રવિવારના દિવસે મતદાનને માત્ર ૨૪ કલાક જ બાકી છે ત્યારે ભુજ નગરપાલિકાની વોર્ડ ન.૬ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપની વચ્ચે રાજકીય યુદ્ધ છે કે પછી ભાજપમાં થી જ ઉમેદવારને ટારગેટ કરી આંતરિક યુદ્ધ છેડાયું છે? એ સવાલ ખુદ ભાજપના જ કાર્યકરો એકબીજાને કરી રહ્યા છે. તો, ઉમેદવારને ટારગેટ કરતી કલીપ અને પત્રિકા સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં હવે માત્ર વોર્ડ ન. ૬માં જ નહીં પણ, લોકોમાં એ ભાજપનું આંતરિક રાજકારણ ચર્ચાનો મુદ્દો બન્યો છે. જોકે, આ રાજકીય ચર્ચાને વેગ મળવાનું કારણ છેક છેલ્લી ઘડીએ સક્રીય થયેલા અને છેક છેલ્લી ઘડી સુધી નિષ્ક્રીય રહેલા ભાજપના નેતાઓ અને આગેવાનો છે. અત્યારે એક બાજુ ઉમેદવાર ભૌમિક વચ્છરાજાની અને તેના ચુસ્ત સમર્થક જગત વ્યાસ સામે મોટો સવાલ એ છે કે, કોણ તેમની સાથે છે? અને કોણ તેમની સામે છે? તેની તેમને પણ ખબર નથી તો તો ક્યાંક અમુક આગેવાનોને પણ એવું લાગી રહ્યું છે કે,તેમના ઉપર વિશ્વાસ મુકવામાં અમુક જૂથ ખચકાટ અનુભવી રહ્યું છે.
પત્રિકામાં શું છે? ૨૮૦૦ લોહાણા મતદારો કોના સાથે?
લોહાણા સમાજના નામે વાયરલ થયેલી આ પત્રિકા પ્રકાશિત કરનારનું નામ નથી લખાયું તો, નનામી આ પત્રિકા વિશે ભાજપના આગેવાનો આક્ષેપ વિરોધ પક્ષ પર કરે છે, પણ, પત્રિકાની અંદર લખેલી વિગત ટિકિટ માટે ભાજપના જ દાવેદારોની હોવાનું કબૂલે છે જોકે, પત્રિકાની વિશ્વસનીયતાની ન્યૂઝ4કચ્છ પુષ્ટિ નથી કરતું, પણ જ્યારે પત્રિકાની વિગતો વિશે અને ચૂંટણીના ફોર્મ ભરવાથી માંડીને થઈ રહેલા પ્રચાર પ્રસાર સંદર્ભે ખુદ ભાજપના આગેવાનોની અલગ અલગ વાતો અને ગતિવિધિ જાણી ત્યારે એ ખ્યાલ આવી ગયો કે ભાજપના જ ઉમેદવારની વિરુદ્ધ કોંગ્રેસને બદલે ભાજપમાં થી જ રણશીંગુ ફૂંકાઈ રહ્યું છે લોહાણા સમાજના નામે વહેતી થયેલી આ પત્રિકામાં વોર્ડ ન. ૬માં ૨૮૦૦ લોહાણા મતદારો હોવા છતાંયે ઓછા મતદારો ધરાવતા અન્ય સમાજના ઉમેદવાર ભૌમિક વચ્છરાજાનીને ટિકિટ ફાળવાઈ તેનો વિરોધ કરીને ભાજપના આ નિર્ણયની વિરુદ્ધ સમાજની એકતા બતાવવાની હાકલ કરાઈ છે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલી આ પત્રિકામાં ભાજપ સમક્ષ લોહાણા સમાજના અન્ય દાવેદારોએ ટિકિટ માંગી હતી