ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અભ્યાસની મર્યાદિત તક ધરાવતા કચ્છ જિલ્લા માં આવેલી એક માત્ર મેડિકલ કોલેજ માં કચ્છના વિદ્યાર્થીઓ માટે ૧૦ ટકા અનામત બેઠકોની જોગવાઈ સામે ધૂંધળું ભવિષ્ય લાગી રહ્યું છે. આ મુદ્દે કાયદાકીય જંગ લડી રહેલા કચ્છી અગ્રણી આદમ ચાકીએ આજે ભુજ મધ્યે પત્રકાર પરિષદ યોજીને સંગઠિત થઈને બિન રાજકીય લડત લડવા કચ્છી માડુઓ ને અપીલ કરી છે.
તો કચ્છના છાત્રોને ડોકટર બનવા ૫ લાખ નહીં પણ ૫૦ લાખ ચૂકવવા પડશે?
એડવોકેટ હનીફ ચાકી, ડો. રમેશ ગરવા, ઘનશ્યામસિંહ ભાટીની ઉપસ્થિતિમા યોજાયેલી પત્રકાર પરિષદમાં આદમ ચાકીએ વ્યક્ત કરેલી ચિંતા વિશે જાણીએ. ૮ વર્ષ થી કાયદાકીય જંગ લડી રહેલા આદમ ચાકીના જણાવ્યા પ્રમાણે દુનિયાભરમાં જાણીતા ઉદ્યોગ ગૃહ અને કચ્છમાં બંદર સ્થાપીને દેશમાં ટોપ ટેન અબજોપતિમાં સ્થાન મેળવનાર અદાણી ગ્રુપને સરકારે ભુજની સરકારી હોસ્પિટલ મેડિકલ કોલેજ કોલેજ ચલાવવા આપી. પણ, શરૂઆતથી જ નકારાત્મક વલણ દાખવનાર અદાણી ગ્રુપ સામે તેમણે કાયદાકીય જંગ છેડયો હતો. જે અંતર્ગત હાઇકોર્ટમાં ખુદ અદાણી ગેઇમ્સ વતી બકુલ ધોળકીયાએ કચ્છના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ ક્વોટામાં થી ૧૦ ટકા અનામત બેઠકો આપવા માટે એફિડેવિટ કરી આપી હતી. ૨૦૧૧ના હાઇકોર્ટમાં કરાયેલ એફિડેવિટનો અદાણી ગેઇમ્સ દ્વારા ૨૦૧૩ સુધી અમલ કરાયો નહી. એટલે ફરી પોતે(આદમ ચાકી એ) કન્ટેમ્પટ ઓફ કોર્ટની ફરિયાદ કરી પરિણામે હાઇકોર્ટે અદાણીને તેમની પોતાની એફિડેવિટ અનુસાર ૧૦ ટકા અનામત બેઠકો કચ્છના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાનો આદેશ કર્યો. પણ, તેનો’ય અદાણીએ અમલ ન કરતા પોતે કચ્છી તરીકે કચ્છના વિદ્યાર્થીઓના ભવિષ્યના હિત માટે ૨૦૧૩ માં સુપ્રીમ કોર્ટ માં ગયા. જે અંતર્ગત ચાર વર્ષ પછી ૨૦૧૭માં સુપ્રિમકોર્ટ દ્વારા ૧૦ ટકા અનામતના અમલનો નિર્ણય રાજ્ય સરકાર કરે તેવો ચુકાદો અપાયો. પણ, આ મુદ્દે કાયદાકીય જંગ જારી હોઈ સરકારે હજી સુધી કોઈ નિર્ણય આપ્યો નથી. તે વચ્ચે અદાણી દ્વારા હાઇકોર્ટમાં કચ્છના વિદ્યાર્થીઓ માટેનો અનામત ક્વોટા રદ કરીને પોતાને મેજમેન્ટ માટે આ ક્વોટા પરત મળે તેવી માગણી કરાઈ છે. અદાણી કચ્છના છાત્રોને વચન આપ્યા પછી ફરી જાય છે એ જાણવા મળતા પોતે આ અરજીને હાઇકોર્ટ માં પડકારી છે અને ૨૫ જાન્યુઆરી ૨૦૧૯ના તેની સુનાવણી છે એવુ શ્રી ચાકીએ જણાવ્યું હતું.
