધિકારી મુંદરા, નાયબ કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગ મુંદરા/અંજાર, નાયબ ઈજનેર પીજીવીસીએલ મુંદરા, પશુપાલન અધિકારી તબીબ મુંદરા/ભદ્રેશ્વર, મેડિકલ ઓફિસર વાંકી/ભુજપુર આ અધિકારીઓએ હાજર રહેવાનું હોય છે અને તાલુકા કક્ષાએ થી પ્રજાકીય પ્રતિનિધિઓ દ્વારા જે કંઇ પ્રશ્નો આવે કે રજૂઆતો આવે તે અંગે થયેલ કામગીરી અથવા તો હવે હાથ ધરાનાર કામગીરી વિશે જવાબ આપવાના હોય છે. તેમ જ લોકપ્રશ્નો અને સમસ્યાનું ઉપર જિલ્લા કક્ષાએ પણ ધ્યાન દોરવાનું હોય છે. પણ, આ અધિકારીઓ પૈકી મોટાભાગના અધિકારીઓ ગેરહાજર જ રહે તો શું કરવું? સામાન્યસભાનો પણ મતલબ શું રહે? એટલે અધિકારીઓની ઉપેક્ષાથી કંટાળેલા મુંદરા તાલુકા પંચાયત ના ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ સાથે મળીને સામાન્યસભા જ રદ કરી દીધી હતી.

ભાજપ પોતાનો ઉકળાટ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ, કલેકટર અને ડીડીઓ પાસે ઠાલવશે, ગેરહાજર અધિકારીઓને નોટીસ આપશે..

મુંદરા તાલુકા પંચાયતના સભ્ય અને પૂર્વ પ્રમુખ રણજીતસિંહ જાડેજાએ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતાં પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, મુખ્યમંત્રી એ અછત જાહેર કરી છે ત્યારે તાલુકાના ઘાસકાર્ડ, ઘાસ, પાણી અને રોજગારી સહિતના અછતના પ્રશ્નો અધિકારીઓ ગેરહાજર રહે તો કોની પાસે અમે રજૂ કરીએ. હવે તાલુકા વિકાસ અધિકારી સચિવ તરીકે બધા ગેરહાજર અધિકારીઓને નોટીસ આપશે. તો, અધિકારીઓ સતત બીજી સામાન્યસભા માં ગેરહાજર રહ્યા છે એ અંગે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી નું ધ્યાન દોરીશું. આ ઉપરાંત માંડવી મુન્દ્રા ના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પાસે પણ રજુઆત કરીશું. રણજીતસિંહ જાડેજાએ સામાન્યસભા રદ કરવાનો નિર્ણય ભાજપ અને કોંગ્રેસ ના સભ્યો ની સહમતિ થી કરાયો હોવાનું ન્યૂઝ4કચ્છને જણાવતાં સરકારી અધિકારીઓની ઉપેક્ષા સામે ઉકળાટ અને નારાજગી વ્યક્ત કરી હતી.