Home Current છ ગુજરાતી સહિત કચ્છના અબ્દુલ ગફુર ખત્રીને પદ્મશ્રી : કચ્છના 3 સુરક્ષા...

છ ગુજરાતી સહિત કચ્છના અબ્દુલ ગફુર ખત્રીને પદ્મશ્રી : કચ્છના 3 સુરક્ષા કર્મીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક

2098
SHARE
પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન સમા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી જેમાંદેશભરના નામાંકિત વ્યક્તિઓ સાથે ગુજરાત સહિત કચ્છનો પણ સમાવેશ કરાયો છે। 6 ગુજરાતી વ્યક્તિ વિશેષને પદ્મશ્રી સન્માન મળ્યું છે જેમાં કચ્છના નિરોણાના અબ્દુલ ગફુર ખત્રીને પણ ચિત્રકલા (રોગાન)ના ક્ષેત્ર માટે પદ્મશ્રી માટેની પસંદગી કરાઈ છે ભારત સરકારે 4 હસ્તીની પદ્મવિભૂષણ, 14ની પદ્મભૂષણ અને 94ની પદ્મશ્રી માટે પસંદગી કરી છે. જે છ ગુજરાતીને પદ્મશ્રીની જાહેરાત થઈ છે તેમાં કલા-ચિત્રના ક્ષેત્રમાં જ્યોતિ ભટ્ટ, સમાજસેવા બદલ મુક્તાબેન ડગલી, લોકનૃત્ય-સાહિત્ય અને કલામાં જોરાવરસિંહ જાદવ, કચ્છના અબ્દુલ ગફુર ખત્રી, કૃષિમાં વલ્લભભાઈ વસરામભાઈ મારવાણિયા અને સ્થાપત્યમાં બિમલ પટેલનો સમાવેશ થાય છે. ક્ચ્છ માટે ગૌરવ લઈ શકાય એવી જૂની રોગાન કલાનો કસબ બાપ દાદાના સમયથી સાચવીને બેઠેલા 53 વર્ષીય અબ્દુલ ગફુર ખત્રીને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થતા કચ્છ સહિત તેમના વતન નિરોણામાં આનંદની લાગણી ફેલાઇ છે પોતાના ચાર દાયકાના આ વ્યવસાયમાં અનેક એવોર્ડ મેળવી ચૂકેલા અબ્દુલભાઇ ખત્રી કચ્છ, રાજ્ય અને દેશનું નામ કલાક્ષેત્રે રોશન કર્યું છે. સરકાર દ્વારા મળેલા આ સન્માનથી ખુશ અબ્દુલભાઈએ વડીલોના આશીર્વાદ અને દેશ દુનિયાના કલા રસિકોના પ્રેમ થકી કલાની કદર થઇ હોવાની લાગણી વ્યક્ત કરી હતી.

કચ્છના 3 સુરક્ષા કર્મીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક

રાજ્યના વિવિધ સુરક્ષાદળોમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને પ્રજાસત્તાકદિને વિશેષ સેવા અને પ્રશંસનીય સેવાના મેડલ જાહેર કરાયા છે જેમાં કચ્છમાંથી રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-16ના નાયબ અધીક્ષક વિજયભાઇ બી. પટેલ તથા બોર્ડર વિંગની ભુજ સ્થિત બટાલિયન નંબર-2ના હવાલદાર રતનભાઇ કારાભાઈ ભદ્રુ અને દિલીપસિંહ જટુભા જાડેજાની પસંદગી કરવામાં આવી છે. સુરક્ષા કર્મીઓ માટે કુલ્લ 19 સભ્ય પૈકી 17 જણને પોલીસ ચંદ્રક અને બે જણને પ્રશંસનીય સેવા માટે ચંદ્રક જાહેર કરાયા છે. ગૃહરક્ષક દળ અને બોર્ડર વિંગ તથા રાજ્ય અનામત પોલીસ દળને પણ આ મેડલ જાહેર કરાયા છે.