પોતાને ઘેર આવેલા શુભ પ્રસંગે કચ્છના એક લોહાણા પરિવારે જીવદયાના કાર્યને જોડીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગત ૨૭/૦૧/૨૦૧૯ના રોજ માધાપર મધ્યે યોજાયેલ લગ્ન પ્રસંગે વરઘોડામાં થયેલી ગોરની આવક “તેરા તુજકો અર્પણ ગૌ સેવા અભિયાન” હેઠળ જીવદયા માટે દાનમાં આપીને સમાજિક પ્રસંગોમાં પણ જીવદયાને મહત્વ આપી કન્યાદાન સાથે ગૌમાતાઓના જીવનદાનના કાર્યને જોડયું હતું. માધાપર તા. ભુજ મધ્યે થાણાના અશોકકુમાર નરભેરામ કોટકના સુપુત્ર ચી. નકુલના વરઘોડામાં ૮૧૦૦ રૂપિયાની ગોર થઈ હતી. આ પ્રસંગે માધાપરના સામાજિક આગેવાના ધીરુભાઈ મગનલાલ ઠક્કરની પ્રેરણાથી વરરાજાના પિતા તરફથી રાઉન્ડ ફિગર માટે ખૂટતી રકમ ઉમેરી રૂ. ૧૧,૧૧૧/- આ પ્રસંગે જીવદયા માટે તેરા તુજકો અર્પણ ગૌ સેવા અભીયાન માટે દાનમાં આપવામાં આવી હતી.
તેરા તુજકો અર્પણ ગૌ સેવા અભિયાનના મુખ્ય સંયોજક હિતેશભાઈ ખંડોર દ્વારા આ દાનની રકમ સ્વીકાર કરી સમાજ માટે પ્રેરણા રૂપ આ કાર્ય માટે કોટક પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ આ અખબારી યાદીના માધ્યમથી સમાજમાં ઉજવાતા નાના મોટા પ્રસંગોમાં અને તમામ અવસરોમાં અબોલ મૂંગા પશુધન માટે યથાશક્તિ યોગદાન આપી દુષ્કાળરૂપી આફતને પણ અવસરમાં પલટાવી દેવા જાહેર અપીલ કરવામાં આવી છે.
માધાપર યક્ષ મંદિર સામે જૈન સમાજ પ્રેરિત નીરણ કેન્દ્ર તેમજ નવાવાસ વથાણમાં પાટ હનુમાન મંદિર તેમજ જૈન સમાજના સંયુક્ત ઉપક્રમે નીરણ કેન્દ્રો ચાલુ કરાયા છે. જેમાં અંદાજીત ૧૪૦૦ ગાયોને દરરોજ લીલા તેમજ સૂકા ચારાનું નીરણ દાતાઓના સહકારથી ગાય માતાને અર્પણ કરવામાં આવે છે. તેમજ સંસ્થા દ્વારા અત્યાર સુધી ૧૦૦ જેટલી સૂકા ઘાસની ગાડીઓ વિવિધ ગામોમાં વિતરણ કરવામાં આવી છે.