દુષ્કર્મનાં આરોપી એવા ભાજપનાં નગર સેવકની હાજરીને મામલે થયો ડખો
ગાંધીધામ : કચ્છ ભાજપ ભલે નલિયાનાં સામુહિક દુષ્કર્મને મામલે કાંઇ વિવાદ ના થાય તેનાં માટે પ્રયાસ કરે પરંતું નલિયા કાંડનું ભૂત તેનો પીછો છોડતું હોય તેમ લાગતું નથી સામુહિક દુષ્કર્મનાં મામલે ગાંધીધામ નગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ કૉંગ્રેસ સત્તાપક્ષ ભાજપ ઉપર હાવી થયો હતો. જેમાં પાલિકા પ્રમુખને પણ ઠંડીમાં પરસેવો છૂટી જાય તેવી સ્થિતી જોવા મળી હતી. 135 એજન્ડાવાળી આ સામાન્ય સભા રૂટીન પ્રમાણે માત્ર પચીસેક મિનીટમાં વંદે માતરમ બોલીને સમેટાઇ ગઇ હતી.
સભાની શરૂઆતમાં જેવી ચર્ચા શરૂ થઇ કે વિપક્ષી નેતા અજિત ચાવડાએ સત્તાપક્ષ ભાજપનાં ‘ઘેર હાજર’ સભ્યોનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં રજાચીઠીવાળા ભાજપનાં સભ્યો તો બચી ગયા હતા પરંતું જામીન ઉપર જેલમાંથી છૂટેલા ભાજપનાં બે નગર સેવક અજિત રામવાણી તથા વસંત ભાનુશાલીની સદસ્યતા રદ્દ કરવાનો મામલો ચર્ચામાં આવતા સત્તાપક્ષ ભાજપના સભ્યો ડઘાઈ ગયા હતાં કારણ કે તેમને વિપક્ષના આવા પ્રહારની અપેક્ષા ન હતી. તેમને એમ હતુ કે વિપક્ષ સામાન્ય સભાના એજન્ડા કે શહેરના વિકાસ કે સમસ્યાને લઇને તેમને સવાલ કરશે. પરંતું નલિયા કાંડનાં આરોપી એવા સભ્યોનો મામલો ચર્ચામાં આવતાં ખુદ પાલિકા પ્રમુખ કાનજીભાઇ ભર્યા પણ મૂંઝાઈ ગયા હતાં. વિપક્ષના વારને હળવો કરવા માટે પ્રમુખ શ્રીભર્યાએ નિયમો અને પ્રક્રિયાઓની દુહાઈ આપી પરંતું વિપક્ષ પણ જાણે કે બગાશુ ખાતા પતાશુ મળી ગયું હોય તેમ સત્તાપક્ષ ઉપર હાવી થઇ ગયો હતો. મામલો હાથમાથી સરકતો જોઈને પ્રમુખ કાનજીભાઈએ ચેમ્બરમાં ચર્ચાની ‘ઓફર’ કરી તો વિપક્ષે વળતો એવો પ્રહાર કર્યો કે, જો ચેમ્બરમાં જ ચર્ચા કરવી હોય તો સામાન્ય સભા શુ કામ બોલાવો છો? તેવો તીખો સવાલ કર્યો હતો. અને અંતે દરેક સભામાં થાય છે તે રીતે બહુમતીનાં જોરે સત્તાપક્ષ ભાજપે વંદે માતરમ બોલાવીને ગણતરીની મિનિટોમાં જ સભા આટોપી લીધી હતી.
ચીફ ઓફિસર ભલામણ કરી ચુક્યા છે પણ…
સામુહિક દુષ્કર્મના નલિયા કાંડ આરોપીઓનુ સભ્યપદ રદ્દ કરવા અંગે ગાંધીધામ નગર પાલિકાના ચીફ ઓફિસર કલેકટરને ગયા વર્ષે બે વખત ભલામણ કરી ચુક્યા છે. પરંતું 10 ટકા સવર્ણ અનામત કાયદાને માત્ર એક બે દિવસમાં લાગુ કરનારી ભાજપની સરકારનું વહીવટી તંત્ર મુખ્ય અધિકારીની ભલામણ ઉપર નિર્ણય નથી લઇ શક્યું
સીઓ બદલે કચેરી અધિક્ષક
ગાંધીધામ નગર પાલિકાના નિયમિત સીઓ નીતિન બોડાતની ભુજ ખાતે બદલી કરી દેવામાં આવી છે. અને ગાંધીધામનો ચાર્જ માંડવીનાં મુખ્ય અધિકારી સંદીપસિંહને સોંપવામાં આવેલો છે. ત્યારે આજે મળેલી સભામાં સીઓને બદલે કચેરી અધિક્ષક અનિલ જોશીને બેસાડી કામ ચલાવવામાં આવ્યુ હતુ. કારણ કે સંદીપસિંહ તેમની માંડવીની સભામાં હાજર રહયા હતાં.