Home Current અમેરિકાની સુપ્રીમ કોર્ટે મુન્દ્રાના માછીમારોની દલીલ માનીને વર્લ્ડ બેંકનો કાન પકડ્યો –...

અમેરિકાની સુપ્રીમ કોર્ટે મુન્દ્રાના માછીમારોની દલીલ માનીને વર્લ્ડ બેંકનો કાન પકડ્યો – વિશ્વમાં નવીનાળ,ટુંડા ગામનો કેસ ચર્ચામાં

2471
SHARE
મુન્દ્રા સ્થિત ટાટા પાવર કંપની સામે પર્યાવરણના મુદ્દે જંગ લડતા માછીમારોની તરફેણમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપીને વર્લ્ડ બેંકનો કાન આમળ્યો છે ૨૦૧૫ થી અમેરિકામાં મુન્દ્રના માછીમારો અને પર્યાવરણવાદીઓ એ શરૂ કરેલ કાયદાકીય જંગમાં હાલે ફેબ્રુઆરી ૨૦૧૯માં અમેરિકાની સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના કારણે દેશના સૌથી મોટા ઉદ્યોગગૃહ ટાટા અને વૈશ્વિક સ્તરે સૌથી મોટી નાણાકીય સંસ્થાઓ વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક સંકળાયેલ હોઇ આ કેસ હવે સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બની રહેશે.

જાણો મુન્દ્રા થી અમેરિકાની સુપ્રીમકોર્ટમાં કેવી રીતે પહોંચી કાયદાકીય લડત?

૨૦૧૧ દરમ્યાન મુન્દ્રામાં ટાટા પાવર કંપની દ્વારા શરૂ કરાયેલ કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ કંપની મારફતે કોલસા આધારિત વીજ ઉત્પાદન બાદ દરિયામાં છોડવામાં આવતા ગરમ પાણીના કારણે દરિયાઈ પર્યાવરણ અને માછલીઓ સહિતના જળચર જીવોના થતા મોતનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો કોલસા આધારિત ૪૦૦૦ મેગાવોટના ટાટા કંપનીના આ પાવર પ્લાન્ટ સામે પર્યાવરણની લોક સુનાવણી દરમ્યાન પણ સ્થાનિકે માછીમારો, પશુપાલકો અને ખેડૂતો દ્વારા વિરોધ કરાયો હતો કોલસાની રજકણોના કારણે જમીન ઉપરના પર્યાવરણને થતું નુકસાન અને ૨૦૦ મીટર પહોળી ૭ કિલોમીટર લાંબી કેનાલ બનાવીને તેમાં થી દરરોજ લાખો ગેલન (પ્રતિ કલાક ૬૦૦૦ લાખ લીટર) ગરમ પાણી સતત દરિયામાં છોડવાના કારણે દરિયાઈ સૃષ્ટિના પર્યાવરણને થતું નુકસાન ભવિષ્યમાં ખેતી, પશુપાલન, માછીમારીના પરંપરાગત વ્યવસાય નુકસાન પહોંચાડી હજારો લોકોને બેરોજગાર બનાવી શકે છે, તેમ જ અહીં રહેતા લોકોના સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક બની શકે છે એ બધા જ પ્રશ્નો સાથે કાયદાકીય લડત શરૂ કરાઈ હતી આ લડત દરમ્યાન ટાટા કંપની દ્વારા લોકસુનાવણી સમયે અપાયેલ એન્વાયરમેન્ટ એસેસમેન્ટ રિપોર્ટ ખામી વાળો અને ગેરમાર્ગે દોરનારો હોવાના રિપોર્ટ સામે તેમજ પર્યાવરણને નુકસાન કરતા ટાટા પાવરના આ પ્રોજેકટને વર્લ્ડ બેંક (ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન) દ્વારા આપવામાં આવેલા ૧૮૦૦ કરોડની લોન સામે વાંધો ઉપાડીને આ લોન નહીં આપવાના મુદ્દાઓ સાથે મુન્દ્રાના માછીમારોએ કાયદાકીય જંગ શરૂ કર્યો હતો. જોકે, વર્લ્ડ બેંક ઉપરાંત ટાટા પાવરને એશિયન ડેવલોપમેન્ટ બેંક (એડીબી) દ્વારા પણ નાણાકીય લોન આપવામાં આવી હતી ૨૦૧૫માં વિશ્વ બેંકના લોકાયુક્ત પાસે વિશ્વ બેંક દ્વારા ટાટા પાવરને અપાયેલ લોનથી કાર્યરત આ યુનિટથી મુન્દ્રા વિસ્તારના સ્થાનિક પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું હોવાની ફરિયાદ કરાઈ હતી પણ, વિશ્વ બેંકની લોકાયુક્ત કમીટી દ્વારા કોઈ કાર્યવાહી થઈ નહોતી એટલે પોતાની કાયદાકીય લડતને આગળ વધારવા મુન્દ્રાના ટુંડા ગામના માછીમાર બુઢા ઈસ્માઇલ જામ, ગજેન્દ્રસિંહ જાડેજા, નવીનાળ ગ્રામ પંચાયત, ભદ્રેશ્વરના ભરત પટેલ સહિત ૭ વ્યક્તિઓ, સંસ્થાઓએ અમેરિકાની નીચલી કોર્ટ તેમજ અપર કોર્ટમાં કાયદાકીય જંગ શરૂ કર્યો હતો. જોકે, વર્લ્ડ બેંકે એવી દલીલ કરી હતી કે, તે વૈશ્વિક બિઝનેસ કરતી નાણાકીય સંસ્થા છે તેને (વર્લ્ડ બેંકને) સ્થાનિક પર્યાવરણને લગતા (મુન્દ્રા,ગુજરાત કે ભારત) કોઈ કાયદાઓ લાગુ પડી શકે નહીં આ મુદ્દે અમેરિકાની નીચલી કોર્ટ અને અપર કોર્ટમાં મુન્દ્રાના માછીમારો અને પર્યાવરણવાદીઓના દાવા નીકળી જતા તેમણે અમેરિકાના એડવોકેટની સંસ્થા આર્થરાઈટ ઇન્ટરનેશનલ અને નવી દિલ્હીની સંસ્થા સેન્ટર ફોર ફાઇનાન્સ એકાઉન્ટીબિલિટી સાથે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

