હવે ધીરે ધીરે કચ્છ નું પોલીસ તંત્ર પણ ટેક્નોલોજીને અપનાવી ને અપગ્રેડ થઈ રહ્યું છે. હવે, ભુજ માં મારી, તમાંરી કે શહેર ની મુલાકાતે આવેલા કોઈ પણ નાગરિક ની ઉપર પોલીસ ની નજર રહેશે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ભુજ ના મુખ્ય માર્ગો, ઉપરાંત જાહેર સ્થળો સહિત ની વ્યુહાત્મક જગ્યાઓએ સીસી ટીવી કેમેરા લગાડવામાં આવી રહ્યા છે. સીસી ટીવી ની ત્રીજી આંખ ને કારણે ભુજમાં લોકોની અવરજવર ઉપર પોલીસની નજર રહેશે. હવે શંકાસ્પદ તત્વો ની હિલચાલ, ક્યાંય કાયદો વ્યવસ્થાનું ઉલ્લંઘન થતું હોય તો તે પરિસ્થિતિ ઉપર પોલીસ નું નિયમિત મોનીટરીંગ રહેશે. જિલ્લા નું મુખ્ય મથક ભુજ આમ તો સરહદી વિસ્તાર ના કારણે સંવેદનશીલ શહેર છે. જોકે, પ્રમાણ માં શાંત એવા ભુજ શહેર માં છેલ્લા ઘણા સમય થી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે પડકાર સર્જાયો છે. હાલ માં જ ભુજ માંથી કાશ્મીરી યુવાનો ઝડપાયા હતા. ભૂતકાળ માં અનેકવાર બાંગ્લાદેશીઓ પણ ઝડપાઇ ચુક્યા છે. તે સિવાય જાહેરમાં મારામારી ના બનાવો હોય કે પછી હમણાં વધી રહેલા ચેન ની ચિલઝડપ ના કિસ્સાઓ, બનાવટી પોલીસ બની ને એકલદોકલ મહિલાઓ પાસે થી દાગીના ધૂતી લેવાના બનાવો માં ઉછાળો આવ્યો છે. હત્યા ના બનાવો પણ વણઉકેલ રહ્યા છે, ત્યારે સીસી ટીવી કેમેરા ના કારણે પોલીસ ની અસામાજિક તત્વો ઉપર નજર રહેશે.