Home Current ‘ઉરી’ પછી હવે ભારત પાકિસ્તાનના ‘૭૧ના યુદ્ધની “ભુજ” ઉપર ફિલ્મ – જુઓ...

‘ઉરી’ પછી હવે ભારત પાકિસ્તાનના ‘૭૧ના યુદ્ધની “ભુજ” ઉપર ફિલ્મ – જુઓ હીરો અજય દેવગને શું કહ્યું?

2495
SHARE
બોલીવુડમાં યુદ્ધ આધારીત ફિલ્મો બનાવવાની શરૂ થયેલી પરંપરામાં હવે ‘૭૧ ના ભારત પાકિસ્તાનના વચ્ચે ખેલાયેલા યુદ્ધમાં કચ્છની પૃષ્ઠભૂમિ ઉપર ફિલ્મ બનશે. રાઇટર અભિષેક દુધૈયા લિખિત અને ટી સિરિઝના ભૂષણકુમાર દ્વારા બનાનારી આ ફિલ્મ ‘૭૧ ના વોરમાં ભારતીય વાયુસેનાના સ્કવોડ્રન લીડર વિજય કર્ણીકની શૌર્યગાથા ઉપર આધારિત હશે. ધ ભુજ – પ્રાઇડ ઓફ ઇન્ડિયા ના નામે બનનારી આ ફિલ્મમાં સ્કવોડ્રન લીડર વિજય કર્ણીકની મુખ્ય ભૂમિકા અજય દેવગન ભજવશે.

ડિસેમ્બર ‘૭૧ માં ભુજ ઉપર પાકિસ્તાને ‘નેપામ બૉમ્બ’ ફેંક્યા હતા

૧૯૭૧-‘૭૨ ના ભારત પાકિસ્તાન વચગેના યુદ્ધમાં ભારતીય વાયુસેના થી ડરી ગયેલા પાકિસ્તાને ભુજ એરબેઝ ને ટારગેટ કર્યું હતું. આપણાં ફાઇટર પ્લેનો ને રોકવા માટે પાકિસ્તાને ભુજ એરબેઝ ઉપર ‘નેપામ બૉમ્બ’ ફેંક્યા હતા. આ ‘નેપામ બૉમ્બ’ ના અવશેષો ઘણો સમય સુધી ભુજ મ્યુઝિયમમાં પણ રાખવામાં આવ્યા હતા. ભુજ એરબેઝ ઉપર બૉમ્બ મારાના કારણે રન વે તૂટી ગયો હતો. રન વે તૂટી જતાં ભારતીય વાયુસેનાને દુશ્મન દેશ પાકિસ્તાન ઉપર હવાઈ હુમલો કરવામાં સમસ્યા સર્જાઈ હતી. આવા સમયે એક બાજુ દેશ ઉપર દુશ્મનના હુમલાની આફત હતી અને બીજી બાજુ વળતો હુમલો કરીને દુશ્મન દેશ ઉપર વિજય મેળવવાનો પડકાર હતો. આવા કપરાં સંજોગોમાં ભારતીય વાયુસેનાના ભુજ એરબેઝનો ચાર્જ સ્કવોડ્રન લીડર વિજય કર્ણીક પાસે હતો. તેમણે ભુજ એરબેઝને તાત્કાલિક રીપેર કરવા માટેનો નિર્ણય લીધો. આ કામ અશક્ય હતું. પણ, સ્થાનિક વહીવટીતંત્ર અને કચ્છના લોકોનો સહયોગ લઈને આગળ વધવાનો સ્કવોડ્રન લીડર વિજય કર્ણીકે નિર્ણય કર્યો અને પાકિસ્તાની સૈન્યના આક્રમણ વચ્ચે ભુજનો એરબેઝ કઈ રીતે બનાવાયો અને ભારતીય લશ્કરે કઈ રીતે દુશ્મન દેશ સામે વિજય મેળવ્યો તેની સાહસિક શૌર્યગાથા ‘ધ ભુજ- પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ ફિલ્મ માં છે.

હીરો અજય દેવગને યુદ્ધમાં ભાગ લેનાર કચ્છી મહિલાઓ વિશે શું કર્યું ‘ટ્વીટ’?

ફિલ્મના હીરો અજય દેવગને પોતાની નવી ફિલ્મ વિશે કરેલી ટ્વીટમાં સ્કવોડ્રન લીડર વિજય કર્ણીક અને ૩૦૦ કચ્છી મહિલાઓની બહાદુરીને સલામ કરી છે. જેમના કારણે ‘૭૧ના યુદ્ધમાં ભારતીય વાયુસેનાની તૂટેલી એરસ્ટ્રીપ ફરી બની શકી. આ વિશે વધુ વાત કરીએ તો, દુશ્મન દેશ પાકિસ્તાન ને વળતો જવાબ આપીને તેના દાંત ખાટા કરવાના નિશ્ચય સાથે સ્કવોડ્રન લીડર વિજય કર્ણીકે વાયુસેનાના ૫૦ જવાનો અને માધાપર ગામની ૩૦૦ વીરાંગના મહિલાઓ સાથે મળીને માત્ર ૪૮ કલાકમાં ભુજ એરબેઝનો રન વે ઉભો કરી દીધો. કડીયા કામ કરનારી માધાપરની મહિલાઓએ યુદ્ધમાં એક સૈનિક તરીકે કામ કર્યું. કારણકે, એક બાજુ ઉપરથી થતી ‘બૉમ્બ વર્ષા’, વિમાનોની ઘરઘરાટીથી સર્જતો ભય નો માહોલ, સૈન્યની તૈયારીઓ અને તે વચ્ચે અંધારપટ હતો. આવા યુદ્ધના માહોલ વચ્ચે સતત રાત દિવસ “વીરાંગના” ની જેમ કામ કરીને માધાપરની મહિલાઓએ પોતાની અદભુત દેશદાઝના દર્શન કરાવ્યા હતા. ઘરે ગૃહિણી તરીકે કાર્ય કરતી અને કડીયા કામ કરીને સ્વમાનભેર રોજગાર કમાવતી કચ્છી મહિલાઓએ ભારતીય સૈન્ય સાથે ખભે ખભા મિલાવીને જે રન વે બનાવ્યો એ રન વે ઉપરથી ભારતીય વાયુસેના ફાઇટર વિમાનોએ ઉડ્ડયન ભરીને દુશ્મન દેશ પાકિસ્તાનને પરાજય આપીને મારી હટાવ્યું હતું. આ વિજયગાથા ઉપર ફિલ્મ બનશે. ‘૭૧ ના યુદ્ધના હીરો સ્કવોડ્રન લીડર વિજય કર્ણીક હયાત છે અને અત્યારે નિવૃત છે. તેમણે પોતાની શૌર્યગાથા ઉપર બનનારી ફિલ્મ ઉપર ખુશી વ્યક્ત કરી છે.