તેમના અત્યારના હોદ્દા સાથે નામ પણ અપાયા છે. જયેશ ઠકકર (શહેર મહામંત્રી), ભાવેશ ઠકકર (શહેર ઉપપ્રમુખ), મયંક ઠકકર (જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ), સંજય મેઘજી ઠકકર (કાર્યકર), અશ્વિન ધારાણી અને ઘનશ્યામ સી. ઠકકર ( બન્ને પૂર્વ કારોબારી ચેરમેન) જિલ્લા ભાજપ સમક્ષ આ તમામે નગરપાલિકાની ટિકિટ માંગી હોવાની વાતને ભાજપના આગેવાનો હા કહે છે પણ, વાયરલ થયેલો પત્ર કોંગ્રેસ દ્વારા વાયરલ કરાયો છે, એવો હાસ્યાસ્પદ આક્ષેપ કરે છે, (કોંગ્રેસને પોતાના ઉમેદવાર વિશે વધુ ખબર નથી એવી વાતો કરતા ભાજપના નેતાઓ ને કોણ સમજાવે કે, પોતાના ઉમેદવારની ખ્યાલ નહીં રાખનાર કોંગ્રેસ ભાજપના ઉમેદવારના નામો કેવી રીતે જાણી શકે?) તો ખુદ ઉમેદવાર અને ભાજપના લોહાણા સમાજના નેતા બીજી વાત કરે છે. વોર્ડ ન. ૬ ની આ ચૂંટણીમાં ઉમેદવારના ગોડ ફાધર એવા જગત વ્યાસ કબૂલે છે કે હા, લોહાણા સમાજને નામે આવો પત્ર વહેતો થયો છે, પણ એ વિપક્ષની ચાલ છે, તો ઉમેદવાર ભૌમિક વચ્છરાજાની કહે છે, મને પત્ર વિશે કંઈ ખબર નથી, જો આવી પત્રિકા હશે તો, આની બહુ અસર નહીં થાય, ઘનશ્યામ રસિકભાઈ ઠકકર કહે છે, આ વિપક્ષની ચાલ છે, આવતીકાલે જુઓ બીજી પત્રિકા બહાર પડશે તો નરેન્દ્ર મેઘજી ઠકકર કહે છે, લોહાણા સમાજ પહેલા કોંગ્રેસ સાથે વધુ સંકળાયેલો હતો પણ અમારા પ્રયત્નો પછી તેમાં ફરક પડ્યો છે, લોકો પોતાની જે તે પક્ષ પ્રત્યેની માન્યતા પ્રમાણે જ મતદાન કરશે બાકી પક્ષ માટે દાવેદારી તો બધા કરે, પણ અમારું કામ પક્ષના નિર્ણયને અનુસરવાનું છે. જોકે, આજે છેક છેલ્લી ઘડી સુધી અશ્વિન ધારણી અને અન્ય નારાજ દાવેદરોને મનાવવાના પ્રયત્નો થતા રહ્યા તે વાત તો બધા બંધ હોઠે કબૂલી રહ્યા છે, પણ, પોતાની વાત રાખવા એક જ જવાબ આપી રહ્યા છે કે, લોહાણા સમાજ નારાજ નથી. જોકે, જેમના રાજીનામા થી આ ચૂંટણી થઈ રહી છે,એ ધીરેન ભાનુભાઈ ઠકકર નગરસેવક તરીકે સક્રિય રહ્યા પણ, અત્યારે ચૂંટણી પ્રચાર માટે આવતા નથી, તેમ જ વોર્ડ ન. ૬ મા રજપૂત ઉમેદવાર ને ટિકિટ નહીં મળતા જુના જનસંધી નેતા હરિભાઈ મકવાણા ના પુત્ર નરેન્દ્ર મકવાણા પણ નારાજ છે. આ બન્ને વાતો ભાજપના તમામ આગેવાનો કબૂલે છે. પણ, જાહેરમાં દાવો કરે છે કે, આવી વાતો કોઈ અસર નહિ કરે.
