કચ્છ આમ તો દાતાઓની દિલેરી માટે જાણીતું છે આજે વાત છે, આવા જ એક કચ્છી દાતાની દિલેરીની અને તેમના દ્વારા યોજાનારા શાહી સમૂહ લગ્ન ની!! આ દાતા છે, વિરેન્દ્રસિંહ જાડેજા, તેમના દ્વારા એક સાથે ૧૧૪ દીકરીઓનું કન્યાદાન કરાશે. શું છે આ સમગ્ર આયોજન? આવો જાણીએ આ શાહી સમૂહ લગ્ન સમારોહ વિશેની રસપ્રદ માહિતી.
હાથી સાથે ૧૧૪ સ્કોર્પિઓ કારમાં ૧૧૪ વરવધૂનો વરઘોડો..સોના,ચાંદી સાથેનો કરિયાવર..
કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આમ તો ઘણા સમયથી કચ્છમાં સમૂહ લગ્નો યોજાય છે. પણ, આ વખતે સમાજના પ્રમુખ અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ એક અનોખી પહેલ કરી છે, જે કચ્છના સમાજ જીવનમાં પણ ઐતિહાસિક સીમાચિહ્ન રૂપ હશે. શું છે આ સમગ્ર આયોજન? ભચાઉ મધ્યે કચ્છ ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણી જોરુભા રાઠોડ, સાવજસિંહ જાડેજા, મનુભા જાડેજા, પી.કે. જાડેજા, મહિલા આગેવાન ચેતનાબા જાડેજા સહિતના આગેવાનો ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા કહે છે કે, વિરેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા ભચાઉ મધ્યે એક સાથે ૧૧૪ દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે. એક જ વ્યક્તિ દ્વારા એક સાથે ૧૧૪ દીકરીઓના લગ્નનો ખર્ચ ઉઠાવવાનો આ પ્રસંગ કચ્છની સાથે ગુજરાત અને દેશમાં પણ ઐતિહાસિક હશે. ૨૩, ૨૪ અને ૨૫ જાન્યુઆરી એમ સતત ત્રણ દિવસ સુધી ચાલનારા આ સમૂહ લગ્ન શાહી ઠાઠ માઠ સાથે થશે. આ સમૂહલગ્ન સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂજ્ય મોરારીબાપુ, રાજ્ય સરકારના અનેક મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, રાજવી પરિવારો, વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે.
શું છે આ સમૂહલગ્ન પાછળ નો હેતુ?
આ વિશે ન્યૂઝ4કચ્છને વધુ માહિતી આપતા કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા ‘રાજાભાઈ’ કહે છે કે, મારા ભાઈ જયદીપસિંહ જાડેજા અને કાકાઈ બહેન પૂજાબા જાડેજાના લગ્ન પ્રસંગને અનુલક્ષીને મારા પિતાજી વિરેન્દ્રસિંહ જાડેજાએ નક્કી કર્યું કે, આ લગ્નની સાથે જ એક માંડવા તળે ૧૧૪ દીકરીઓના સમૂહલગ્ન કરીએ. એટલે અમારા પરિવારના બે લગ્ન સાથે લગ્નની સંખ્યા કુલ ૧૧૬ થશે. આ પ્રસંગે તમામ ખર્ચ અમારા પરિવાર દ્વારા જ કરાશે. ૨૩,૨૪ અને ૨૫ એ ત્રણ દિવસના આ સમૂહલગ્ન દરમ્યાન ૨૩ મીએ મામેરું અને રાત્રે માત્ર મહિલાઓ માટે સંગીત સંધ્યા, ૨૪ મીએ મંડપા રોપણ અને બપોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતમાં સૌ વર વધુ માટે આર્શીવાદ સમારોહ તેમ જ રાત્રે ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરાયું છે. જ્યારે ૨૫ જાન્યુઆરીના ભચાઉ ના દરબારગઢ માંથી હાથીની સાથે ૧૧૪ સ્કોર્પિઓ જીપમાં વર વધૂનો વરઘોડો નીકળશે. જેમાં ૫૦ હજાર જાનૈયાઓ જોડાશે. આ વરઘોડાનું આકર્ષણ દેશની શ્રેષ્ઠ ગણાતી ૧૧ બેન્ડ પાર્ટીઓ રહેશે. એક સાથે ૧૧૪ સ્કોર્પિઓ કાર ભેગી કરવી એ પણ પડકારરૂપ કામ છે. જોકે, વિરેન્દ્રસિંહ જાડેજા પરિવાર કન્યાદાનની સાથે તમામે તમામ ૧૧૪ દીકરીઓને સોના, ચાંદી ના આભૂષણો સાથે ઘરવખરી ની ચીજ વસ્તુઓ આપશે.
૧૧૪ દીકરીઓ ના લગ્ન !!વિરેન્દ્રસિંહ જાડેજાએ શું કર્યો હતો સંકલ્પ?
રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો ની સાથે ઉપસ્થિત રહેલા પૂર્વ પોલીસ અધિકારી પી. કે. જાડેજાએ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા વિરેન્દ્રસિંહ જાડેજા ના સંકલ્પની વાત કરી હતી. ૨૦૧૪ મા વિરેન્દ્રસિંહ જાડેજાએ ૧૦૧ દીકરીઓના લગ્ન કરાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમની ઈચ્છા હવે સાકાર થઈ રહી હોવાની ખુશી વ્યક્ત કરતા પી. કે. જાડેજાએ કહ્યું હતું કે, વિરેન્દ્રસિંહ જાડેજાના આ કાર્યથી અનેક લોકોને પ્રેરણા મળશે. વિરેન્દ્રસિંહ જાડેજાએ શા માટે એક સાથે ૧૦૧ દીકરીઓને પરણાવવા નો સંકલ્પ કર્યો? ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા કુલદીપસિંહ જાડેજા કહે છે કે, મારા પિતાજીને હમેંશા દીકરીઓ પ્રત્યે લાગણી રહી છે, ક્ષત્રિય સહિત અન્ય સમાજોના સમૂહ લગ્નોમાં પણ મારા પિતાજી આર્થિક અનુદાન આપતા રહ્યા છે આ વખતે અમારે ઘેર લગ્ન પ્રસંગમાં તેઓ પોતાના ૧૦૧ દીકરીઓ ના લગ્ન કરાવવા ના સંકલ્પ ને પૂરો કરી રહ્યા છે આ સમૂહલગ્ન સમારોહ માં મીડીયા સાથે સંકલનની જવાબદારી અઝીમ શેખ સંભાળી રહ્યા છે.