અછત રાહત સમિતિની આજે અધિકારીઓ સાથેની બેઠક જિલ્લા કલેક્ટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં જિલ્લાની અછત રાહતની વિવિધ કામગીરીની મહેસુલી તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
પહેલા અને ત્રીજા શનિવારે યોજાતી જિલ્લા અછત રાહત સમિતિની આ બેઠકમાં પીવાના પાણીની પરિસ્થિતિ, ઢોરવાડા તેમજ પાંજરાપોળ, ગૌશાળાઓમાં પશુઓની નિભાવણી અંગે અધિકારીઓ સાથે છણાવટ કરી જરૂરી નિર્દેશો આપ્યા હતા. આ ઉપરાંત તેમણે અબડાસા જેવા અન્ય સરહદી વિસ્તારના પશુધન માટે પીવાનું પાણી પૂરુ પાડવા મળેલી થયેલી લોક રજૂઆતોનો પણ નિકાલ કરવા સંબંધિત અધિકારીઓને સ્થળ પર સુચના આપી હતી. રાપર તાલુકાના ગેડી ગામની પીવાના પાણી યોજના બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરીને યોગ્ય ઉકેલ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઘાસડેપો પરથી વિતરીત કરવામાં આવી રહેલા ઘાસ બાબતે જિલ્લા કલેક્ટર શ્રીમતી રેમ્યા મોહને ખાસ તકેદારી રાખીને ઘાસકાર્ડ ધરાવનાર ને જ તેમની રૂબરૂમાં જ ઘાસનું વિતરણ કરાય તેવી અધિકારીઓને સુચના આપી હતી. અછતગ્રસ્ત કચ્છમાં ખોલવામાં આવેલા પાંજરાપોળ, ગૌશાળા, ઢોરવાડાના નિયમિત ચૂકવણા થાય તેની તપાસણીનો પ્રગતિ અહેવાલ સંબંધિત વિગતો ઓનલાઇન ડેટા એન્ટ્રી કરવા બાબતે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
અછતરાહત સમિતિના અધિકારીઓ સાથેની આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, અધિક કલેક્ટર કે.એસ. ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના શ્રી જોષી, નાયબ ચૂંટણી અધિકારી રવિન્દ્રસિંહ જાડેજા, અંજાર પ્રાંત ઓફિસર વી.કે. જોષી, નખત્રાણા પ્રાંત અધિકારી જી.કે. રાઠોડ, ભુજ, અબડાસા તેમજ મુંદરા પ્રાંત અધિકારીઓ, તથા કે.પી. સીંગ, પી.એ. સોલંકી, સી.બી. ઝાલા, ભુજ નગરપાલિકા ચીફ ઓફિસર એન.એન. બોડાત, ડૉ. એમ.કે. ચૌધરી, પાણી પૂરવઠા, પી.જી.વી.સી.એલ., વાસ્મો, મામલતદાર (અછત) ભગીરથસિંહ ઝાલા, નાયબ મામલતદાર રમેશ ઠકકર અને મોહિતસિંહ ઝાલા તેમજ જિલ્લાના તમામ નાયબ મામલતદાર (અછત) હાજર રહ્યા હતા.
સ્ત્રોત:માહિતી બ્યુરો,ભુજ.