આમતો કચ્છ માટે અછત એ કોઇ નવી વાત નથી પરંતુ લાંબા સમયે દુષ્કાળનો સામનો કરી રહેલા કચ્છમાં આ વર્ષે સ્થિતી થોડી વિકટ છે સરકાર પોતાના પ્રયત્નો કરી રહી છે પરંતુ કચ્છની ભૌગોલીક સ્થિતી અને પશુઓની વધુ સંખ્યા તેમા થોડી મુશ્કેલી ઉભી કરી છે જો કે હવે કચ્છમાં સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંતવાણીના કાર્યક્રમો થકી ગાયોને મદદ અને આગામી સમયમાં અછતની સ્થિતી થોડી હળવી બને તે માટે પ્રયત્નો શરૂ થયા છે કેટલાક કલાકરોએ ગૌ સેવા લાભાર્થે મફત કાર્યક્રમની જાહેરાત કરી છે તો ક્યાંક લોકડાયરા અને સંતવાણીના કાર્યક્રમો થકી અછતમાં ગાયોની મદદ માટે સુર રેલાયા છે કચ્છના સાંસદ ધારાસભ્ય અને અનેક ચુંટાયેલા પ્રતિનીધી અને સ્વૈચ્છિક સંસ્થાઓ આવા કાર્યક્રમો થકી ગાયોની મદદ માટે આગળ આવ્યા છે.
સંતવાણીમાં 21 લાખ ₹ એકઠા થયા બાદ સાંસદે કરી આ અપીલ
કચ્છમાં નુતન વર્ષના પ્રારંભ સાથે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ એક નવી પહેલ કરી છે શનિવારે તેમના ગામ સુખપર(રોહા) ખાતે નવા વર્ષના સ્નેહ મિલન સાથે સંતવાણીનુ આયોજન કરાયુ હતુ જેમાં જાણીતા લોક ગાયિકા ગીતા રબારીના કંઠે સંતવાણી યોજાઇ હતી જેમાં 21 લાખ ₹ ગાયોના લાભાર્થે એકઠા થયા હતા કચ્છના સાસંદે ખેડુતોને અપિલ કરી છે કે, આગામી સમયમાં જુવાર,બાજરી,મકાઇ નુ વધુ વાવેતર કરે અને સંતવાણીમાંથી એકઠી થયેલી રકમ ખેડુતોને જુવાર,બાજરી,મકાઇના બિયારણ માટે તેઓ વાપરશે જેથી પશુઓને ઘાસચારો મળી રહે તો મદદ માટે અન્ય સુઝાવ આવશે તો એકઠા થયેલા પૈસામાંથી મદદ માટે તૈયારી દર્શાવી છે.
કચ્છના ચુંટાયેલા આ પ્રતિનિધિઓ અને સમાજ પણ મદદ કરશે
કચ્છના સાંસદે જે રીતે ગાયોના લાભાર્થે સંતવાણીનુ આયોજન કર્યુ તે પહેલા કચ્છ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિયતીબેન પોકારે પણ આ પહેલા સંતવાણી યોજી 10.14 લાખ એકઠા કર્યા હતા તો લાભપાંચમના દિવસે મંત્રી વાસણભાઇ આહિરે પણ લોકડાયરાનુ આયોજન કર્યુ છે તો માધાપરના હિતેશ ખંડોર અને જૈન સમાજે પણ 24 તારીખે સંતવાણીનુ આયોજન કર્યુ છે, અને આગામી 14 તારીખે રઘુવંશી સમાજ દ્વારા પણ ખ્યાતનામ કલાકારો સાથે સંતવાણીનુ આયોજન કરાયું છે આ તમામ સંતવાણી ગૌ સેવાના લાભાર્થે છે તમામ આયોજકોએ જાહેર અપીલ દ્વારા લોકો પાસેથી સહયોગ માંગ્યો છે ગૌસેવા માટેના સંતવાણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા લોકોને અપીલ કરી છે.
કચ્છની અનેક સેવાભાવી સંસ્થાઓ, કલાકારો અને મહાજનો અલગ અલગ કાર્યક્રમો યોજી કચ્છની હમેંશા મદદ કરતા રહ્યા છે ત્યારે સરકારના પ્રયત્નો વચ્ચે હવે કચ્છમાંથી સંતવાણી થકી મદદના સુર રેલાયા છે, જે દુષ્કાળના કપરા સમયમાં પશુઓ અને પશુપાલકો માટે ચોક્કસ મદદરૂપ સાબિત થશે જો કે, જનપ્રતિનિધિઓએ આવા આયોજન સાથે સરકારમાંથી વધુ મદદ મળે તેવા પ્રયત્નો પણ કરવા જોઇએ, તે જરૂરી છે.