અમેરિકાની સુપ્રીમકોર્ટે આપેલા ચુકાદાના કારણે મુન્દ્રાની વિશ્વભરમાં ચર્ચા

અમેરિકાની સુપ્રીમકોર્ટમાં ૮ ન્યાયધીશોની બેન્ચમાં મુન્દ્રાના કેસની સુનાવણી થઈ હતી જેમાં મુન્દ્રાના અરજદારો વતી કેસમાં સામેલ દિલ્હીની સંસ્થા વતી અમેરિકાના એડવોકેટ જો એથીયાદી અને અમેરિકાની સંસ્થા વતી અમેરિકન એડવોકેટ જેફ ફિશરે દલીલો કરી હતી આ બન્ને અમેરિકન વકીલો પર્યાવરણ અને સ્થાનિક મુન્દ્રાના માછીમારો, પશુપાલકો અને ખેડૂતોની રોજગારીને અસરકર્તા આ કેસ નિઃશુલ્ક લડ્યા હતા અમેરિકાની સુપ્રીમ કોર્ટના ૮ જજો ની બેંચ પૈકી ૭ જજો એ વિશ્વ બેંક વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો અને જણાવ્યું હતું કે વિશ્વ બેંક જે કંપનીને ધિરાણ આપતી હોય તે કંપની જો સ્થાનિક પર્યાવરણ ના નિયમોનું પાલન ન કરે તો તે કંપનીનું નાણાકીય ધિરાણ અટકાવી શકાય છે તે કંપની વિરુદ્ધ નિયમ અનુસાર કાર્યવાહી કરી શકાય છે વિશ્વ બેંક પણ કાયદાના પરિધમાં આવે છે અમેરિકાની સુપ્રીમ કોર્ટ દ્વારા મુન્દ્રાના નવીનાળ અને ટુંડા ગામના અરજદારોનો આ ચુકાદો હવે વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બનવાનું કારણ એ છે કે, અત્યાર સુધી ભારત કે અન્ય દેશોમાં પર્યાવરણને નુકસાન કરતી મોટી ઔદ્યોગિક કંપનીઓને મોટું નાણાકીય ધિરાણ આપ્યા બાદ વિશ્વ બેંક દ્વારા એવો ખુલાસો કરાતો હતો કે તેઓ સ્થાનિક જે તે દેશોના પર્યાવરણને લગતા કાયદાના પરિઘ માં આવતા નથી પણ, હવે ભારતનું મુન્દ્રા હોય કે વિશ્વના અન્ય દેશો હોય ક્યાંયે સ્થાનિક પર્યાવરણનું પાલન નહિ કરનારી કંપનીઓને નાણાકીય ધિરાણ આપવા બાબતે વિશ્વ બેંક દ્વારા પર્યાવરણ અંગે જાગૃતિ વર્તવામાં આવશે આમ, મુન્દ્રાથી અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં પહોંચેલી વિશ્વ બેંક અને ટાટા જેવા મોટા ઉદ્યોગગૃહ સામેની કાયદાકીય લડતને કારણે અત્યારે તો મુન્દ્રાના નવીનાળ, ટુંડા ગામ વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે ભવિષ્યમાં પણ જયારે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં કોઈ આવો પર્યાવરણનો મુદ્દો ઉપસ્થિત થશે ત્યારે નવીનાળ,ટુંડા ગામના કેસનો ચોક્કસ ઉલ્લેખ થશે ભારતના ઇતિહાસમાં પણ સ્થાનિક કંપની સામે પર્યાવરણના મુદ્દે અમેરિકાની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચનાર નવીનાળ, ટુંડા નો આ પ્રથમ ઐતિહાસિક કેસ હશે.