Home Current ભાજપના બે મહિલા નેતાઓના શાસનમાં કચ્છ જિલ્લા પંચાયતમાં એક કરોડનો ભ્રષ્ટાચાર? –...

ભાજપના બે મહિલા નેતાઓના શાસનમાં કચ્છ જિલ્લા પંચાયતમાં એક કરોડનો ભ્રષ્ટાચાર? – તપાસની માંગ

5215
SHARE
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલેને એમ કહેતા હોય કે, તેમના શાસનમાં ભ્રષ્ટાચાર બંધ થઈ ગયો છે. પણ, કચ્છ જિલ્લામા તો ખુદ ભાજપના શાસનકાળ માં જ થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોએ રાજકીય ખળભળાટ સર્જ્યો છે. આ આક્ષેપો કચ્છ જિલ્લા પંચાયત ના વહીવટ સામે થયા છે. જેમાં કઈ રીતે ભ્રષ્ટચાર થયો છે, તેના આધાર પુરાવાઓ પણ રજૂ કરાયા છે અને ડીડીઓ સમક્ષ સમગ્ર કૌભાંડની તપાસ ની માંગ કરીને ભ્રષ્ટાચાર આચરનારાઓ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ સહિતના કડક પગલાં ભરવાની માંગ કરાઈ છે.આમ તો ભ્રષ્ટાચારનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયો છે, પણ કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી. કે. હુંબલે જે રીતે આધારપુરાવાઓ રજૂ કરીને જિલ્લા પંચાયતના વડા એવા આઇએએસ અધિકારી પ્રભવ જોશીને જ તપાસ કરવાની માંગ કરી છે, તે જોતાં લાગે છે કે, કાળું ધોળું કંઈક તો છે જ !! વી. કે. હુંબલે મૌખિક તેમ જ લેખિત માં કરેલી રજુઆત અનુસાર ૨૦૧૬- ૨૦૧૭ ના સમયગાળા દરમ્યાન કચ્છ જિલ્લા પંચાયત સંચાલિત સરકારી શાળાઓ માં સીસી ટીવી લગાડવા ના કામગીરી મા આ કૌભાંડ આચરાયું છે. અમદાવાદ ની એશીયન સિસ્ટમ દ્વારા ૧૦૫ શાળાઓ મા સીસી ટીવી કેમેરા લગાડવામાં આવ્યા તેમ જ ભુજની સ્વસ્તિક ઇન્ફોટેક દ્વારા ૮૦ શાળાઓમાં સીસી ટીવી કેમેરા લગાડવામાં આવ્યા આ બંન્ને કંપનીઓ ને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીની ભલામણના આધારે કચ્છ જિલ્લા પંચાયત પાસે રહેલા શિક્ષણ ઉપકર ના ફંડ મા થી ૧ કરોડ ૩૮ લાખ ૯૦ હજાર ₹ ચૂકવાયા.

મહિલા નેતાઓનું હતુ શાસન – જાણો કઈ રીતે થયો ભ્રષ્ટાચાર?

