રાજ્ય સરકાર દ્વારા પંચાયતી તલાટી કેડર ને અન્યાય કરાતો હોવાની લાગણી સાથે રાજ્યભર ના તલાટીઓ એ છેલ્લા એક મહિનાથી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. દરેક જિલ્લાઓમાં આવેદનપત્ર, પેન ડોઉન, માસ સીએલ અને ધરણા એમ ચાર તબક્કાઓ માં વિરોધ કર્યા બાદ તલાટીઓ એ હવે સરકારની સામે પાટનગર ગાંધીનગર મા જંગ છેડયો છે. આજે ૬ ઠી ઓક્ટોબરે રાજ્યભર ના તલાટીઓ ગાંધીનગર માં ઉમટી પડ્યા હતા. આ વિરોધ કાર્યક્રમ મા કચ્છના તલાટી મંડળ ના આગેવાનો પ્રમુખ રાજુભા જાડેજા, નરેન્દ્ર શ્રીમાળી, દર્શન જોશી સહિત અન્ય આગેવાનો પણ જોડાયા હતા તો કચ્છના અલગ અલગ ગામોના તલાટીઓ પણ આ ધરણાં કાર્યક્રમ માં ભાગ લેવા ગાંધીનગર પહોંચી ગયા હતા. રાજ્ય માં ઘણા સમય બાદ તલાટી કેડર દ્વારા તેમને થતા અન્યાય વિરુદ્ધ સામુહિક રીતે વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે. રાજ્ય સંગઠનના પ્રમુખ ભરતભાઈ ડાંગર દ્વારા જયાં સુધી તેમના પ્રશ્નો ન ઉકેલાય ત્યાં સુધી સૌ તલાટી મિત્રોને સંગઠિત પણે વિરોધ કરવા હાકલ કરાઈ હતી.
શુ છે તલાટીમહામંડળ ની માંગણીઓ?
રાજ્ય તલાટી મહામંડળના ઉપપ્રમુખ અને કચ્છ તલાટી મંડળ ના પ્રમુખ રાજુભા જાડેજાએ ન્યૂઝ4કચ્છ સાથે કરેલી વાતચીત મા તેમની માંગણીઓ સંદર્ભે માહીતી આપી હતી. મહેસુલી તલાટીઓ ની અપેક્ષાએ અન્યાય,ગ્રેડ પે,પડતર પ્રશ્નો ઉકેલવા રાજ્યભરના તલાટીઓ ની માંગ છે.
જિલ્લા પંચાયત હસ્તક કામ કરતા ગ્રામ પંચાયત ના અને શહેરી વિસ્તારના સીમ તેમ જ શહેર તલાટીઓ ને મહેસુલી તલાટીઓ ની સરખામણીએ સતત અન્યાય કરાય છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ ફરજ બજાવતા મહેસુલી તલાટીઓને ગ્રામ પંચાયત મા ફરજ બજાવવાનો સરકારી આદેશનો જોબ ચાર્ટ હોવા છતાંયે તેઓ ગ્રામ પંચાયત મા ફરજ બજાવતા નથી. મહેસુલી તલાટીઓ ના જોબચાર્ટના કામો નો આગ્રહ પંચાયત તલાટીઓ પાસે થી રખાય છે. સરકારે ૪૧૯૯ મહેસુલી કર્મચારીઓને ફરી વાર તા/૧૨/૯/૧૭ થી પ્રતિ નિયુક્તિ ઉપર મુક્યા છે. પણ, તેની સામે તેઓ કોર્ટ મા ગયા છે. તેમને ૪૪૦૦ નો ઉચ્ચતમ પગાર ગ્રેડ મળે છે છતાં ગ્રામ પંચાયત કક્ષાએ મહેસુલી તલાટીઓનું કામનું વધારાનું ભારણ અને બોજો પંચાયતી તલાટીઓએ જ વેઠવો પડે છે. મહેસુલી તલાટીઓ ને નાયબ મામલતદાર તરીકે બઢતી મળી શકે છે પણ તેમના જ સંવર્ગ મા આવતા એક જ ગ્રેડ ના પંચાયતી તલાટીઓ ને વર્ષો સુધી બઢતી મળતી નથી અને જ્યારે વર્ષો પછી બઢતી મળે છે ત્યારે પંચાયત વિસ્તરણ અધિકારી તરીકે મળે છે. જે મા પણ અન્યાય થાય છે. તેને બદલે સરકારે વિસ્તરણ અધિકારી ઉપરાંત તેની સમકક્ષ જગ્યાઓએ સમાન પે સ્કેલ સાથે સહકાર, આંકડા, નાયબ ચિટનીશ તરીકે પંચાયતી તલાટીઓને બઢતી આપી વર્ષો પછી ની નોકરી બાદ બઢતી ની તકોને વ્યાપક બનાવવી જોઈએ. ૨૦૦૬ ના ફિક્સ પગાર ના તલાટીઓને ગ્રેડ નો લાભ અપાય છે તે જ રીતે ૨૦૦૪ ના ફિક્સ પગાર મા જોડાયેલા તલાટીઓને ગ્રેડ નો લાભ આપવા માંગણી કરાઈ છે. જેથી તેમના પેન્શન ના અને અન્ય હક્કો જળવાઈ રહે.
પોતાની માંગણીઓ અને પડતર પ્રશ્નો તરફ સરકારનું ધ્યાન ખેંચવા અને ઉકેલવા માટે આ વખતે પંચાયતી કર્મચારીઓ મક્કમ છે.