Home Current નખત્રાણા હિન્દુ ધર્મસભા – MLA-MPની સ્પષ્ટતા બાદ હવે જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી કરવા...

નખત્રાણા હિન્દુ ધર્મસભા – MLA-MPની સ્પષ્ટતા બાદ હવે જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી કરવા કચ્છના મુસ્લિમ સમાજે આપી ધરણાની ચીમકી

1985
SHARE
અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા તા/૨૦/૩/૧૯ના નખત્રાણા ડીવાયએસપીને એક લેખિત આવેદન પત્ર આપવામાં આવ્યું છે. સમિતિના પ્રમુખ ઇબ્રાહિમ હાલેપોત્રાની સહી સાથે અપાયેલ અખબારી યાદી સાથેના આ આવેદનપત્રમાં ગત તા/૩/૩/૧૯ના નખત્રાણામાં આયોજિત હિન્દુ ધર્મસભા મામલે તા/૭/૩/૧૯ના રોજે હાજી અનવર ચાકી દ્વારા નખત્રાણા પોલીસમાં કરાયેલ એફઆઈઆરના મુદ્દે જવાબદાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. આવેદનપત્રમાં આ ધર્મસભાની અંદર થયેલા ભડકાઉ ભાષણો દ્વારા કચ્છની કોમી એકતાને તોડવાની કોશિશને વખોડી કાઢવામાં આવી છે આ ભાષણોના કારણે મુસ્લિમ સમાજમાં આક્રોશ હોવાનું જણાવીને કચ્છભરના ૪૦ જેટલા મુસ્લિમ આગેવાનોની સહી સાથે પોલીસને કાયદેસર કાર્યવાહી કરવા જણાવાયું છે, જો કંઈ કાર્યવાહી નહીં કરાય તો નખત્રાણા ડીવાયએસપી કચેરી સામે કચ્છભરના મુસ્લિમો દ્વારા ધરણાં કરવાની ચીમકી આપાઈ છે.

MLA-MPએ સ્પષ્ટતા કર્યા પછી બહિષ્કાર પાછો ખેંચાયો

દરમ્યાન અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઇબ્રાહિમ હાલેપોત્રાએ ૩/૩ના યોજાયેલ નખત્રાણાની આ હિન્દુ ધર્મસભામાં ઉપસ્થિત MLA અને MPનો પશ્ચિમ કચ્છના નખત્રાણા, લખપત અને અબડાસાના મુસ્લિમ સમાજ દ્વારા કરાયેલ બહિષ્કારના મામલે ન્યૂઝ4કચ્છ સમક્ષ વાત કરી આ બહિષ્કાર હવે ઉઠાવી લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ મામલે અખિલ કચ્છ સુન્ની હિતરક્ષક સમિતિ ના નેજા હેઠળ તા/૧૯/૩ના મંગળવારે નખત્રાણા મધ્યે એક બેઠક યોજાઇ હતી. જેમાં કચ્છ મુસ્લિમ સમાજના ઇબ્રાહિમ હાલેપોત્રા, આદમ ચાકી (ભુજ), સલીમ જત (મુન્દ્રા), પૂર્વ ધારાસભ્ય ઈબ્રાહીમ મંધરા સહિત કચ્છના મુસ્લિમ સમાજના અન્ય આગેવાનો, અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં MLA પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ અને MP વિનોદ ચાવડા વતી જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન વસંત વાઘેલા અને નખત્રાણા ભાજપના રાજેશ પલણ હાજર રહીને આ ઉશ્કેરણીજનક ભાષણને દુઃખદ ગણાવ્યું હતું. કચ્છની કોમી એકતા ટકી રહે તેવા તેમના પ્રયત્નો હોવાની સ્પષ્ટતા કરી હતી. MLA અને MP વતી કરાયેલ સ્પષ્ટતાને પગલે ગેરસમજણ દૂર થતાં અબડાસા, લખપત અને નખત્રાણા મુસ્લિમ સમાજ દ્વારા કરાયેલો તેમનો બહિષ્કાર પાછો ખેંચાયો હોવાનું મુસ્લિમ સમાજ વતી ઇબ્રાહિમ હાલેપોત્રાએ જણાવ્યું હતું.