Home Social “રૂડો ગરબો રે..”-નોરતા મા માટીના કલાત્મક ગરબાઓ સાથે “મા” ની આરાધના

“રૂડો ગરબો રે..”-નોરતા મા માટીના કલાત્મક ગરબાઓ સાથે “મા” ની આરાધના

1335
SHARE
નવરાત્રિ શરૂ થવાને હવે બસ ગણત્રીનો જ સમય છે ત્યારે આદ્યશક્તિ મા અંબા ની આરાધના સાથે હજીયે માટીના ગરબાની પરંપરા જળવાઈ રહી છે. આ લખવાનું કારણ એ છે કે, આજે આપણા મોટાભાગના તહેવારો મા ચાઈનીઝ બનાવટ ની આઇટમો આવી ગઈ છે, પતંગ, માંજો, ફટાકડા, રંગોળી સ્ટીકર, હોળી ના રંગો, પિચકારી એ બધા તહેવારો દરમ્યાન ચાઈનીઝ પ્રોડક્ટ થી બજાર ઉભરાય છે. પણ, નોરતા મા માટીના ગરબા તો આપણા સ્થાનિક માટીકામ કરતા કુંભાર પરિવારો જ બનાવે છે. કચ્છ ની વાત કરીએ તો મુસ્લિમ કુંભાર પરિવારો ભારે હેત અને ભાવ સાથે માટી ના ગરબા બનાવે છે. જે હિંદુ પરિવારો ઉત્સાહપૂર્વક ખરીદે છે. ધર્મ આરાધના નું આ પર્વ બંને કોમ ની એકતાનું પ્રતીક પણ છે. ભુજની બજારોમા માટીના ગરબાની ખરીદી શરૂ થઈ ગઈ છે. ત્યારે માટીકામ ના જાણીતા કસબી અબ્દરેમાન અલીમામદ કુંભારે આ વખતે ખાસ કચ્છી સંસ્કૃતિ દર્શાવતા આભલાવાળા ગરબા બનાવ્યા છે. નાની મોટી એ દરેક સાઈઝ માં અને વિવિધ રંગો મા મળતા અબ્દરેમાન કુંભાર દ્વારા બનાવાયેલા આ આકર્ષક ગરબાઓ ની ભારે ડિમાન્ડ રહે છે. માટીકામ ના કસબી અબ્દરેમાન કુંભાર ની માટીકલા ની પ્રશંસા નરેન્દ્ર મોદી થી માંડીને અનેક મહાનુભાવો કરી ચુક્યા છે. આજે પણ સામાન્ય પરિસ્થિતિ ધરાવતા માટીકામ ના કસબી અબ્દરેમાન કુંભાર કોઈ પણ તસ્વીર ને માટીકલા દ્વારા આબેહૂબ સાકાર કરી શકે છે. તેના દ્વારા અનેક યાદગાર કલાકૃતિઓ બનાવાઈ છે.

ભુજ ના ગરબા ગુજરાતની સાથે છેક મુંબઈ સુધી પણ પહોંચે છે..

અબ્દરેમાન કુંભાર ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા કહે છે કે, એક ગરબો બનાવવામા તેમના પરિવારના દરેક સભ્યનું યોગદાન હોય છે. માટી એકઠી કરવી, તેને ગુંદવી, ચાકડા પર આકાર આપવો, નિભાંડા મા પકાવવું, પછી રંગ કરવો અને તેને કલાત્મક સ્વરૂપ આપવું આ બધું જ મહેનત માંગી લે તેવું કામ છે. ગરબો ખરીદનાર લોકો કલાને સમજે તેવી લાગણી વ્યક્ત કરતા માટીકામના આ કસબીને વસવસો છે કે, સરકારની અનેક યોજનાઓ છતાંયે તેમના જેવા કસબીઓ સુધી આ યોજનાઓ પહોંચતી નથી. પરિણામેં, આજે પણ તેમના જેવા કસબીઓને ગરબા વેંચવા રસ્તા ઉપર બેસવું પડે છે. આ વખતે તેઓ પોતે ભાનુશાલીનગર પાસે ભુજ હાટ ની બહાર ગરબા વેચશે તો તેમના જૈફ વયના પિતા અલીમામદભાઈ કુંભાર પ્રમુખસ્વામીનગર વિસ્તાર મા જાહેર રોડ પર પાથરણા પાથરીને ગરબા વેંચશે. જોકે, કડવી વાસ્તવિકતા વચ્ચે પણ અબ્દરેમાન કુંભાર ને એક સંતોષ પણ છે કે, માટીકલા ના અમુક ચાહકો છેક અમદાવાદ, સુરત, રાજકોટ અને મુંબઈ થી પણ તેમની પાસેથી ખાસ કલાત્મક ગરબા મંગાવે છે.