કચ્છના લોકપ્રિય લોકનેતા એવા વાસણભાઇ જેટલા તેમના સાલસ સ્વભાવ અને અવનવા ભાષણોને લઇને ચર્ચામા રહે છે. તેટલાજ ચર્ચામાં તેઓ બેફામ નિવેદનોને લઇને રહે છે. તે પછી કચ્છને પાકિસ્તાનમાં સમાવી દેવાની વાત હોય કે પછી જાહેર મંચ પર થી વિરોધીઓને ખુલ્લી ધમકી આપવાની વાત હોય, તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં ધુમ મચાવે છે. જો કે આ વખતે તો તેમને હદ જ કરી નાંખી હાલ માં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સહિત કચ્છની મુલાકાતે પણ આવ્યા હતા, અને મોટી જનમેદની જોઇ વાસણભાઇ પર વારી ગયા હતા. પરંતુ આ શું? વાસણભાઇ જાણે તે વાહવાહી થી ફુલાઇ ગયા હોય તેમ અંજાર ખાતે તાલુકા ભાજપની મળેલી કારોબારી બેઠકમાં બેફામ નિવેદનો આપવાનુ ચાલુ કરી નાંખ્યુ. જો કે, ખુદની વાહવાહી તો વાસણભાઇએ કરી જ, પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગઢ એવા રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં 75% ખુરશી ખાલી હોવાનો દાવો કરી નાંખ્યો!!
ભાજપની કારોબારી બેઠકમાંથી વિડીયો વાયરલ થઇ ગયો
શિસ્ત અને અનુશાસનમા માનતી ભાજપ પાર્ટી ભલે ગમે તેટલા દાવા કરતી હોય. પરંતુ, ભાજપની આંતરીક બેઠકમાં થયેલી ચર્ચા અને તેમા વાસણભાઇ આહિરે કરેલા વિવાદીત નિવેદનનો વિડિયો આજે વાયરલ થઇ ગયો હતો. વાસણભાઇ અંજાર તાલુકાની કારોબારી બેઠકમાં આગામી ચુંટણી સંદર્ભે માર્ગદર્શન સાથે ચુંટણીની રણનીતી અંગે ચર્ચા કરવાના હતા. પરંતુ, સ્પીચની શરૂઆત સાથે તેઓએ પહેલા વડાપ્રધાનની મુલાકાત અંગે વાત શરૂ કરી અને શરૂઆતમાંજ કહ્યુ કે હાલમાંજ વડાપ્રધાન ની ગુજરાત મુલાકાત દરમ્યાન કચ્છની તેમની જાહેરસભામાં ભરચક જનમેદની આવી હતી. જ્યારે રાજકોટ કે ખુદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનુ ગઢ ગણાય છે.ત્યા 75% ખુરશી ખાલી હતી. તો, વાસણભાઇએ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, કોઇ પણ જીલ્લાની મુલાકાત બાદ વડાપ્રધાને ફોન કર્યો હોય તેવા એકમાત્ર તેઓ ધારાસભ્ય છે. અને અજારની સભા પુર્ણ કરી દિલ્હી પહોંચ્યા બાદ ખુદ વડાપ્રધાને તેમને ફોન કર્યો હતો જે એક રેકોર્ડ હોવાનો દાવો વાસણભાઇએ કર્યો હતો.
વિડીયોના સંપુર્ણ અંશો જોતા ચોક્કસપણે એવુ માની શકાય કે વાસણભાઇ સભાને સફળ બનાવનાર કાર્યકરોનો ઉત્સાહ વધારતા હતા. પરંતુ તેમા સ્વપ્રશંસા નો ભાવ થોડો વધુ હતો, અને એટલેજ પોતાના વખાણ સાથે મુખ્યમંત્રીના ગઢમા વડાપ્રધાનની સભા નિષ્ફળ ગઇ હોવાનો તેઓએ ઉલ્લેખ કર્યો. ચોક્કસ તે સત્ય હશે. પરંતુ, આ મુદ્દે વાસણભાઇનુ પુછાણુ પ્રદેશકક્ષાએથી લેવાય તો નવાઇ નહીં….