Home Current ‘વન્ડર લેન્ડ’ કચ્છના મહેમાન બન્યા ક્રેન પક્ષીઓ – જાણો ક્યાં છે ‘ક્રેન’...

‘વન્ડર લેન્ડ’ કચ્છના મહેમાન બન્યા ક્રેન પક્ષીઓ – જાણો ક્યાં છે ‘ક્રેન’ નો પડાવ?

1519
SHARE
રણ, દરિયો, ડુંગર અને સપાટ જમીન ધરાવતું આપણું કચ્છ ખરા અર્થમાં ‘વન્ડર લેન્ડ’ (અદભુત) છે. દુષ્કાળ અને અછતની પરિસ્થિતિ વચ્ચે પણ વિન્ટર વિઝિટર્સ એવા વિદેશી પક્ષીઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છના મહેમાન બન્યા છે. જોકે, આ વિન્ટર વિઝિટર્સ બર્ડ્સ માં રૂપકડાં ક્રેન પક્ષીઓ મોટી સંખ્યા માં કચ્છ આવ્યા છે.આમ તો આ વખતે વરસાદ ના અભાવે કચ્છ ના જળાશયો ખાલી પડ્યા છે, એટલે આ ક્રેન પક્ષીઓએ જ્યાં પાણી છે, તેવી જગ્યાએ વાગડ માં પડાવ નાખ્યો છે. સામાન્ય રીતે ક્રેન પક્ષીઓ મોટા રણ ઉપરાંત છરી ઢંઢ તેમ જ પશ્ચિમ અને મદય કચ્છ માં જ્યાં નાના મોટા તળાવો કે ડેમ હોય ત્યાં પડાવ નાખે છે. પણ, આ વખતે અન્ય સ્થળોએ જળાશયો મા પાણી નથી, અને રાપર નજીક થી પસાર થતી નર્મદા ની કચ્છ બ્રાન્ચ કેનાલના લીક થતા પાણીના કારણે જળાશય ભરાતાં અહીં ક્રેન ઉપરાંત અન્ય યાયાવર પક્ષીઓ અહીં પડાવ નાખ્યો છે. જે પૈકી ‘ક્રેન’ પક્ષી સૌથી વધુ સંખ્યામાં આવ્યા છે. અત્યારે તો, ક્રેન ના મીઠડાં કલરવ થી રાપરનો સીમાડો ગુંજી રહ્યો છે. તો, આ યાયાવર પક્ષીઓ ને નિહાળવા પક્ષી પ્રેમીઓ રાપર આવી રહ્યા છે. આમ, વાગડ માં અત્યારે ‘ક્રેન’ નું આગમન બર્ડ્સ વોચર અને ટુરિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

જાણો ક્યાં થી કઈ રીતે ‘ક્રેન’ પક્ષીઓ આવે છે, કચ્છ?

વિદેશી અથવા તો યાયાવર પક્ષીઓને આપણે જોઈએ અથવા તો તેમના વિશે સાંભળીએ ત્યારે આપણે આનંદિત થઈએ છીએ. પણ, એ પક્ષીઓ વિશેની રોચક માહિતી આપણ ને વધુ રોમાંચિત કરે છે. કચ્છના વાગડ માં રાપર ના અતિથિ બનેલા ‘ક્રેન’ પક્ષી વિશે વધુ જાણવા ન્યૂઝ4કચ્છ એ જાણીતા પક્ષીવિદ યુવા ફોટોગ્રાફર કાર્તિક અશ્વિન પોમલ નો સંપર્ક કર્યો અને તેમણે તેના વિશે રસપ્રદ જાણકારી આપી. ક્રેન પક્ષીનું અંગ્રેજી નામ Demoiselle Crane ( Grus virgo) અને ગુજરાતી નામ કુંજ છે. ૩ ફૂટ થી ૫ ફૂટ ની ઊંચાઈ ધરાવતું આ પક્ષી છેક મધ્ય યુરેશિઆ, કાળા સમુદ્ર થી મોંગોલિયા અને મધ્ય ચીન થી શિયાળા ની કડકતી ઠંડી માં ઉત્તર થી ભારત અને પાકિસ્તાન તરફ થી હિમાલય પાર કરી ને કચ્છ પહોંચે છે. હજારો કિલોમીટર નો પંથ કાપીને કચ્છ આવતાં ક્રેન પક્ષીઓ હમેંશા સમૂહ (ગ્રુપ) માં જ હોય છે. તેઓ પોતાના પ્રવાસ દરમ્યાન આકાશ માં 16000 થી 26000 ફીટ ઉપર ઉડે છે. તેઓ કચ્છ ઉપરાંત ગુજરાત ના અન્ય સ્થળોએ પણ જાય છે. સામાન્ય રીતે નવેમ્બર પછી આવતાં આ પક્ષીઓ 3 થી 4 મહિના જેટલું રોકાઈ ને ફેબ્રુઆરી બાદ પરત વિદેશ પાછા ફરે છે.