Home Current વંદે ગૌમાતરમ – એક જ દાતાએ કચ્છની એક પાંજરાપોળને આપ્યું એક કરોડનું...

વંદે ગૌમાતરમ – એક જ દાતાએ કચ્છની એક પાંજરાપોળને આપ્યું એક કરોડનું દાન

2650
SHARE
અત્યારે સમગ્ર કચ્છમાં દુષ્કાળ અને અછતની ગંભીર પરિસ્થિતિ છે. કચ્છનું પશુધન સતત મોતના ઓછાયા તળે જીવે છે. આવા કપરા સંજોગોમાં સૌથી વધુ કફોડી હાલત ગૌશાળા પાંજરાપોળો
ની છે. એક બાજુ ઘાસચારાની કટોકટી, બીજી બાજુ સંસ્થામાં આશરો લઈ રહેલા હજારો મૂંગા પશુઓની દરરોજ ભૂખ ભાંગવાની ચિંતા. લાચાર આંખો અને પેટમાં ભૂખની પીડા પોતાની આ વ્યથા આ મુંગા પશુઓ કોને કહી શકે? ત્યારે રાપર જેવી પાંજરાપોળોના ટ્રસ્ટીઓ ને એક સાથે હજારો ગૌમાતાઓને પૂરતું ઘાસ મળે અને આ મુંગા પશુઓને નવું જીવન આપવાની સતત ચિંતા સતાવ્યા કરતી હોય છે. પણ, રણમાં મીઠી વીરડીની જેમ ગૌમાતાઓની વેદના દાતાઓ દૂર બેઠા બેઠા પણ અનુભવી શકે છે. વાત આવા જ એક દિલેર દાતાની દિલેરીની છે.

એક જ દાતાએ આપ્યો ૧ કરોડનો ચેક..

‘શ્રી જીવદયા મંડળ” રાપર દ્વારા કરાતી ગૌ સેવાની મહેક સમગ્ર કચ્છ અને કચ્છ બહાર સુધી પ્રસરેલી છે પરંતુ અત્યારે દુષ્કાળ અને અછતના સમયમાં રાપર જીવદયા જેવી પાંજરાપોળોને સૌથી વધુ મુશ્કેલી હોય છે, ખર્ચની!! એક બાજુ દુષ્કાળ ના કારણે પશુપાલકોને પોતાના પશુઓની ભૂખ ભાંગવાની ચિંતા હોય છે. બીજી બાજુ ઘાસચારાના વધતા જતા ભાવ અને તેની વચ્ચે પશુપાલકો નછૂટકે પોતાના પશુઓનો જીવ બચાવવા માટે પશુઓને પાંજરાપોળમાં મૂકી જતા હોઈ હમણાંની પરિસ્થિતિમાં પાંજરાપોળો માં પશુઓની સંખ્યામા પણ વધારો થઈ રહ્યો છે. આવા સંજોગોમાં એક દિલેર દાતા કચ્છના પશુધનની વ્હારે આવ્યા છે. મુંગા પશુઓની વેદના જાણીને દ્રવી ઉઠેલા એક દિલેર દાતાએ એક સાથે જ એક કરોડનો ચેક જીવદયા મંડળને લખીને આપી દીધો. આ દિલેર દાતાનું નામ છે રાજન નરેશભાઈ પરીખ!! મુંબઈ સ્થિત આ દાતાએ એક કરોડ નો ચેક “શ્રી જીવદયા મંડળ” રાપરને આપ્યો છે. રાજનભાઈ પરીખ જેવા દાતાઓની દિલેરીને વંદન!! કચ્છની અનેક પાંજરાપોળોમાં આશરો લઈ રહેલા હજારો મુંગા પશુઓ ઉપર જ્યારે મોત મંડરાઈ રહ્યું છે ત્યારે રાપર જીવદયા મંડળ જેવી આ સંસ્થાઓને જરૂરત છે, રાજન નરેશભાઈ પરીખ જેવા જગડુશા સમા દાતારની !! રાજ્ય સરકાર અને સંસ્થાઓ દ્વારા મુંગા પશુઓને બચાવવાના પ્રયાસો વચ્ચે કચ્છના પશુધનને બચાવવા રાજનભાઈ જેવા દિલેર દાતાઓની જરૂરત છે. ‘વંદે ગૌમાતરમ” નો આ સાદ વધુ ને વધુ દાતાઓ સુધી પહોંચે અને આજ રીતે દાનની વર્ષા સાથે ધન લક્ષ્મી બનીને વરસતું રહે તેવી સખી દિલના કચ્છી દાતાઓ સમક્ષ અપેક્ષા!!