Home Current  કન્‍યાકુમારીના કલેકટરે કચ્‍છ કલેકટરને મોકલ્‍યો પોસ્‍ટકાર્ડ : જાણો હકીકત શું છે..?

 કન્‍યાકુમારીના કલેકટરે કચ્‍છ કલેકટરને મોકલ્‍યો પોસ્‍ટકાર્ડ : જાણો હકીકત શું છે..?

2127
SHARE
કચ્‍છથી કાશ્‍મીર કે કચ્‍છથી કન્‍યાકુમારી સુધી ભારતની એકતા અને અખંડિતતાના અદ્દભૂત દર્શન થાય છે. દેશના દક્ષિણ છેડે છેક છેવાડે આવેલા કન્‍યાકુમારીના કલેકટર રાજા ગોપાલ સુન્‍કરાએ આપણા કચ્‍છનાં કલેકટર શ્રીમતી રેમ્‍યા મોહનને પણ એક પોસ્‍ટકાર્ડ પોસ્‍ટ કર્યો હતો. કચ્‍છીમાડુંઓને તેની હકિકત શું છે તે જાણવાની સ્‍હેજે ઉત્‍કંઠા હોય તે સ્‍વાભાવિક છે.
આ અંગેની હકિકત જિલ્‍લા કલેકટર શ્રીમતી રેમ્‍યા મોહનને મળેલા ટવીટ સંદેશના માધ્‍યમથી આપણે પણ જાણીએ. તાજેતરમાં ભારતના છેક દક્ષિણ છેડે આવેલા કન્‍યાકુમારી મેઇનલેન્‍ડ ખાતે અગાઉના ઐતિહાસિક ‘ત્રવનકોર અંચલ’ રજવાડી પ્રતિક ઉપસાવેલા ષટકોણ આકારના એવા જ  નવા જ પોસ્‍ટબોક્ષનું ઉદ્ઘાટન કરવાનો પ્રસંગ હતો. કન્‍યાકુમારીના જિલ્‍લા કલેકટર રાજા ગોપાલ સુન્‍કારાએ તેના ઉદઘાટન પ્રસંગે રાષ્‍ટ્રીય એકતાના પ્રતિકરૂપે પ્રથમ પોસ્‍ટકાર્ડ જમ્‍મુ-કાશ્‍મિરના સમાહર્તાને જયારે બીજો પત્ર ગુજરાતમાંથી કચ્‍છના સમાહર્તાને અને ત્રીજો પોસ્ટકાર્ડ કલેકટર, અંજવ (અરૂણાચલ પ્રદેશ)ને પોસ્‍ટ કરી મોકલ્‍યો હતો. જેના પ્રત્‍યુત્તરમાં કચ્છ જિલ્‍લા કલેકટર દ્વારા  કચ્‍છીમાડુંઓ વતી તે બદલ આભારની લાગણી પ્રગટ કરાઇ છે.
કચ્‍છથી કાશ્‍મિર કે કચ્‍છથી કન્‍યાકુમારી સુધીના દેશની એકતા અને અખંડિતતાના ગુંથાયેલાં તાણાં-વાણાં અને સુવાસ એ જ દેશની એકતાના દર્શન કરાવતી આ ઘટના સૌ ભારતીય નાગરિકો માટે એકતાના અદ્દભૂત સંદેશરૂપે આહ્લાદક લાગણી અનુભવવા અને ભારતની એકતાના ગૌરવ સમાન છે. ભારતીય હોવાના નાતે આપણે સૌ કોઇ દેશવાસીઓને તેનું ગૌરવ થાય તે સ્‍વાભાવિક છે.
‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ ના કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમના માધ્યમથી પત્ર લેખનની વિસરાઇ ગયેલી કળાને આ પ્રસંગે હેરીટેજ પોસ્ટબોક્ષના માધ્યમથી અહીં આવતા વિદ્યાર્થીઓ અને ટુરીસ્ટોને પ્રોત્સાહિત કરી દિલના લાગણીભર્યા શબ્દોને પત્રના માધ્યમથી વ્યકત કરવાની કલાને ફરીથી જીવંત કરવા આશા વ્યકત કરાઇ હતી.
સૌજન્ય-માહિતી બ્યુરો,ભુજ