પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોએ ફરી એકવાર ૨૦૧૯ ની રાજકીય ચર્ચા સાથે દેશભરના રાજકારણ માં હલચલ સર્જી દીધી છે. કદાચ પ્રથમ જ વાર તમામ ઓપીનીયન પોલ એકદમ સાચા પડ્યા છે. ચૂંટણી પરિણામો એ લોકો માં સૌથી મોટી કોઈ ચર્ચા છેડી હોય તો તે એ છે,કે શું ભાજપના વળતા પાણી શરૂ થઈ ગયા છે. શું ‘મોદી મેજીક’ ઓસરી રહ્યો છે? ૧૧ડિસેમ્બર ના ટીવી ન્યૂઝ ચેનલો અને સોશ્યલ મીડીયા કરતાંય સૌથી વધુ ,’હોટ ચર્ચા’ ચા ની હોટલ, ઓફિસો, બજારો માં અને જાહેર ચોરે અને ચૌટે લોકો વચ્ચે થતી ચર્ચાની છે, અને એ ચર્ચામાં આમ આદમી ભાજપ શા માટે હાર્યું તે વિશે પોતાનો મત વ્યક્ત કરી રહ્યો છે, સ્વાભાવિક છે કે, ભાજપ ના સ્ટાર પ્રચારક તરીકે નરેન્દ્ર મોદી હોઈ આ ચર્ચામાં તેમનું નામ પણ હોય જ!!
ભાજપ અને મોદીને શા માટે નિષ્ફળતા મળી? તમે શું માનો છો ?
૨૦૧૪ માં જે ત્રણ રાજ્યોએ નરેન્દ્ર મોદી ના અચ્છે દિન અને ૧૦૦ દિવસ માં મોંઘવારી હટાવવા ના વચન માં વિશ્વાસ રાખીને લોકસભા માં જ્વલંત વિજય અપાવ્યો હતો. ત્યાં ભાજપ શા માટે નિષ્ફળ રહ્યું? અત્યારે સતા વિરોધી લહેરની વાતો કરનારા ભાજપ ના પ્રવક્તાઓ ચૂંટણી પૂર્વે નરેન્દ્ર મોદી ના નામે અને કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલ વિકાસ ના દાવાઓ નામે ભાજપ ના વિજય ના દાવાઓ કરતા હતા. ખુદ ભાજપ ના સ્ટાર પ્રચારક ઈવા નરેન્દ્ર મોદી અને અમિત શાહ કોંગ્રેસ મુક્ત ભારત ની વાત કરી ને રાહુલ ગાંધી ની રાજકીય ક્ષમતા ને પડકાર ફેંકતા હતા. રામ મંદિર, ગૌ હત્યા, સર્જીકલ સ્ટ્રાઈક જેવા ચર્ચિત મુદ્દાઓ ભાજપ પાસે હતા, રાહુલ ગાંધી પાસે બેરોજગારી, ખેડૂતો, નોટબંધી, GST જેવા મુદ્દાઓ હતા. ભાજપ ના ઝંઝાવાતી પ્રચાર સામે કોંગ્રેસ નું પ્રચાર તંત્ર ધીમું હતું. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ ની ચૂંટણી ના પરિણામો નું રાજકીય રીતે વિશ્લેષણ કરીએ તો એવું કહી શકાય કે, કોંગ્રેસની જીત કરતાંયે ભાજપ અને મોદી ની હાર થઈ છે. હોમ સ્ટેટ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે માંડ માંડ પોતાની આબરૂ જાળવી રાખી પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ એ ત્રણેય રાજ્યો માં ભાજપ નો ગઢ ધરાશાયી થયો. આ સમય ભાજપ માટે આત્મમંથન નો છે. જે મધ્યમવર્ગે ભાજપ ને હંમેશા ખોબે ખોબે મત આપ્યા અને અચ્છે દિન ના વાયદાના ભરોસા સાથે ‘અબ કી બાર મોદી સરકાર’ ના સૂત્ર ને વધાવી તેમને જિતાડયા. મોદી શાસનના સાડા ચાર વર્ષ દરમ્યાન લોકો અચ્છે દિન ની