ઉનાળાના પ્રારંભે અને હોળી-ધુળેટી જેવા તહેવારોના દિવસે જ પીવાનું પાણી નહીં મળતા સમગ્ર ભુજમાં દેકારો બોલી જવા પામ્યો છે. પાણી ની સમસ્યાથી ત્રસ્ત ભુજના લોકોના લોક મિજાજને પારખીને આજે ભુજ નગરપાલિકામાં કોંગ્રેસી નગરસેવકોએ હલ્લાબોલ કર્યો હતો. વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, સિનિયર નગરસેવક ફકીરમામદ કુંભાર સાથે કોંગ્રેસના ૧૩ નગરસેવકોએ લોકોની સાથે મળીને ભુજ પાલિકાને ઘેરાવ કરી ધરણાં કર્યા હતા. વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, વારે તહેવારે નર્મદાના પાણીના મુદ્દે જશ લેતા કચ્છ ભાજપના નેતાઓ છેલ્લા એક અઠવાડિયાથી ભુજના લોકોને પીવાના પાણીની પડી રહેલી સમસ્યા સામે મૌન કેમ છે? લોકસભાની ચૂંટણીના રાજકારણમાં વ્યસ્ત ભાજપના નેતાઓ ભુજના લોકોની સમસ્યાની કંઈ પડી જ નથી એવું કહી રાજેન્દ્રસિંહ જાડેજાએ પાલિકાના ભાજપના શાસકોએ ભુજના અઢી લાખ લોકોને બાનમાં લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. લોકોને પાણી માટે ફરજિયાત મોટો ખર્ચો કરી ટેન્કર મંગાવવા પડે છે. ભુજના તમામ વોર્ડ ઉપરાંત ખાસ કરીને નર્મદા વાલ્વ ઉપર આધારિત વોર્ડન. ૧,૨,૩ અને ૮ ના રહેવાસીઓ પાણીની સમસ્યા સામે ભુજ નગરપાલિકાનું ધ્યાન દોરવા મોટી સંખ્યામાં જોડાયા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ભુજ પાલિકાના ભાજપના શાસકો એક બીજાનું ‘પાણી’ માપવામાં વ્યસ્ત અને પ્રજા છે ત્રસ્ત
લોકસભાની ચૂંટણી સમયે જ ભુજ પાલિકાનો આતરીક ડખ્ખો ચરમસીમાએ છે ભાજપના નગરસેવકો એક બીજાનું ‘પાણી’ માપવાની રાજકીય રમતમાં વ્યસ્ત છે. જિલ્લા ભાજપ પ્રમુખ, સાંસદ અને ધારાસભ્યનું પણ માનવા ભુજ પાલિકાના ભાજપી સભ્યો તૈયાર નથી પરિણામે પ્રજા ત્રસ્ત છે એ કડવું સત્ય છે.