Home Current મોદીના માનીતા ઉમેદવારને કચ્છ ભાજપે જુથબંધી ભૂલી વધાવ્યા – જાણો વિનોદ ચાવડાએ...

મોદીના માનીતા ઉમેદવારને કચ્છ ભાજપે જુથબંધી ભૂલી વધાવ્યા – જાણો વિનોદ ચાવડાએ શું કહયું?

2839
SHARE
૨૦૧૯ ના લોકસભા ચૂંટણી જંગમાં ભાજપનાં કેન્દ્રીય નેતૃત્વ એ ફરી એકવાર સાંસદ વિનોદ ચાવડાને મોરબી-કચ્છના રણમેદાન માં ઉતારી ચૂંટણી યુદ્ધનો શંખનાદ ફૂંકયો છે. સેન્સ પ્રક્રિયા દરમ્યાન કચ્છ ભાજપ માંથી દાવેદારોની સંખ્યા ૪૧ હતી. પણ, બધા માં બાજી મોદી ના માનીતા ઉમેદવાર વિનોદ ચાવડાએ મારી. કચ્છ લોકસભા બેઠક માટે તેમને રિપીટ કરાયા બાદ તેઓ કચ્છ ભાજપના કાર્યાલયે પહોંચ્યા ત્યારે ઉત્સવનો માહોલ હતો. જુથબંધી ભુલીને કચ્છ ભાજપના નેતાઓ,આગેવાનો અને કાર્યકરોએ તેમની ઉમેદવારીને આવકારી હતી. તો, તેમને રૂબરૂ નહીં મળી શકનાર કચ્છ ભાજપના આગેવાનોએ તેમને ફોન ઉપર અભિનંદન પાઠવ્યા હતા. ભાજપ કાર્યાલયમાં જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ, રાજ્ય મંત્રી વાસણભાઇ આહીર, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, ભુજ પાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી અને વિશાળ સંખ્યામાં ઉમટી પડેલા આગેવાનો, કાર્યકરોએ તેમને ઉત્સાહ પૂર્વક વધાવી લીધા હતા. મોરબી-કચ્છના નાની ઉંમરે સાંસદ બની અઢી લાખ થી વધુ મતો થી જીતીને રાજકીય વિક્રમ બનાવનાર વિનોદ ચાવડાએ નાની ઉંમરે સાંસદની ચૂંટણી સતત બીજી વાર લડવાનો વિક્રમ અત્યારે તો બનાવી લીધો છે. હવે ચૂંટણી જંગ જીતીને નાની ઉંમરે બીજી વાર સાંસદ તરીકે ચુંટાવાનો પડકાર તેમની સામે છે. જોકે, ભુજના ભાજપ કાર્યાલયમાં મીડીયા સાથેની વાતચીતમાં તેમણે ૨૦૧૪ ની જેમ ૨૦૧૯ માં પણ રેકર્ડ મતે ચૂંટાઈ આવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સફળ નેતૃત્વ અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી કામગીરીને પોતાનું ભાથું ગણાવતા વિનોદ ચાવડાએ સાંસદ તરીકે પોતાના પાંચ વર્ષના કાર્યોને કારણે જીતનો દાવો કર્યો હતો.
સાંભળો, વિનોદ ચાવડાની વાત, તેમના જ શબ્દોમાં…