Home Current જ્યારે વિદેશી મહેમાનને જોઈ દર્દીઓ પોતાનું દર્દ ભૂલી ખિલખિલાટ હસ્યા

જ્યારે વિદેશી મહેમાનને જોઈ દર્દીઓ પોતાનું દર્દ ભૂલી ખિલખિલાટ હસ્યા

1249
SHARE
હોસ્પિટલ એટલે દર્દ,પીડા અને કરુણાભર્યો માહોલ!! તેમાંયે ભુજની જીકે જનરલ જેવી સરકારી હોસ્પિટલમાં દર્દીઓના ધસારાના કારણે મોટાભાગે ચિંતાભર્યો અને ગંભીર માહોલ જોવા મળે છે. પરંતુ, આજે કંઈક અલગ જ માહોલ જોવા મળ્યો, તેનું કારણ હતું દાઢીધારી લાંબી લાલ ટોપી પહેરેલા વિદેશી મહેમાન!! જેને નિહાળીને નાના મોટા સૌ દર્દીઓ હોય કે પછી તેમના પરિવારજનો હોય બધા ના મોં ઉપર હાસ્ય જોવા મળ્યું, અને હા જે હસતા નહોતા તેમની પાસે જઈને આ વિદેશી મહેમાને લટકા મટકા કરી ગિફ્ટ આપીને પણ હસાવ્યા. આટલું વાંચ્યા પછી આપ સૌ વાંચકો સમજી જ ગયા હશો કે આજે ૨૫ મી ડિસેમ્બર નાતાલ છે, અને નાતાલ ના આ વિદેશી મહેમાન એ ‘સાન્ટા ક્લોઝ’ !! નાતાલ ની પરંપરા અનુસાર ‘સાન્ટા’ નું કામ છે, લોકો મા ખુશીઓ વહેંચવાનું, લોકોના ચહેરા ઉપર સ્મિતભર્યું હાસ્ય રેલાવવાનું!! અહીં હોસ્પિટલમાં ‘સાન્ટા’ બનનાર હતા 108 ની ‘ખિલખિલાટ’ એમ્બ્યુલન્સ ના અનિલ ગોસ્વામી. ‘સાન્ટા’ એ જી.કે. જનરલ હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડ, મેટરનીટી વોર્ડ સહિત તમામ વોર્ડ માં ફરીને સૌ દર્દીઓનું મનોરંજન કરી તેમનું દુઃખ ભુલાવીને તેમના ચહેરા ઉપર હાસ્ય રેલાવ્યું, તો જીકે હોસ્પિટલ ના પરિસરમાં પણ ‘સાન્ટા’ એ ફરીને દર્દીઓના પરિવારજનો અને ખબરઅંતર પૂછવા આવેલા સગાવ્હાલાઓને પણ ખુશ ખુશ કરી દીધા. ‘સાન્ટા’ એ ચોકલેટ વહેંચી ને સૌને સ્વસ્થ થવાની શુભેચ્છાઓ પાઠવી હતી.ભલે, આ પ્રયાસ નાનકડો હતો પણ તે સૌના દિલ માં એક નવી આશા અને એક નવો ઉમંગ જગાવતો ગયો. દુઃખ, દર્દ અને પીડા વચ્ચેય આપણે આપણા જીવન માં આનંદ શોધવાનો છે. એક આશાભરી મીટ અને હકારાત્મક વિચાર આપણી આવતીકાલ બદલી શકે છે. 108 ની ટીમનો આ પ્રયાસ અને ‘સાન્ટા’ નો સંદેશ આપણા સૌ માટે પ્રેરણાદાયી છે. ‘ક્રિસમસ ડે’ ની આ અનોખી ઉજવણીમાં પશ્ચિમ કચ્છ 108 ના ઇન્ચાર્જ જૈમીન પટેલ, જેસંગજી સોઢા અને સ્ટાફ જોડાયો હતો.