જો રાજકીય, સામાજિક આગેવાનો અને લોકો નહીં જાગે તો દર વર્ષે ૧૫ કચ્છી વિદ્યાર્થીઓ ડોકટર નહીં બની શકે
અદાણી ગ્રુપ કચ્છના કારણે જ કરોડો નું સામ્રાજ્ય ખડકી શક્યું છે પણ, કચ્છના છાત્રો માટે તે મેડિકલ કોલેજ માં ૧૦ ટકા બેઠક (માત્ર ૧૫ સીટ) અનામત રાખવાનો હાઇકોર્ટમાં આપેલા પોતાના જ સોગંદનામાનો અમલ કરવા તૈયાર નથી એટલે પોતે બિન રાજકીય લડત છેડી કચ્છના છાત્રોના ભવિષ્ય માટે આ પત્રકાર પરિષદ બોલાવી છે એવી સ્પષ્ટતા આદમ ચાકીએ કરી હતી પોતે કચ્છ ના રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસના પ્રમુખ, ધારાસભ્યો અને સાંસદને આ મુદ્દે એક થઇ ને કચ્છના હિત માટે લડત લડવા પત્ર લખ્યો છે એવું કહેતા આદમ ચાકીએ કચ્છના તમામ બુદ્ધિજીવી વર્ગને, સામાજિક સંસ્થાઓને અને લોકોને પણ એક થઈને ગાંધી ચીંધ્યા માર્ગે લડત લડવા અપીલ કરી છે જો, લોકો કચ્છના હિત ખાતર લડતના મંડાણ કરશે તો જ પોતે આ લડત આગળ ચાલુ રાખશે એવો ખુલાસો પણ આદમ ચાકીએ કર્યો છે જો, લોકો નહીં જાગે તો કચ્છની ભાવિ પેઢીને મોટું નુકસાન થશે અને દર વર્ષે ૧૫ કચ્છી વિધાર્થીઓ માત્ર સામાન્ય ફી ભરીને ડોકટર બનવાની તક ગુમાવશે એવી લાગણી શ્રી ચાકીએ વ્યક્ત કરી હતી અત્યારે મેડિકલ કોલેજની ફી સામાન્ય સંજોગોમાં ૩૫ થી ૫૦ લાખ થાય છે, જ્યારે અનામત બેઠકના કારણે એ ફી ઘટીને માંડ ૫ લાખ રૂપિયા આસપાસ થઈ શકે છે આદમ ચાકીએ અંતમાં એ પણ સ્પષ્ટતા કરી હતી કે, અદાણી પોતાના મેનેજમેન્ટ ક્વોટામાં થી માત્ર ૧૦ ટકા બેઠકો જ અનામત આપશે, બાકીની ૯૦ ટકા બેઠકોતો અદાણી પાસે જ રહેશે. વળી, સરકાર દ્વારા અન્ય જિલ્લાઓ માં મેડિકલ કોલેજમાં પણ આવી જ માગણી કરાશે એવી કરાતી દલીલનું ખંડન કરતા આદમ ચાકીએ જણાવ્યું હતું કે, ભુજ ની હોસ્પિટલ સહિતનું સંકુલ સરકારે બનાવી આપ્યું છે, વળી અદાણી કચ્છમાંથી કરોડો રૂપિયા કમાય છે એ જોતાં કચ્છના હિત માટે અદાણી જેવા મોટા ઉદ્યોગગૃહે સામે થી ૧૦ ટકા અનામત નો અમલ કરી ને દાખલો બેસાડવો જોઈએ.