દિવાળીના સપરમા તહેવારો પૂર્ણ થયા અને આપ સૌને વિક્રમ સવંત ૨૦૭૫ ના પ્રારંભે ન્યૂઝ4કચ્છ દ્વારા શુભેચ્છાઓ!!! તે સાથે એક સવાલ પણ, આપે આ દિવાળીનો તહેવાર કઈ રીતે ઉજવ્યો? શું તહેવાર ની ઉજવણી માત્ર આપણી જાત પૂરતી કે પછી આપણા પરિવાર પૂરતી જ હોવી જોઈએ? આજે જ્યારે આપણ ને સૌને મોંઘવારી નો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે એક વાત એ પણ કરીએ કે, જે ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગ છે, તેણે કેવી રીતે તહેવારની ઉજવણી કરી હશે? એમના પણ બાળકોને આપણાં બાળકો જેવી જ તહેવાર ઉજવવાની હોંશ અને ઉત્સાહ હશે પણ મોંઘવારી ના કારણે તેઓ માટે દિવાળી જેવો મોટો તહેવાર પણ ઉજવવાની લાચારી અને ચિંતા હશે, પણ, ગરીબી ના અંધકાર વચ્ચે પણ કરુણા અને માનવીય સંવેદનાનો દિપક આજે ય ઝળહળે છે. વાત, વિદ્યાર્થીઓના માનવીય અભિગમ ની છે, જોકે, આ વિધાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હોઇ તેઓ આજે ભૂતપૂર્વ છે, પણ તેમણે માનવતાનો દિપક પ્રગટાવીને અભૂતપૂર્વ કામ કર્યું છે. સ્હેજ વિસ્તૃત જાણકારી સાથે વાત કરીએ તો, કચ્છના ડુમરા મધ્યે આવેલી નવોદય વિદ્યાલયના ભૂતપૂર્વ વિધાર્થીઓનું એક એલુમની એસોસિએશન કરીને સંગઠન છે, જેમા ગુજરાત ની અન્ય ત્રણ નવોદય વિદ્યાલયોની સાથે રાજસ્થાન તેમ જ હિમાચલ પ્રદેશ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ સંકળાયેલા છે. આ બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આ વખતે દિવાળીની ઉજવણી ગરીબ પરિવારો અને તેમના બાળકો ના ચહેરા ઉપર હાસ્ય રેલાવતા માનવતા ભર્યા કાર્ય સાથે કરી. ભુજ ના ઝૂંપડપટ્ટી વિસ્તારો ના પરિવારોને અનાજની કીટ, વાસણો, કપડા તેમ જ બાળકો માટે ફટકડાનું વિતરણ કરાયું હતું. આ સંવેદના ભર્યા કાર્યમાં ડુમરા(કચ્છ), ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, સુરત, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશની નવોદય વિદ્યાલયના ૨૦ જેટલા ભૂતપૂર્વ છાત્રો જોડાયા હતા. જોકે, આ છાત્રો વર્ષ દરમ્યાન અવારનવાર આવી માનવતાભરી ઉજવણી કરે છે. વાત ભલે નાનકડી હોય પણ તેનો સંદેશ સમાજ માટે પ્રેરણાદાયી છે. તહેવારોની સાચી ઉજવણી એ છે કે, આપણે ગરીબ પરિવારો અને ગરીબ બાળકોના ચહેરા ઉપર હાસ્ય લઈ આવીએ.
ઈક યે ભી દિવાલી થી, આ રીતે પણ કરાઈ ઉજવણી
ભુજના યુવા સામાજિક કાર્યકર મિતેશ શાહ ની પ્રેરણા થી કરુણા અને સંવેદનાના દીપ પ્રાગટય સાથે દિવાળીનો તહેવાર ઉજવાયો હતો. ભુજના એસ્ટેટ બ્રોકર હસમુખ મજેઠીયા એ જી. કે. જનરલ હોસ્પિટલમાં દરદીઓ માટે ત્રણ વ્હીલ ચેર અર્પણ કરી હતી. અસ્થિભંગ ની સારવાર માટે જી. કે. મા દાખલ થયેલા હસમુખ મજેઠીયા ને ખ્યાલ આવ્યો હતો કે કચ્છની મુખ્ય સરકારી હોસ્પિટલ અદાણી જી. કે. જનરલ માં દર્દીઓ માટે વ્હીલ ચેર નથી, એટલે તેમણે જાતે એક સાથે ત્રણ વ્હીલ ચેર ખરીદીને સામાજિક કાર્યકર મિતેશ શાહ ની મધ્યસ્થી થી અર્પણ કરી માનવીય અભિગમ સાથે દિવાળીની ઉજવણી કરી હતી. ભુજની પીપીસી ક્લબ મહિલા મંડળે ડાયાલીસીસ ના દર્દીઓની મદદ માટે ૨૫ હજાર ₹ નો ચેક તેમ જ અકસ્માત મા પોતાનો પગ ગુમાવી ચૂકેલા એક અપંગ વ્યક્તિ માટે વ્હીલ ચેર યુવા સામાજિક કાર્યકર મિતેશ શાહ ને અર્પણ કરી હતી. પીપીસી ક્લબ મહિલા મંડળના જ્યોતિબેન કોઠારી, કમળાબેન વ્યાસ, પ્રફુલાબેન દવે, રક્ષાબેન કોઠારી અને અન્ય મહિલા સદસ્યોએ દિવાળીની અનોખી ઉજવણી કરી હતી. પીપીસી ક્લબ દ્વારા પરાક્રમસિંહ જાડેજાની પહેલ થી અને મિતેશ શાહની મધ્યસ્થી થી અંધશાળા અને ચિલ્ડ્રન હોમ ના બાળકોને કપડાંની જોડી તેમ જ કાંડા ઘડિયાળ આપીને તેમના જીવન મા પણ તહેવારોની ખુશીનો રંગ ઉમેરવાનો સુંદર પ્રયાસ કરાયો હતો. આ ઉપરાંત પરાક્રમસિંહ જાડેજા અને પીપીસી કલબના અન્ય સભ્યોએ ભુજ ના દર્દીઓ ને મદદરૂપ બનવા માટે બે વ્હીલ ચેર,૩ લેટ્રીન ચેર, ૪ વોકર, ૩ એરબેડ અને ત્રિપાંખી તેમ જ ચાર પાંખી લાકડીઓ ભારત સેવા મંડળને મિતેશ શાહની પ્રેરણા થી આપી હતી. ભુજના જ્યોત્સનાબેન સોનાગેલા અને પાર્થ ઠક્કર દ્વારા દિવાળી ના તહેવારને અનુલક્ષીને ડાયાલીસીસ ના દર્દીઓ માટે ૯ હજાર ₹ તેમ જ પાંચ પરિવારો માટે રાશનકીટ મિતેશ શાહને અર્પણ કરાઈ હતી. તો, રસ્તો ભૂલી ગયેલા એક ગલુડીયાને ઘેરીને ચાર પાંચ કુતરાઓએ ઘાયલ કરી દીધો હતો. ઇજાગ્રસ્ત એવા ગલુડિયાની વહારે આવેલા મિતેશ શાહે 1962 કરુણા એમ્બ્યુલન્સ ની મદદથી પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ ભુજના અસ્મિતાબેન પટેલે રખડતા ભટકતા ગલુડિયાને પોતાના ઘેર લઈ આશ્રય આપીને એક મુંગા પશુનો જીવ બચાવીને તહેવારો દરમ્યાન પ્રેરણાદાયી માનવતાનું કાર્ય કર્યું હતું. ભુજના હિતેન વ્રજલાલ ગજકંધ દ્વારા અંધશાળા તેમ જ ચિલ્ડ્રન હોમના બાળકોને ફટાકડા આપીને તેમ જ નવા વર્ષના દિવસે સામાજિક કાર્યકર મિતેશ શાહ દ્વારા ફિલ્મ બતાવીને દિવાળીની ઉજવણી કરાઈ હતી.
મુન્દ્રામાં પણ કરાઈ તહેવારો ની અનોખી ઉજવણી…
મુન્દ્રાની જનસેવા સંસ્થા દ્વારા નવા વર્ષ ના સ્લમ વિસ્તાર ના જરૂરત મંદ લોકો ને ખીચડી, સેવ બુંદી, મીઠાઈ, કેડબરી, ચોકલેટ, બિસ્કિટ તેમજ જૂના કપડાં નું વિતરણ કરવામાં આવ્યું હતું .. ખીચડી માટે દાતા મુન્દ્રા લોહાણા યુવા મંડળ ના પ્રમુખ અને ૐસાંઈ મોબાઇલ પોઇન્ટ ના પાર્થ ભાઈ ઠક્કર અને સેવ બુંદી ના દાતા શ્રી ગણેશ ટ્રાવેલ્સ ના પ્રફુલ્લ ભાઈ ઠક્કર એ સંસ્થા ને સહયોગ આપ્યો હતો ..
મુન્દ્રા તાલુકા ના મોટી ખાખર ગામના સરપંચ પ્રભુભાઈ ગઢવી તરફ થી વિવિધ મીઠાઈઓ અને નાના ભૂલકાઓ ની વિવિધ આઇટમો નું વિતરણ કરવામાં આવ્યું હતું, અન્ય દાતાઓ તરફથી પ્રાપ્ત થયેલા જૂના કપડાં . રમકડાં . પગરખાં (અંદાજે 1000નંગ )નું જરૂરત મંદ લોકો માં વિતરણ કરવામાં આવ્યું હતું. ભાઈબીજના મુન્દ્રા ના સાગર ડિસ્ક એન્ટેના ના માલિક નારાણભાઈ કોટિયા (ખારવા ) ના પિતાજી સ્વ. કાનજીભાઈ વિશ્રામ ભાઈ કોટિયા ની દસમી પુણ્યતિથિએ શ્રમજીવી વસાહતના નાના ભૂલકાઓને દસ કિલો મીઠાઈનું વિતરણ જન સેવા સંસ્થાના સહયોગ થી કરાયું હતું.
મુન્દ્રા ના ઝરપરા ના વતની અને હરેશ કન્સ્ટ્રક્શન પેઢી ના માલિક વાલજીભાઈ લાખાણી ના જન્મદિવસ પ્રસંગે નગર ના 40જરૂરત મંદ લોકો ને જીવનજરૂરી વપરાશ ની 40રાશન ની કીટો આપવમાં આવી હતી. આમ, મુન્દ્રા માં પણ તહેવારોની ઉજવણી માનવતાભર્યા કાર્યો સાથે જન સેવા સંસ્થાએ કરી હતી.