એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પશ્ચિમ બંગાળમાં ચિટ ફંડ કંપનીના મુદ્દે મમતા બેનર્જીને ઘેરી રહ્યા છે. બીજી બાજુ મોદી અને શાહ ના હોમ ગ્રાઉન્ડ ગુજરાતમાં પલ્સ કંપનીના ફસાયેલા નાણાંના મુદ્દે હજારો રોકાણકારો કેન્દ્ર સરકાર સમક્ષ કોર્ટના ઓર્ડરનો અમલ કરાવવાની માંગણી કરી રહ્યા છે પર્લ્સ એગ્રો ટેક ઇન્ડિયા નામની કંપનીમાં ઉંચા વ્યાજની લાલચે મોરબી અને કચ્છના હજારો રોકાણકારોએ રોકેલા નાણાં પરત નહીં મળતા નાના નાના રોકાણકારો પરેશાન છે. આજે ભુજમાં પલ્સ ઇન્ડિયા કંપનીના રોકાણકારોએ રેલી યોજીને પોતાની સમસ્યાનું નિરાકરણ લાવવા નહી તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. ગાંધીજીના પૂતળા પાસેથી સાંસદ વિનોદ ચાવડાની ઓફિસે પહોંચેલા પલ્સ ઇન્ડિયા કંપનીના મોરબી કચ્છના એજન્ટોએ લેખિત અને મૌખિક રજુઆત કરીને પલ્સ ઇન્ડિયા કંપનીમાં હજારો રોકાણકારોના અટવાયેલા નાણાં પરત મળે તે માટે કેન્દ્ર સરકાર દરમ્યાનગીરી કરે તેવી માંગણી કરી હતી. જોકે, સાંસદ વિનોદ ચાવડા ગેરહાજર હોઈ આવેદન પત્ર તેમના અંગત મદદનીશ જગદીશગીરી ને આપવામાં આવ્યું હતું.
મોરબી કચ્છના હજારો રોકાણકારોની શું છે વ્યથા?
પર્લ્સ એગ્રોટેક લિમિટેડ જે PACL અને સ્થાનિકે કચ્છમાં પલ્સ ઇન્ડિયા કંપનીના નામે ઓળખાય છે. તેના એજન્ટોએ સાંસદને આપેલા પત્રમાં જણાવ્યા પ્રમાણે કચ્છ અને મોરબીના ૨૬ હજાર એજન્ટો દ્વારા ૫ લાખ રોકાણકારોના અંદાજીત ૩૦૦ કરોડ પલ્સ ઇન્ડિયા કંપનીમાં સલવાયા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલા જસ્ટિસ લોઢાની કમિટી સમક્ષ પલ્સ ઇન્ડિયાએ પોતાની બધી મિલકતો વેંચીને રોકાણકારોને નાણાં ચૂકવી દેવા સંમતિ આપી દીધી છે. જે અંતર્ગત ૨/૨/૧૬ ના કરાયેલા નિર્ણય નો ત્રણ વર્ષ થી કેન્દ્ર સરકારે અમલ નહિ કરતા રોકાણકારોને પૈસા પાછા મળ્યા નથી. જસ્ટિસ લોઢા કમિટીના નિર્ણયનો અમલ કેન્દ્ર સરકાર દ્વારા ઝડપભેર કરાવવાની માંગ પલ્સ ઇન્ડિયાના રોકાણકારોએ મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા સમક્ષ કરી છે જોકે, એક તબક્કે લોકસભાની ચૂંટણીના બહિષ્કારની તેમ જ આમરણાંત ઉપવાસની ચીમકી પણ લેખિત આવેદનપત્રમાં અપાઈ છે પલ્સ ઇન્ડિયાને મુશ્કેલી ૨૨/૮/૧૪ ના સેબીએ કરેલી કાર્યવાહી મિલકત અને નાણાં જપ્તીને કારણે થઈ. જોકે, નાણાંકીય શરતોનું પાલન નહિ કરવા અને નાણાંકીય અનિયમિતતા બદલ સેબી આવી કંપનીઓ સામે કાર્યવાહી કરી શકે છે સાચી વાસ્તવિકતા એ છે કે, વધુ વ્યાજની લાલચે નાનો મધ્યમવર્ગીય રોકાણકાર આવી ખાનગી ફાયનાન્સ કંપનીની મોહજાળ માં ફસાય છે અત્યારે તો પલ્સ ઇન્ડિયામાં રોકાણકારોની સાથે એજન્ટોની હાલત પણ કફોડી છે.