રાહ જોતા રહ્યા, પણ અત્યારે લોકો પરેશાન છે, પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ ના ભાવવધારા થી!! નોટબંધી અને GST એ મોંઘવારી ને ઓર ભડકાવી, વ્યાપાર અને ઉદ્યોગ જગત માટે જબરી મંદી આવી. ખેડૂતો પરેશાન થયા, લોકો ની આર્થિક મુશ્કેલીઓ વચ્ચે લલિત મોદી, વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી ના નાણાકીય કૌભાંડો સામે સરકાર ની કામગીરી નબળી દેખાઈ. બીજી બાજુ નોટબંધી અને GST પછી મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ તેમ જ નાના વ્યાપારીઓ માટે ‘ઇન્સ્પેકટર રાજ’ નો દંડો સરકારે પછાડ્યો. ભ્રષ્ટાચાર નાબૂદ થયો એવી વાતો ભાજપ કરતું રહ્યું પણ આજેય પૈસા આપ્યા વગર લોકોનું કામ થતું નથી એવો આપણને સૌને અનુભવ છે, તે વચ્ચે સીબીઆઈ ના બે ઉચ્ચ અધિકારીઓ એ એકબીજા સામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા અને સીબીઆઈ જેવી સંસ્થા લોકો માં ચર્ચાનું કેન્દ્ર બની. નોટબંધી પછી બેંકો માં કરોડો રૂપિયા જમા થયા પણ ATM ખાલીખમ થયા, બેંકો માં પોતાના રાખેલા રૂપિયા ઉપાડવા જનારા લોકો ને પોતાના જ રૂપિયા ઉપાડવા સમયે મુશ્કેલી થઈ આજે પણ આ મુશ્કેલી યથાવત છે. સરકારીબેંકો માં લોકો નો વિશ્વાસ ડગમગી જાય એવી સ્થિતિ છે. બેરોજગારી પરાકાષ્ટા એ છે, લોક રક્ષક ની નોકરી માટે ગુજરાત જેવા વિકાસશીલ રાજ્યમાં પોણા નવ લાખ ઉમેદવારો અરજી કરે તે શું સૂચવે છે? અહીં, કાશ્મીર ની વણસતી પરિસ્થિતિ, સતા માટે પીડીપી સાથે ગઠબંધન અન્ય રાજ્યો માં કોંગ્રેસ, સપા કે બસપા જેવા અન્ય નેતાઓનો ભાજપ પ્રવેશ આવા અનેક નિર્ણયો થી જુના ભાજપી નેતાઓ અને કાર્યકરો નારાજ છે, ગુજરાત માં કુંવરજી બાવળીયા તેનું ઉદાહરણ છે.
ભાજપ માટે હજી મોડું નથી થયું..
૨૦૧૯ માટે કદાચ ભાજપ માટે હજીયે મોડું થયું નથી. કારણ કે, લોકો આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની કાર્યશૈલી થી પ્રભાવિત છે. પણ, સવાલ લોકોની અપેક્ષાઓ ને પૂર્ણ કરવાનો છે. મોંઘવારી એ મુખ્ય સમસ્યા છે. રિઝર્વ બેંક ના ગવર્નર અને વડાપ્રધાન ના આર્થિક સલાહકારો ના રાજીનામા વચ્ચે મોટો પડકાર વ્યાપાર, ઉદ્યોગ અને કૃષિ જગત ને મંદી માં થી બહાર કાઢવાનો છે. એફડીઆઈ માટે દરવાજા ખોલ્યા પછી ઘર આંગણે સ્વદેશી ઉદ્યોગો સામે પડકાર સર્જાયો છે. આવા અનેક મુદ્દે આત્મમંથન ની જરૂરત છે. વૈશ્વિક સ્તરે એક પ્રભાવી નેતાની છબી પ્રસ્થાપિત કરનાર નરેન્દ્ર મોદી દેશને નેતૃત્વ પૂરું પાડવા માટે સક્ષમ નેતા છે. એ હકીકત સૌ કોઈ સ્વીકારે છે.