ફોર્મ ભરવા સમયે ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેનને બાયપાસ કરાયા
ભૌમિક વચ્છરાજાની કહે છે કે, મને ફોર્મ ભરવાનું કહેવાયું એટલે મેં ફોર્મ ભરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ફોન બંધ કરી નાખ્યો. જોકે, ભાજપ જિલ્લા પ્રમુખ, મહામંત્રીઓ સહિત અન્ય આગેવાનો હાજર હતા, હા, ધારાસભ્ય નીમાબેન, પાલિકા પ્રમુખ લતાબેન, ચેરમેન ભરત રાણા ગેરહાજર હતા. તો, વોર્ડ. ૬ની આ ચૂંટણીમાં ઉમેદવારના ગોડ ફાધર જગત વ્યાસ કહે છે કે, અમે ધારાસભ્ય નીમાબેન, પાલિકા પ્રમુખ લતાબેન, ચેરમેન ભરત રાણાને ફોર્મ ભરવા સમયે જાણ કરી હતી પણ, નીમાબેન વિધાનસભામાં હતા, જયારે લતાબેન અને ભરત રાણા હાજર હતા. આમ ઉમેદવાર અને તેમના ગોડફાધર એ બન્ને ના જવાબ વિરોધાભાસી છે. જો, ભાજપના જ સૂત્રો માં ચર્ચાતી વાત માનીએ તો, ઉમેદવારની નારાજગીનો મુદ્દે છેક પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ સુધી મેન્ડેટ બદલાવીને લોહાણા સમાજ ના ઉમેદવારને ટિકિટ આપવાની ભલામણ કરાઈ હતી. પણ, જિલ્લા સંગઠન અને જેમના ‘વહીવટ’ ના કારણે નગરપાલિકા ચર્ચામાં રહી એવા યુવા નગરસેવકોના દબાણના કારણે જ ટિકિટ ફાઇનલ થઈ. ધારાસભ્ય નીમાબેન આચાર્યએ છેલ્લે છેલ્લે સનર્થનમાં પોતાની ઓડિયો કલીપ વહેતી કરી છે, તો સાંસદ વિનોદ ચાવડાએ પણ સતત ચાર કલાક કાર્યાલયમાં રહીને ડેમેજ કન્ટ્રોલ કવાયત કરી તો બે દિવસ પહેલા જિલ્લા સંગઠને પણ ભુજના પ્રભારી અનિરુદ્ધ દવેની અધ્યક્ષતામાં મીટીંગ કરાવીને ભુજ શહેર સંગઠન તેમ જ મહિલા મોરચા ને સક્રિય બની પ્રચાર પસાર જોશભેર કરી બાજી સુધારવા પ્રયાસ કર્યો. જોકે, વ્યકિતગત રીતે ભૌમિક વચ્છરાજાની એક સ્વચ્છ ઇમેજ અને સામાજિક સેવાનું ભાથું ધરાવતા સક્ષમ ઉમેદવાર છે. પણ, માત્ર દોઢ વર્ષની નગરસેવકની ટર્મ માટેની તેમની ચૂંટણીમાં તેમને ભાજપના આંતરિક રાજકારણની આંટીઘૂંટીનો કડવો અનુભવ થઈ રહ્યો છે. ભાજપના ગઢ ગણાતા વોર્ડ ન. ૬ ની ચૂંટણી જીતવી તેમના માટે ધારીએ તેવી આસાન નથી. તેવું ભાજપનો તેમનો સમર્થક વર્ગ માની રહ્યો છે. તેમના કાર્યાલયમાં બેસીને તેમની સાથે સતત ૨૪ કલાક ચા પાણી પીતા અને બે ટાઈમ સાથે જમતા આગેવાનો, કાર્યકરો માં થી પોતાના અને પારકા ને પારખવામાં શું ભૌમિક વચ્છરાજાની થાપ ખાઈ રહ્યા છે? સોશ્યલ મીડિયામાં ચર્ચાતા અને ભુજમાં ટોક ઓફ ધ ટાઉન બનેલ જૂની વિડિઓ કલીપ તેમ જ લોહાણા સમાજની નારાજગી હોવાના કથિત પત્રનો જવાબ મતદાન અને મતપેટીમાં મળી જશે.