વી. કે. હુંબલે લેખિત માં કરેલા આક્ષેપો ના આધાર પુરાવાઓ અને સીસી ટીવી લગાડનાર કંપનીઓ ને જે ઝડપભેર કોન્ટ્રાકટ અને એક સાથે લાખોનું પેમેન્ટ અપાયું તે બતાવે છે કે, ક્યાંક તો ભ્રષ્ટાચાર છે જ !! ટેન્ડર વગર જ એશીયન સિસ્ટમ, ૧૨૦૭, મેટ્રીક્સ બિલ્ડીંગ, એસ. જી. હાઈવે, અમદાવાદને ૧૦૮ શાળાઓમાં સીસી ટીવી લગાડવા માટે ૮૦ લાખ ૬૯ હજાર ₹ ચૂકવાયા. ૨૯/૮/૧૬ ના બીલ R/6-170040 ને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ ૩/૧૦/૧૬ ના પત્ર દ્વારા ચૂકવવા ભલામણ કરી અને માત્ર ૧૫ દિવસમાં જ ૧૮/૧૦/૧૬ ના ૮૦ લાખ ₹ ફટાફટ ચૂકવી દેવાયા. એજ રીતે, સ્વસ્તિક ઇન્ફોટેક, લાયન્સ ભવન સામે, હોસ્પિટલ રોડ, ભુજને ૮૦ શાળાઓ મા સીસી ટીવી કેમેરા લગાડવા માટે રજૂ કરાયેલ તા/૧૭/૫/૧૭ નુ બીલ SI/170545 ને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ૨૩/૫/૧૭ ના મંજૂરી પત્ર આપી દીધું અને ફટાફટ ૫૮ લાખ ₹ ચૂકવી દેવાયા. હવે ભ્રષ્ટાચાર નો વધુ એક પુરાવો આપતા વી. કે. હુબલે કેન્દ્રની ભાજપ સરકારના પરિપત્ર ને આધારે આક્ષેપ કર્યો છે કે, ખરેખર માન્ય એજન્સી ફૉરચ્યુંન માર્કેટિંગ દિલ્હી છે અને તેમના દ્વારા સીસી ટીવીના યુનિટનો ભાવ ૧૩ હજાર ₹ જ લેવાય છે. પણ, કચ્છ જિલ્લા પંચાયતે વગર ટેન્ડરે જે સીસી ટીવી યુનિટના ₹ ૭૬ હજાર (એશીયન, અમદાવાદ) અને ₹ ૭૨ હજાર (સ્વસ્તિક, ભુજ) ને ચૂકવ્યા છે, ઍટલે કે એક યુનિટ દીઠ ૬૦ હજાર ₹ વધુ આમ માત્ર ૩૮ લાખ ₹ ના કેમેરાના ૧ કરોડ ૩૮ લાખ ₹ ચૂકવીને કચ્છ જિલ્લા પંચાયતે ૧ કરોડ ₹ નો ભ્રષ્ટાચાર કર્યો છે. તેમ જ નિયમ પ્રમાણે જર્મન કંપનીના 2 મેગા પીક્સલના સીસી ટીવી કેમેરા લગાડવાને બદલે 1 મેગા પીક્સલ ના કેમેરા અને તે પણ હલકી ગુણવત્તાના લગાડાયા છે. એટલું જ નહીં હલકી ક્વોલિટીના કેમેરા લગાડ્યા ઉપરાંત અનેક શાળાઓ માં તો કેમેરા લગાડ્યા વગર જ બીલ વસુલ કરી લેવાયા છે. જો, આ આક્ષેપ જો સાચો હોય તો ખૂબ જ ગંભીર છે.હવે આ સમયગાળા ૨૦૧૬/૧૭ દરમ્યાન ડીડીઓ સી. જે. પટેલ હતા જ્યારે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કૌશલ્યાબેન માધાપરીયા તેમ જ શિક્ષણ સમિતિ ના ચેરપર્સન તરીકે છાયાબેન ગઢવી હતા. ભાજપ ના આ બંને મહિલા નેતાઓ તેની સ્વચ્છ છાપને કારણે વિધાનસભા ની ગત ચુંટણી દરમ્યાન દાવેદાર પણ હતા. કોંગ્રેસ દ્વારા સામાન્ય સભામાં પણ આ આક્ષેપો થયા હતા હવે, ફરીવાર જાહેરમાં આ આક્ષેપો થયા છે. ત્યારે કચ્છ જિલ્લા પંચાયત અને કચ્છ ભાજપ બંને સામે ભ્રષ્ટાચાર ના આક્ષેપોએ પડકાર સર્જ્યો છે. જોકે, આ આક્ષેપો સામે શાસક પક્ષ ભાજપ અને ડીડીઓ એ તપાસ કરીને સત્ય બહાર લાવવું જોઈએ. આથી અગાઉ રોડ કોન્ટ્રાકટ માં પણ કોન્ટ્રાક્ટરો ની ‘રીંગ’ બનાવી ને પૂરેપુરા ભાવે ટેન્ડર મંજૂર કરવા ની કાર્યવાહી વિપક્ષ કોંગ્રેસના કિશોરસિંહ જાડેજાએ નિષફળ બનાવી હતી. જોકે, તે સમયે જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા જયંત માધાપરીયા ચર્ચા મા રહ્યા હતા પણ, અંતે એ નિર્ણય રદ કરાયો હતો. ૨૦૧૯ પહેલા કચ્છ જિલ્લા ભાજપ માટે ભ્રષ્ટાચારના મુદ્દો એ ચિતાજનક છે, કારણ કે, ભુજ નગરપાલિકા નો વહીવટ હજીયે ભ્રષ્ટાચાર માં થી ઠેકાણે નથી પડ્યો.

કોંગ્રેસ ભાજપના પદાધિકારીઓ ને બેસવા નહીં દે..

જો વિપક્ષને અલગ ચેમ્બર નહી ફાળવાય તો કોંગ્રેસ ભાજપના પદાધિકારીઓ ને તેમની ચેમ્બર માં સુખે થી બેસવા નહીં દે. આજે જિલ્લા પંચાયતભવન ના રિસેપશન પાસે જ જમીન ઉપર પાથરણું પાથરીને બેસી ગયેલા વી. કે. હુંબલ અને કોંગ્રેસી આગેવાનો એ વિપક્ષને ચેમ્બર ફાળવવાની માંગ કરી હતી નહીં તો આજ રીતે પાથરણું પાથરીને જનતા દરબાર ભરવાની ચીમકી આપી હતી. વિરોધ દરમ્યાન વી. કે. હુંબલ સાથે તકીશા બાવા, નરેશ મહેશ્વરી, દેવેન્દ્રસિંહ જેઠવા, રવિન્દ્ર ત્રવાડી, રાજેન્દ્રસિંહ જાડેજા, ગની કુંભાર, રાજેશ ત્રિવેદી, હરીશ આહીર, અંજલી ગોર સહિત અન્ય કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.